ગુજરાતમાં ભરતી અને પેપરલીંક મામલે સરકાર- વિપક્ષ સામસામે; વાઘાણીએ આપ્યો જડબાતોડ જવાબ, જાણો ગૃહમાં પૂછાયેલ સવાલોના જવાબ

કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડા કરેલા આક્ષેપનો જવાબ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યો છે. જેમાં તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં સરકારી ભરતીઓમાં આલીયા, માલીયા અને જમાલીયાઓની ભરતી કરવામાં આવી હતી. સગાઓને અને પૈસાના જોરે ભરતી થતી હોવાનો આક્ષેપ સી. જે. ચાવડાએ કર્યો હતો.

ગુજરાતમાં ભરતી અને પેપરલીંક મામલે સરકાર- વિપક્ષ સામસામે; વાઘાણીએ આપ્યો જડબાતોડ જવાબ, જાણો ગૃહમાં પૂછાયેલ સવાલોના જવાબ

ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોતરીકાળમાં ભરતી-પેપરલીક અંગે સરકાર અને વિપક્ષ આમને સામને આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડા દ્વારા રાજ્યમાં ભરતી અને પેપરલીકનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સરકાર પાસેથી તેનો જવાબ માંગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ભરતી મામલે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડા કરેલા આક્ષેપનો જવાબ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યો છે. જેમાં તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં સરકારી ભરતીઓમાં આલીયા, માલીયા અને જમાલીયાઓની ભરતી કરવામાં આવી હતી. સગાઓને અને પૈસાના જોરે ભરતી થતી હોવાનો આક્ષેપ સી. જે. ચાવડાએ કર્યો હતો. ત્યારે જીતુ વાઘાણીએ કહ્યું કોંગ્રેસના રાજમાં પણ સગાઓની ભરતી થતી હતી. 

પેપરલીક મામલે કોંગ્રેસે સરકારને જવાબ આપ્યો હતો. કોંગ્રેસે કહ્યું કે પેપરલીક થાય છે તે હકીકત છે. પરંતુ સરકાર મોટા મગરમચ્છને પકડતી નથી, માત્રા નાના નાના મહોરાઓને જ પકડે છે. મોટા મગરમચ્છને પકડશો તો કોંગ્રેસ પણ તમારી સાથે છે. તેના જવાબમાં જીતુ વાઘાણીએ કહ્યું કે સરકારે કોઈને છોડવા માગતી નથી. સંપૂર્ણ તટસ્થ તપાસ થશે. સાથે જણાવ્યું કે અમે પરીક્ષા લઈએ છીએ, જેને ફોર્મ ભરવા હોય તે ભરી શકે છે. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે પ્રજા તમને ટેકો આપતી નથી, અમારે તમારા ટેકાની જરૂર નથી.

છેલ્લા બે વર્ષમાં ટેટ 1 ની પરીક્ષા યોજાઈ નથી
વિધાનસભામાં આજે પુંજાભાઈ વંશે સવાલ ઉઠાવ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં ટેટ 1 ની કોઈ પણ પરીક્ષા સરકારે લીધી નથી. ત્યારે સરકારે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કોરોના અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના કારણે પરીક્ષા લેવાઈ નથી. નવી શિક્ષણ નિતિ અંતર્ગત પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે ત્રિ સ્તરીય પધ્ધતિ અમલમાં લવાશે. પુંજાભાઈ વંશના સવાલનો જવાબ સરકારે આપ્યો છે.

રાજ્યના વિદ્યાર્થીઓ પાસેથી ટોબ્લેટ ફી લેવામા આવી 
કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે ગૃહમાં વિદ્યાર્થીઓ પાસેથી ટોબ્લેટ ફીનો મુદ્દો ઉઠાવ્યો હતો. વર્ષ ૨૦૨૦માં ૧૭૦૨ વિદ્યાર્થીઓ પાસેથી ૧૭.૦૨ લાખ રકમ ટોબ્લેટ ફી પેટે લેવામાં આવી હોવાનો વાત કરી હતી. તેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ૧૭૦૨ વિદ્યાર્થીઓમાંથી ૮૮૨ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામા આવ્યા, જ્યારે ૮૨૦ વિદ્યાર્થીઓને ટેબ્લેટ હજૂ પણ આપવાના બાકી હોવાનું જણાવ્યું છે. નાણા વિભાગના કોરોના મહામારીના કારણે કરકસરના ઠરાવના કારણે ટોબ્લેટ ન આપી શકાયાનો વિભાગે જવાબ રજૂ કર્યો હતો.

