ઐતિહાસિક ચુકાદો: એક સાથે 38 આતંકવાદીઓને ફાંસીએ લટકાવી દેવાનો દેશમાં પ્રથમ કિસ્સો
Trending Photos
અમદાવાદ : શહેરમાં 26 જુલાઈ 2008ને શનિવારની સાંજે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટનો આજે ઐતિહાસિક ચુકાદો આવ્યો હતો. અને ચુકાદો સાચા અર્થમાં જ ઐતિહાસિક રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશનાં ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38 લોકોને ફાંસીની સજા થઇ હોય તેવી પહેલી ઘટના છે. ગુજરાત જ નહીં સમગ્ર માનવજાતના દુશ્મન તેવા આ 49 આતંકવાદીઓ પૈકી 38 ને સ્પેશિયલ કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ તમામ આતંકવાદીઓને 302 કલમ, રાજદ્રોહ અને UAPA હેઠળ દોષીત જાહેર કરીને સજા ફટકારવામાં આવી હતી.
દેશ આઝાદ થયા બાદ ઇતિહાસમાં પહેલીવાર એકસાથે 38 લોકોને ફાંસીએ લટકાવી દેવાનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. આ અગાઉ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં 26 ને ફાંસીની સજા ફટકારાઇ હતી. હાલમાં આરોપીઓ અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે 8 ફેબ્રુઆરી, 2022ના રોજ ચુકાદા માટે સુનાવણી શરૂ થઈ હતી અને 18 ફેબ્રુઆરીએ સજા જાહેર કરવામાં આવી છે.
જો કે આરોપીઓના વકીલ ખાલિદ શેખે જણાવ્યું કે, કોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે તેનો અભ્યાસ કરીને જો અમારા અસીલ અમને કહેશે તો અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. અમને એવી આશા હતી કે ઓછા લોકોને સજા થશે. આરોપીઓના બીજા વકીલ એમ. એમ. શેખે જણાવ્યું હતું કે આ કેસમાં લાંબા સમય સુધી ટ્રાયલ ચાલી છે. અમે તમામ પ્રયત્નો કર્યા હતા. હવે ચુકાદાનો અભ્યાસ કરીને આગળ જે કાર્યવાહી કરીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે