ખાનગી શાળાની મોંઘી ફી સામે આ સરકારી સ્કૂલમાં મફતમાં મળે છે શિક્ષણ, ખાવા-પીવાથી લઈને રહેવાની પણ સુવિધા

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં આદિવાસી વિદ્યાર્થીઓનું ઘડતર થાય તે માટે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ચલાવવામાં આવી રહી છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ફ્રી શિક્ષણ સાથે રહેવા તથા જમવાની સુવિધા પણ આપવામાં આવે છે. 

 ખાનગી શાળાની મોંઘી ફી સામે આ સરકારી સ્કૂલમાં મફતમાં મળે છે શિક્ષણ, ખાવા-પીવાથી લઈને રહેવાની પણ સુવિધા

દાહોદઃ ગુજરાતમાં એક તરફ ખાનગી સ્કૂલોમાં લેવાતી મોંઘી ફીથી અનેક વાલીઓ પરેશાન રહે છે. આજે જ અમદાવાદમાં ઘણી ખાનગી સ્કૂલ દ્વારા ફીમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ઘણી એવી શાળાઓ ચાલી રહી છે જે એક વર્ષમાં લાખો રૂપિયાની ફી વસૂલી રહી છે. માત્ર ફી જ નહીં આ સિવાય પણ ખાનગી સ્કૂલોમાં અનેક પ્રકારના ખર્ચાઓ વાલીઓએ કરવા પડે છે. બીજીતરફ ગુજરાત સરકાર દ્વારા એક એવી સ્કૂલ ચલાવવામાં આવી રહી છે, જ્યાં કોઈ ફી લીધા વગર બાળકોને સારૂ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કઈ છે આ સ્કૂલ તમે પણ જાણો..

એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ
ગુજરાતમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ યોજના એક અભિનવ પ્રયોગ સાબિત થયો છે. આદિ જાતિના વિદ્યાર્થીઓને ઘર આંગણે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય તે ઉદ્દેશથી શરૂ થયેલી આ શાળાઓને કારણે આ વિસ્તારોમાં શાંત ક્રાંતિ આકાર લઇ રહી છે.. ચાલો, સાક્ષી બની એ આ શાંત ક્રાંતિનાં...

ગુજરાત સરકારે  જૂન 2003થી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ યોજના શરૂ કરી હતી. ત્યારથી  અત્યાર સુધીમાં અનુસુચિત જનજાતિ સમુદાયના લાખો વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે.  હાલ રાજ્યમાં  34 શાળાઓમાં 11,066 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. દરેક શાળામાં, 480 વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે.જ્યાં તેમને  પુસ્તકો અને નોટબુક પણ મળે છે.આ શાળામાં પ્રવેશ મેળવવા માટે સેંટ્રલાઈઝ પરીક્ષા લેવામાં આવે છે જેમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓને તેમના ઘરથી 30 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.

 દાહોદમાં શરુ કરેલ આ એકલવ્ય રેસિડેન્શિયલ સ્કુલ અત્યાધુનિક શિક્ષણની સાથે સાથે સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીંયા ઇમર્સિવ ઇ-લર્નિંગ માટે છ ઈંટરેક્ટિવ એલઈડી, સ્માર્ટ ક્લાસ, ગ્રીન બોર્ડ છે, સાથે સાથે ભવ્ય લાયબ્રેરીની સુવિધા, કમ્પ્યુટર લેબમાં 40થી વધુ કમ્પ્યુટર વાઈફાઈ સાથે જોડાયેલા છે અને અહિંની  સાયન્સ લેબમાં બાળકોના મનમાં ઉભા થતા તમામ પ્રશ્નોના જવાબ છે.

દાહોદની આ એકલવ્ય શાળામાં વિદ્યાર્થીઓને અલગ-અલગ હોસ્ટેલ સાથે રહેવા માટે ઉત્તમ વાતાવરણ મળે છે. અહીં શરૂઆતથી દિવસના અંત સુધી પૌષ્ટિક ખોરાક પીરસવામાં આવે છે. દિવસની શરૂઆત સવારના નાસ્તાથી થાય છે, પછી લંચ અને પછી ડિનર પીરસવામાં આવે છે, જેમાં ફળો, સલાડ, દૂધ અને દહીંનો સમાવેશ થાય છે. રમતગમતની દૃષ્ટિએ ખો-ખો, વોલીબોલ, કબડ્ડી, ફૂટબોલ અને ક્રિકેટ માટે એક મોટું મેદાન છે. શિક્ષણ અને રમતગમત ઉપરાંત, અહીંના વિદ્યાર્થીઓને સંગીત અને નૃત્યના વર્ગો દ્વારા તેમની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડવાની તક પણ આપવામાં આવે છે.

એટલું જ નહીં પણ યુવાઓના ભાવિને વધુ મજબુત બનાવવા માટે સરકાર આર્થિક મદદ પણ કરે છે. દરેક વિદ્યાર્થીને સ્કૂલ ડ્રેસ માટે 4,000 રૂપિયા મળે છે. તેની પાછળનો વિચાર એ છે કે દરેક બાળક સ્વચ્છ અને વિશ્વાસથી ભરેલું દેખાય. આ શાળાઓ માત્ર બાળકોને સારું શિક્ષણ જ નથી આપી રહી, પરંતુ સાથે સાથે તેમનામાં પરિવર્તન લાવવા માટે પણ એક મહત્વપુર્ણ કાર્ય કરી રહી છે, જેથી ભવિષ્યમાં તેઓ માત્ર તેમના સમુદાય મજબૂત બને અને ગુજરાતના ભવિષ્યને પણ ઘડશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news