વડોદરાની એમ એસ યુનિવર્સિટીની ભરતીમા ગેરરીતિ 
કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ પરમારે ગૃહમાં વડોદરાની એમ એસ યુનિવર્સિટીની ભરતીમાં ગેરરીતિ મુદ્દે સવાલ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, સરકારને અલગ અલગ 7 ફરીયાદો ભરતીની ગેરરીતિ માટે મળી છે. હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે એના અહેવાલ બાદ કાર્યવાહી કરાશે. 

પોલીટેકનીક કોલેજોમા ૬૯૦ જગ્યાઓ ખાલી
રાજ્યની સરકારી પોલીટેકનીક કોલેજોમા ૬૯૦ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. જેમાં વર્ગ ૧ ની કુલ ૧૭૧ જગ્યાઓ પૈકી ૯૫ જગ્યાઓ ભરાયેલ ૭૬ જગ્યાઓ ખાલી છે. તેવી રીતે વર્ગ ૨ ની ૨૨૩૨ જગ્યાઓ પૈકી ૨૧૦૮ જગ્યાઓ ભરાયેલ છે, જ્યારે ૧૨૪ જગ્યાઓ ખાલી છે. અને વર્ગ ૩ ની ૧૦૬૭ જગ્યાઓ પૈકી ૩૭૭ ભરાયેલ, જ્યારે ૬૯૦ જગ્યાઓ ખાલી હોવાનું ખૂલ્યું છે.

પ્રેક્ષક ગેલેરીમાં આગામી દિવસોમાં મંજૂરી
વિધાનસભા પ્રેક્ષક ગેલેરીમાં આગામી દિવસોમાં પ્રેક્ષકોને પણ મંજૂરી આપવામાં આવશે. કોરોનાના સમયગાળાને કારણે પ્રેક્ષક ગેલેરીમાં ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું હતું. જો કે આજથી ધારાસભ્યોને મૂળ સ્થાને બેસાડવામાં આવ્યા છે. ગૃહમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ પોતાના જવાબ દરમ્યાન જણાવ્યું કે, આગામી દિવસોમાં પ્રેક્ષકો પણ વિધાનસભા જોવા આવી શકશે.

વિકાસના નામે વૃક્ષોનું નિકંદન
રાજ્યમાં વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હોવાનું કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સવાલ પુછ્યો હતો. તેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 14 હજાર 272 વૃક્ષો કાપવામા આવ્યા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 3 હજાર 160 વૃક્ષોને કાપવામા આવ્યા છે. રસ્તાઓ પહોળા કરવા, વાવાઝોડાના કારણે વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનો સરકારે જવાબ રજૂ કર્યો છે.

રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમા શારીરિક તાલીમ પ્રશિક્ષકોની જગ્યાઓ ખાલી
કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઇ બારડે રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમા શારીરિક તાલીમ પ્રશિક્ષકોની  જગ્યાઓ ખાલી હોવાના સવાલના જવાબમાં સરકારે જણાવ્.યું હતું કે, રાજ્યની બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજોમાં શારીરિક તાલીમ પ્રશિક્ષકોની 146 જગ્યાઓ ખાલી છે..રાજ્યમા 358 બિન સરકારી ગ્રાન્ટેડ કોલેજમા 283 જગ્યાઓ મંજુર થયેલ છે જેમાંથી 137 જગ્યાઓ જ ભરાયેલ છે.. સરકારે 2011 પછી આવી ભરતી જ ન કરી હોવાનો પણ ખુલાસો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news