અમદાવાદમાં એક રાતમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, ઐતિહાસિક રાયખડ દરવાજાના પગથિયાં તૂટ્યા

Ahmedabad Rains : અમદાવાદ શહેરમાં મોડી સાંજથી સરેરાશ 4 ઈંચ વરસાદ, દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ, વરસાદનું જોર મધ્યમ રહેતા શહેરીજનોને રાહત

અમદાવાદમાં એક રાતમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, ઐતિહાસિક રાયખડ દરવાજાના પગથિયાં તૂટ્યા

અમદાવાદ :શનિવારે રાતથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં રાતથી જ અમદાવાદમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે. અમદાવાદ શહેરમાં મોડી સાંજે શરૂ થયેલો વરસાદ હજુ પણ વરસી રહ્યો છે. જો કે મોડી રાત્રિ બાદ વરસાદનું જોર ઘટ્યું, તેના કારણે શહેરીજનોને થોડી રાહત થઈ છે. સમગ્ર શહેરમાં સરેરાશ 4 ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ અને પૂર્વ વિસ્તારમાં 5.20 ઇંચ વરસાદ પડ્યો. પશ્ચિમ ઝોનમાં 3.37 ઇંચ તેમજ ઉત્તર પશ્ચિમમાં 2.90 ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1.92 ઇંચ, મધ્ય ઝોનમાં 3.32 ઇંચ અને ઉત્તર ઝોનમાં 3.30 ઇંચ વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં વધુ વરસાદ વચ્ચે પાણી ભરાયા છે. મણિનગરમાં ગોરના કુવા પાસે કરંટ લાગતા બાઇક ચાલકનું મોત થયું છે. તો અમદાવાદમાં વરસાદ વચ્ચે રાયખડ દરવાજાના પગથિયાં ધરાશાયી થઈ છે. 

રાયખડ દરવાજાના પગથિયા તૂટ્યા 
અમદાવાદમાં વરસાદ વચ્ચે રાયખડ દરવાજાના પગથિયાં ધરાશાયી થઈ છે. રિનોવેશન હેઠળ ઉભી કરેલી દીવાલ ભારે વરસાદમાં તૂટી પડી હતી. જોકે, ઘટના મોડી રાત્રે બનતા જાનહાનિ ટળી હતી. મૂળ દરવાજા નીચે બનાવેલી બેઠક વ્યવસ્થા ઉપર દાદરનો ભાગ ધરાશાયી થયો છે. જોકે, દરવાજાનું વર્ષો જૂનું બાંધકામ હજી પણ અડીખમ છે. થોડા સમય પહેલા જ દાદરાના લેવલિંગનું કામ થયું હતું. 

તો બીજી તરફ, વસ્ત્રાલ કેનાલમાં રાત્રે બે કાર કેનાલમાં ખાબકી હતી. સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ બની હતી. કારમાં ચાર લોકો સવાર હતા, જેમને ફાયર વિભાગે સલામત રીતે કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news