ગુજરાતના 33 જિલ્લાઓમાં 82 ‘નમો વડ વન’ની સ્થાપના, ચોમેર પથરાશે ગ્રીન કવર
World Environment Day: વિશ્વ પર્યાવરણ દિવસ પર ગુજરાત માટે મોટી ખુશખબર...ગાંધીનગરમાં એક હેક્ટર વિસ્તારમાં વિવિધ પ્રજાતિના નાના-મોટા સાડા છ હજાર રોપાઓ સાથે ‘નમો વડ વન’ વિકસી રહ્યું છે. આ સાથે જ રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસસે નમો વન વન.
Trending Photos
World Environment Day: સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાઓમાં ૮૨ ‘નમો વડ વન’ની સ્થાપના થઈ છે. પ્રત્યેક વડ વનમાં ૧૭૫ વડ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું. આઝાદીના અમૃત મહોત્સવ અવસરે ૨૦૨૨મા વિશ્વ વન દિવસ ૨૧ માર્ચે ‘નમો વડ વન’ની સ્થાપનાની ગુજરાતની દિશા સૂચક પહેલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ગાંધીનગરમાં ‘નમો વડ વન’ની મુલાકાત લઈને નિરીક્ષણ અને વૃક્ષારોપણ કર્યું હતું.
દેશની આઝાદીના ૭૫ વર્ષ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૨૦૨૨ના આંતરરાષ્ટ્રીય વન દિવસ ૨૧ મી માર્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૩૩ જિલ્લાઓમાં ૭૫ સ્થળોએ ‘નમો વડ વન’ નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણની આ ગુજરાતની દિશા સૂચક પહેલ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના ‘નમો વડ વન’ની ૨૧ માર્ચે ૨૦૨૨માં ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને શરૂઆત કરાવી હતી.
મુખ્યમંત્રી ગાંધીનગરના આ ‘નમો વડ વન’ની મુલાકાત માટે આજે સવારે પહોંચ્યા હતા અને ત્યાં વાવવામાં આવેલા ફૂલ-છોડ રોપાઓ તથા અન્ય વ્યવસ્થાઓની જાત માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન વન-પર્યાવરણના અગ્ર સચિવ શ્રી સંજીવકુમારે વધુ વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં ૭૫ સ્થળોએ ‘નમો વડ વન’ ઊભા કરવાના નિર્ધાર સામે અત્યાર સુધીમાં ૮૨ ‘નમો વડ વન’ ઊભા થયા છે.
એટલું જ નહીં, પ્રથમ વર્ષે દરેક ‘નમો વડ વન’માં ૭૫ વડ રોપાઓનું વાવેતર કર્યા બાદ બીજા વર્ષે વધુ ૧૦૦ વડ રોપાના વાવેતરથી વનોના ઘનિષ્ઠિકરણની દિશા આપણે લીધી છે. અત્યારે પ્રત્યેક ‘નમો વડ વન’માં કુલ ૧૭૫ વડના રોપાઓ વાવવામાં આવેલા છે. ગાંધીનગરમાં એક હેક્ટર વિસ્તારમાં નિર્માણ થયેલા ‘નમો વડ વન’માં વિવિધ પ્રજાતિઓના નાના-મોટા રોપા અને ફૂલ-છોડ વગેરે મળી સાડા છ હજાર રોપાઓનો ઉછેર થઈ રહ્યો છે. આવા ‘નમો વડ વન’માં ટપક સિંચાઈ પદ્ધતિ અને માટલા પદ્ધતિથી પાણીના મર્યાદિત ઉપયોગ સાથે છોડનો ઉછેર કરવામાં આવે છે.
આ ઉપરાંત ‘નમો વડ વન’ લોકો માટે પર્યાવરણ પ્રિય પિકનિક સ્પોટ, પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તે માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, યોગ પ્લેટફોર્મ, બેસવા માટે બેન્ચિઝ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ‘નમો વડ વન’ના સમગ્ર પરિસરની મુલાકાત લીધી તે વેળાએ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, અગ્ર સચિવ સંજીવકુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ યુ. ડી. સિંઘ, સામાજિક વનીકરણના અગ્ર મુખ્ય વન સંરક્ષક એ.પી.સિંઘ, ધારાસભ્ય રીટાબેન, મેયર હિતેશભાઈ મકવાણા તથા પદાધિકારીઓ પણ સાથે જોડાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે