Dy.SP ના પુત્રની પરિવાર સહિત આત્મહત્યા કેસમાં નવો વળાંક, સાઢુભાઇ સામે ફરિયાદ દાખલ
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર : શહેરમાં દોઢ માસ પૂર્વે એક જ કુટુંબના ચાર વ્યક્તિઓએ રિવોલ્વર વડે ફાયરિંગ કરી સામૂહિક આપઘાત કરી લીધો હતો. જેમા મૃતક પૃથ્વીરાજસિંહ જાડેજાના પિતા અને પૂર્વ ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજાએ તેના દીકરા પૃથ્વીરાજસિંહના સાઢુભાઈ યશવંતસિંહ રાણા સહિત છ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સામુહિક આત્મહત્યા કેસમાં નવેસરથી તપાસ શરૂ કરી છે.
ભાવનગરના વિજયરાજ નગર વિસ્તારમાં રહેતા પૂર્વ ડીવાયએસપી જાડેજાના દીકરા પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની અને બે પુત્રીઓને ગોળી મારી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. રહસ્યમય સંજોગોમાં બનેલો સામૂહિક આત્મહત્યા કેસ પોલીસ માટે મૂંઝવણ ભર્યો સાબિત થઇ રહ્યો હતો. તેવામાં મૃતક પૃથ્વીરાજસિંહ જાડેજાના પિતા અને પૂર્વ ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજાએ તેના પુત્ર પૃથ્વીરાજસિંહના સાઢુભાઈ અને તેનો પરિવાર ધાક ધમકી આપતો હોવાની અને પૃથ્વીરાજસિંહની દિકરી યશ્વીબાની સગાઈ તેના સાઢુભાઈ યશવંતસિંહના દિકરા યજ્ઞદિપસિંહ સાથે કરાવી આપવા તથા અડધી સંપત્તિનું વિલ યજ્ઞદીપસિંહના નામે બનાવી આપવા દબાણ કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ પૃથ્વીરાજસિંહ જાડેજા અને યશવંતસિંહ રાણાની ભાગીદારી પેઢી "માં" એન્ટરપ્રાઇઝમાં યશવંતસિંહ રાણાએ રૂપિયા ૪૫ લાખનો ગોટાળો કર્યો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જે સમગ્ર મામલે માનસિક ત્રાસને લઈને પોતાના પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
શહેરના વિજયરાજનગરમાં બનેલા સામુહિક આત્મહત્યા કેસમાં મૃતક પ્રદ્યુમનસિંહ ઉર્ફે પૃથ્વીરાજસિંહના પિતા નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ નિલમબાગ પોલીસ મથકમાં સામૂહિક આત્મહત્યા કેસમાં છ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં યશવંતસિંહ ઉર્ફે યસુભા રાણા, પત્ની મીનાબા યશવંતસિંહ રાણા, પુત્રી ઋતિકાબા યશવંતસિંહ રાણા, પુત્ર યજ્ઞદિપસિંહ યશવંતસિંહ રાણા, તેમજ યશવંતસિંહ રાણાના પિતા રઘુભા રાણા અને રઘુભાના પત્ની એમ કુલ છ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
જેમાં પૃથ્વીરાજ સિંહ અને તેના પત્ની બીનાબાને ધાક-ધમકી તથા માનસિક ત્રાસ આપી યશવંતસિંહ રાણાના દિકરા યજ્ઞદીપસિંહ જોડે પૃથ્વીરાજસિંહની દીકરી યશસ્વીબાની સગાઈ કરાવી આપવા તેમજ સંપત્તિમાં અડધી સંપત્તિનું યજ્ઞદીપસિંહના નામે વિલ બનાવવા દબાણ કરતા હતા, તેમજ "માં" એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢીમાં આશરે ૪૫ લાખ રૂપિયા જેવી માતબર રકમનો ગોટાળો કરી દગો અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે