મોરબી દુર્ઘટના પર હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, ઓરેવા ગ્રુપ ઉપર આટલી ઉદારતા કેમ દાખવાઈ
Morbi Bridge Collapse Case : મોરબી પુલ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકાર સામે સવાલ ઉઠાવ્યા... હાઈકોર્ટે પુલ દુર્ઘટના બાદ સરકારે શું પગલા લીધા.. હાઈકોર્ટે મોરબીના ડિસ્ટ્રીક્ટ જજને નોટિસ મોકલી... ઓરેવા ગ્રુપ સાથેના કરારની હાઈકોર્ટે માહિતી માગી
Trending Photos
Morbi Bridge Collapse Case આશ્કા જાની/અમદાવાદ : મોરબી બ્રિજ દૂર્ઘટના મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે સરકારને હુકમ કર્યો કે, ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં જવાબદાર કોણ તેનો સરકાર સ્પષ્ટ જવાબ આપે. સાથે જ હાઈકોર્ટે સરકાર પર અનેક સવાલો કર્યા છે.
કોઈ પણ જવાબદારી નક્કી ન થાય એવુ એગ્રીમેન્ટ શા માટે તૈયાર કરાયું
મોરબી નગરપાલિકાને સુપરસીડ શા માટે નથી કરી તેનો હાઈકોર્ટે માગ્યો ખુલાસો. હાઈકોર્ટે સરકારને કહ્યું કે, ઝુલતો પુલ તુટવાની દૂર્ઘટનામાં જવાબદાર કોણ તેનો સરકાર સ્પષ્ટ જવાબ આપે. ચીફ ચીફ ઓફિસર સામે શું પગલાં લીધા તેનો પણ સરકાર જવાબ આપે. હાઈકોર્ટે એમ પણ પૂછ્યું કે, કોઈ પણ જવાબદારી નક્કી ન થાય એવુ એગ્રીમેન્ટ શા માટે તૈયાર કરાયું? અજંતા ગ્રુપ ઉપર આટલી બધી ઉદારતા શા માટે દાખવાઈ તેનો પણ સરકાર જવાબ આપે. દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર તેમજ પરિવારજનોને રહેમ રાહે નોકરી માટે સરકાર શું કરી રહી છે તેનો પણ સરકાર જવાબ આપે.
માત્ર દોઢ પાનાના કરાર કેમ
હાઈકોર્ટે નોંધ્યું કે, રાજ્ય સરકાર એટલી બધી ઉદાર હતી કે આ સંબંધે કોઈ ટેન્ડર જ બહાર ન પાડ્યું અને સીધેસીધી કામની બક્ષિસ આપી દીધી. મોરબીની નગરપાલિકા એક સરકારી સંસ્થા છે અને તેણે પણ ફરજચૂક કરી હતી. શું મોરબી નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, 1963નું પાલન કર્યું હતું? આના પરિણામે 135 લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મોત થયાં હતાં. આટલા મહત્ત્વના કામ માટેનો કરાર માત્ર દોઢ પાનાનો કઈ રીતે હોઈ શકે? શું રાજ્ય સરકાર એટલી ઉદાર છે કે ટેન્ડર બહાર પાડ્યા વિના જ અજન્તા કંપનીને આટલી મોટી ધરોહર આપી દીધી. કયા આધારે આ પુલને એક એવી કંપની જૂન 2017 પછી ઓપરેટ કરતી હતી, જ્યારે કે (2008માં કરાયેલા કરારને) 2017 પછી રિન્યુ જ કરાયો નહોતો
આ સાથે જ મોરબી ઝુલતા પુલ અંગે શરૂઆતથી અત્યાર સુધી થયેલા તમામ કરારો અંગેની ફાઈલ સીલ કવરમાં રજૂ કરવા હાઇકોર્ટે સરકારને હુકમ કર્યો છે. હાઈકોર્ટે મોરબીના ડિસ્ટ્રીક્ટ જજને નોટિસ મોકલી છે અને ઓરેવા ગ્રુપ સાથેના કરારની હાઈકોર્ટે માહિતી માંગી છે. ત્યારે આ મામલે આગામી બુધવારે સુનાવણી થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે