ભાજપના જ ધારાસભ્યનો ખુલ્લો મોરચો : છેલ્લી ઘડીએ મળી હતી ટિકિટ, હવે ભાજપને ભારે પડશે
ધારાસભ્ય કાનાણીએ આજે મનપા કમિશનરને લેખિત પત્ર પાઠવ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે મારા વિસ્તારમાં આવેલા ખાડી કિનારા પર અસખ્ય સોસાયટીના લોકો મરછર, ગંદકી તેમજ દુર્ગંધના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: સુરત 161 વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મનપા કમિશ્નરને પત્ર લખી ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓને ગંદકી-દુર્ગંધ અને મરછરના ત્રાસમાંથી મુક્તિ કરવા બાબતે રજૂઆત કરી છે. એટલું જ નહી જો આ સમસ્યા હલ નહી થાય તો જન આંદોલનમાં પોતે પણ જોડાશે તેવી ચીમકી પણ પત્રમાં આપવામાં આવી છે.
ધારાસભ્ય કાનાણીએ આજે મનપા કમિશનરને લેખિત પત્ર પાઠવ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે મારા વિસ્તારમાં આવેલા ખાડી કિનારા પર અસખ્ય સોસાયટીના લોકો મરછર, ગંદકી તેમજ દુર્ગંધના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. વર્ષોથી આ પ્રશ્ન બાબતે વારંવાર રજૂઆતો કરતા આવ્યા છીએ, પરંતુ ખાડીના ત્રાસમાંથી લોકોને મુક્ત કરવા કોઈ ઝડપી અને નક્કર કામગીરી થયેલ નથી અને વહીવટીતંત્ર દ્વારા કોઈ કામગીરીનો રીપોર્ટ પણ આપવામાં આવતો નથી.
તેમણે ઉમેર્યું કે, કામની સમીક્ષા પણ કરવામાં આવી નથી અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ ચાલુ છે થઇ જશે. પણ કામ થતું નથી અને હવે લોકો કંટાળી ગયેલ હોય અસંખ્ય સોસાયટીના લોકો દ્વારા મારી પાસે આવી આ પ્રશ્ન હલ કરવાની રજૂઆત કરી છે અને જો પ્રશ્ન હલ ના થાય તો જન આંદોલન કરવાની ધમકી પણ આપેલ છે. તો આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા મારી માંગણી છે અને જો લોકો જન આંદોલન કરશે તો ના છૂટકે મારે પણ આ જન આંદોલનમાં જોડાવું પડશે જેની ખાસ નોંધ લેશો.
ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, મારા વિસ્તારની અંદર ખાડીનો ખુબ મોટો પ્રશ્ન વર્ષોથી છે. આ ખાડીના કારણે અસંખ્ય સોસાયટીઓમાં ગંદકી-દુર્ગંધ અને મરછરોનો અસહાય ત્રાસ છે. આ મામલે અનેક રજૂઆતો પણ થઇ છે પરંતુ આ પ્રશ્નનું કાયમી નિરાકરણ થતું નથી. જેને લઈને સોસાયટીના રહીશો દ્વારા એક મોરચા દ્વારા મને આવેદન આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે જો આ મચ્છરોના ત્રાસમાંથી અમને મુક્ત કરવામાં નહી આવે તો ના છુટકે અમારે જન આંદોલન કરવું પડશે.
તેઓનો પ્રશ્ન ખુબ જ વ્યાજબી છે જેના કારણે મેં કમિશ્નરને પત્ર લખી ધ્યાન દોર્યું છે. લોકોએ પ્રશ્ન હલ નહી થાય તો જન આંદોલનની ચીમકી આપી છે ત્યારે મારા વિસ્તારના લોકો જો જન આંદોલન કરે તો ના છૂટકે મારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારે આંદોલનમાં જોડાવવું પડે. એટલા માટે મેં આ સમસ્યા કમિશ્નરના ધ્યાને દોરી છે.
ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય કુમાર કાનાણીએ અગાઉ વિદેશ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓના લોન બાબતે પણ પત્ર લખી રજૂઆત કરી હતી અને હવે તેઓએ વર્ષો જુના ખાડીના પ્રશ્ન બબાતે રજૂઆત કરી છે. ત્યારે જોવાનું રહે છે કે આ માત્ર રજૂઆત જ છે કે પછી આ મામલે કોઈ નક્કર કામગીરી થશે અને લોકોને આ સમસ્યામાંથી છુટકારો પણ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે