શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે સોમનાથમાં ભીડ ઉમટી
Trending Photos
હેમલ ભટ્ટ/ગીર :પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ભાવિક ભક્તો મંદિરમાં દર્શન માટે પહોંચ્યા છે. શ્રાવણ મહિનામાં શિવ મહિમા હોય છે, તેથી લોકો પણ શિવમંદિરમાં દર્શન કરવા પહોંચી જતા હોય છે. વરસાદી માહોલ સાથે સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે. આવામાં ગુજરાતના પવિત્ર સોમનાથ મંદિરમાં પણ વહેલી સવારથી જ ભીડ જોવા મળી છે.
વડોદરા : પૂરમાં લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો વેપારીઓએ, દૂધની થેલીના સીધા 100 રૂપિયા વસૂલ્યા
સોમનાથ ર્જયોર્તિલિંગમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી ગઈ છે. સવારની આરતી સમયે દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચતા હોય છે. જેને પગલે શ્રાવણ માસ નિમિત્તે કડક સુરક્ષા બંદોબસ્ત મૂકી દેવામાં આવે છે. જેથી દર્શનાર્થીઓને કોઈ અડચણ ન ઉભી થાય.
કહેવામાં આવે છે કે, સમગ્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવને દૂધ અને ગંગાજળથી અભિષેક કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ મહિનાના સોમવારનું પણ અનેરુ મહત્વ છે. ચંદ્રને સોમ કહેવાય છે અને ચંદ્રમાના ઈશ્વર ભગવાન શિવ છે. જેથી સોમવાર બહુ જ ફળદાયી હોય છે. આ કારણથી શિવને સોમેશ્વર પણ કહેવાય છે. ગ્રંથોમાં લખ્યું છે કે, ગંગાનું પૃથ્વી પર આગમન પણ શ્રાવણ મહિનાના સોમવારે જ થયું હતું. આ કારણે જ સોમવારીને ઉત્તમ દિવસ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું. શાસ્ત્રોમાં લખાયું છે કે, શ્રાવણ મહિનાના સોમવારે જ્યોર્તિલિંગના જળાભિષેક કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ કારણે જ સોમનાથ મંદિરમાં સમગ્ર શ્રાવણ મહિનામાં ભીડ જામતી હોય છે.
શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સવારના 6 કલાકથી સોમનાથ પંથકમાં અવિરત મેઘ સવારી જોવા મળી છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લાં ૨૪ કલાકના વરસાદ પર નજર કરીએ તો, ઉનામાં ૪૦ mm, કોડીનારમાં ૮૩ mm, ગીર ગઢડામાં 17 mm, તાલાળામાં ૨૨ mm, વેરાવળમાં 5 mm અને સુત્રાપાડામાં ૩૯ mm વરસાદ ખાબક્યો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે