કેદીઓને સમય પહેલા મુક્ત કરવા મામલે સુપ્રીમમાં થઈ સુનાવણી, કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યો સવાલ
સુપ્રીમ કોર્ટમાં સજા પામેલા કેદીઓની સમય પહેલા છૂટકારા મામલે સુનાવણી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે ગુજરાત સરકાર પર સવાલ ઉઠાવ્યા.
Trending Photos
સુપ્રીમ કોર્ટમાં સજા પામેલા કેદીઓની સમય પહેલા છૂટકારા મામલે સુનાવણી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે ગુજરાત સરકાર પર સવાલ ઉઠાવ્યા. કોર્ટે ગુજરાત સરકારને માફી ઈચ્છતા કેદીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર નિર્ણય લેવામાં લાગતા સમય વિશે જણાવવાનું કહ્યું છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે સમય પહેલા છૂટકારાની માંગણી કરનારી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ અરજીઓની સંખ્યા જણાવવા પણ કહ્યું છે.
અત્રે જણાવવાનું કે જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ પંકજ મિત્તલની બેન્ચ એક કેદી દ્વારા દાખલ કરાયેલી રિટ અરજી (writ petition) પર સુનાવણી કરી રહી હતી. જેમાં તેણે પોતાની સજા માફીની અરજી પર વિચાર કરવાની માંગણી કરી હતી. આ પહેલા કોર્ટે ન્યાયિક આદેશ છતાં માફી માટેની અરજી પર નિર્ણય ન લેવા બદલ રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકારે 15 સપ્ટેમ્બર 2023ના રોજ અરજીકર્તાને કાયમી માફી આપવાનો આદેશ પસાર કર્યો. જો કે આ જે માફી હતી તે ચાર શરતોને આધીન હતી. કોર્ટે પ્રથમ દ્રષ્ટિ અવલોકન વ્યક્ત કર્યું કે આવી શરતો કેવી રીતે મૂકી શકાય. જેમાંથી એક શરત એ પણ હતી કે આ માફી રદ પણ થઈ શકે.
કોર્ટે કહ્યું કે "પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળે છે કે તે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કલમ 432 હેઠળ રાજ્ય સરકારની શક્તિનો પ્રયોગ કરવા માટે એક ઉપયુક્ત મામલો હતો એ તારણ પર પહોંચ્યા બાદ, શરત સંખ્યા 1થી 3ને લાગૂ કરવા જેવી નહતી. આ ઉપરાંત આવી શરતોને લાગૂ કરવા માટે રાજ્યના અધિકારનો પ્રશ્ન, અન્ય મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું માફી આપવી એ શરતી હોઈ શકે જે બીજી શરતમાં જણાવ્યું છે તેમ રદ કરવા પાત્ર પણ હોય."
કોર્ટે રાજ્ય સરકારને એ જણાવવા કહ્યું કે શું આવી શરતો કાનૂની રીતે લાગૂ કરી શકાય છે અને શું રાજ્ય સરકારની નીતિ આવી શરતોને ફરી સામેલ કરવાની મંજૂરી આપે છે. કોર્ટે વધુમાં કહ્યું કે સોગંદનામામાં રાજ્યએ કાયમી માફી આપવાના કેસો પર વિચાર કરવામાં લાગતા સામાન્ય સમયગાળા વિશે પણ જણાવવાનું રહેશે. રાજ્યએ કોર્ટે એ પણ સૂચિત કરવું જોઈએ કે શું કાયમી માફી આપવાની પ્રાર્થના પર નિર્ણય લેવા માટે કોઈ વિશેષ સમયમર્યાદા નક્કી કરાઈ છે. આ સાથે જ રાજ્ય સરકારે એ પણ જણાવવું જોઈએ કે આખરે એવા કેટલા કેદી છે જેમના સમય પહેલા છૂટકારા અંગેની અરજી સરકારે ફગાવી દીધી હોય અને તેમણે બંધારણીય કોર્ટોમાં અપીલ દાખલ કરવી પડી હોય. કોર્ટે આ કેસમાં આ સવાલોના જવાબ માટે આગામી સુનાવણી 24 નવેમ્બર નક્કી કરી છે.
અરજીકર્તા તરફથી એડવોકેટ રઉફ રહીમ અને એડવોકેટ અલી અસગર રહીમ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ગુજરાત સરકાર તરફથી AoR સ્વાતિ ઘિલ્ડિયાલ હાજર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે