ગુજરાતમાં કરાર આધારિત શિક્ષકો મેદાને! આ ધારાસભ્યએ કહ્યું; 'જ્ઞાન સહાયક રદ્દ કરાવીને જ જંપીશું'
આજે જિલ્લા સ્તરે અનંત પટેલની આગેવાની નવસારી સહિત વલસાડ, સુરત, તાપી, અમદાવાદ, ગાંધીનગરથી પણ શિક્ષિત બેરોજગાર ઉમેદવારો નવસારી પહોંચ્યા હતા અને નવસારી સર્કિટ હાઉસ ખાતેથી વિશાળ સંખ્યામાં રેલી કાઢી હતી. રેલીમાં સરકાર અન શિક્ષણ મંત્રી, સચિવના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
Trending Photos
ઝી બ્યુરો/વલસાડ: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓમાં કાયમી ભરતી ન કરી, 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના જાહેર કરી છે. જેનો કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આજે દક્ષિણ ગુજરાતમાંથી આવેલા નોકરીવાંચ્છુ શિક્ષિત ઉમેદવારો રેલી કાઢી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરના પ્રતિનિધિ તરીકે નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માંગ કરી હતી. સાથે આંદોલનને રાજ્યવ્યાપી બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
નવસારીના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા શિક્ષિત બેરોજગાર યુવાનોને શિક્ષણ વિભાગમાં કરાર આધારિત નહીં પણ કાયમી નોકરી મળે એ માટે આંદોલનના રોપાણ કર્યા છે. જિલ્લાના વાંસદા, ચીખલી તાલુકામાં રેલી સાથે વિરોધ પ્રદર્શન બાદ આજે જિલ્લા સ્તરે અનંત પટેલની આગેવાની નવસારી સહિત વલસાડ, સુરત, તાપી, અમદાવાદ, ગાંધીનગરથી પણ શિક્ષિત બેરોજગાર ઉમેદવારો નવસારી પહોંચ્યા હતા અને નવસારી સર્કિટ હાઉસ ખાતેથી વિશાળ સંખ્યામાં રેલી કાઢી હતી. રેલીમાં સરકાર અન શિક્ષણ મંત્રી, સચિવના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
સાથે જ કલેકટર કચેરી પહોંચ્યા બાદ રસ્તા ઉપર બેસીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. ધારાસભ્ય અનંત પટેલ સહિત આંદોલનકર્તાઓ રસ્તા ઉપર બેસી જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી. જેમાં પોલીસે આંદોલનકારીઓને હટાવવા જતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોલીસને વિરોધ કરવાનો હક હોવાનું જણાવી સમજાવી હતી. ત્યારબાદ આવેદન આપવા પહોંચેલા બેરોજગાર ઉમેદવારોએ રામધૂન ગાઈને સરકારને સદબુદ્ધિ આવે એવી પ્રાર્થના પણ કરી હતી.
દરમિયાન ફક્ત 10 લોકોને આવેદન આપવા માટે બોલાવવામાં આવતા ધારાસભ્ય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કલેક્ટરને નીચે આવીને આવેદન સ્વીકારવા કહેવડાવવામાં આવ્યું હતું. પરંતુ કલેક્ટર કે તેમનો કોઈ પ્રતિનિધિ નીચે ન આવતા ધારાસભ્ય અને આંદોલનકારીઓએ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એસ. કે. રાયને કલેકટર સમજીને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવામાં આવે એવી માંગ સાથે કાયમી ભરતી કરવામાં આવેની વાત સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં ધારાસભ્યો પણ 11 મહિનાના કરાર આધારિત લેવામાં આવે, મંત્રીઓ અને મુખ્યમંત્રીનો પણ 11 મહિનાનો કરાર કરવામાં આવે, સાથે જ અન્ય પદો પર પણ કરાર આધારિત નિમણૂક થાય એવા ટોંણા સાથે વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે આવનારા સમયમાં દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં આંદોલનને ઉગ્ર બનાવવા સાથે ગાંધીનગરમાં પણ મોટી સંખ્યામાં ભેગા થઈ સરકારને સીધી રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે