કાર્યવાહીના નામે થતો આ ઢોંગ ક્યાં સુધી ચાલશે, હવે તપાસના નામે ચાલુ થયા છે તરકટો
રાજકોટ આગકાંડમાં 28 લોકોના મોત બાદ સરકાર અને તંત્ર હવે સક્રિય થયા છે. રાજ્યમાં વિવિધ ગેમઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરોમાં આવેલા ગેમઝોન બંધ કરાવવામાં આવ્યા છે. પરંતુ સવાલ થાય કે જ્યારે દુર્ઘટના થાય ત્યારે કાર્યવાહીનો ઢોંગ કરવામાં આવે છે અને ત્યારબાદ બધુ યથાવત થઈ જાય છે.
Trending Photos
રાજકોટઃ આપણે ત્યાં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવાની સિસ્ટમ જૂની છે. ખાસ કરીને જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય ત્યાર બાદ જ તંત્ર પોતાની આત્મસંતુષ્ટી માટે કાર્યવાહીનું નાટક કરે છે. જે કામગીરી પહેલાં કરવાની હોય, જે સાવચેતી પહેલાં રાખવાની હોય, જે તપાસ પહેલાં કરવાની હોય એ તમામ ઢોંગ દુર્ઘટના બાદ જ કરવામાં આવે છે. રાજકોટની ગોઝારી ઘટના બાદ રાજ્યભરની પાલિકાઓ પોતાના શહેરોમાં ચાલતા ગેમિંગ ઝોન પર ચેકિંગની કાર્યવાહી હાથ ધરે છે. મનપા, પોલીસ અને વહીવટી તંત્ર ફોટા પડાવવા માટે ઉતરી આવે છે. ગેમિંગ ઝોન સીલ કરવાનું નાટક કરે છે જુઓ તમામ શહેરોમાં થતાં નાટકના દ્રશ્યો..
હવે આ તપાસનું તરકટ શા માટે?
સવાલ તો રાજ્યની જનતાને થાય છે કે, શું ગુજરાતના નેતાઓ અને અધિકારીઓ આટલા સંવેદનહીન છે..?
શું આ તમામ કાર્યવાહી જે દુર્ઘટના પહેલાં કરવાની હતી એ પહેલાં ન થવી જોઈએ..?
જો થોડી સાવચેતી પહેલાં રાખી હોત તો એ નિર્દોષ જીંદગી ન બચાવી શકાય હોત..?
20 દિવસ પહેલાં જ TRP ગેમ ઝોનમાં નોકરીએ લાગેલા જિજ્ઞેશ ગઢવીનું કરુણ મોત, પરિજનોનો આક્રંદ સાંભળી હૃદય દ્રવી ઉઠશે#Gujarat #BreakingNews #Rajkot pic.twitter.com/Ry0v0VkVBw
— Zee 24 Kalak (@Zee24Kalak) May 27, 2024
આવા અનેક સવાલો છે જે વણઉકેલ્યા છે અને વણઉકેલ્યા જ રહેશે. કેમ કે, ગુજરાતના સત્તાધિશો અને એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ પાસે આ સવાલોનો જવાબ જ નથી. રાજકોટની દુર્ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ચાલતા ગેમઝોન બંધ કરવામાં આવ્યા છે. બહાર આવ્યું છે કે, મોટા ભાગના ગેમઝોનમાં કોઈને કોઈ નિયમોનું ઉલ્લંઘન થતું હતું.
અહીં સમજવા જેવું એ છેકે, રાજ્યભરના તમામ જિલ્લાઓમાં ચાલતા ગેમ ઝોનમાંથી 90 ટકા ગેમઝોન રાજકોટની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યા. તો, સવાલ એ થાય કે શું 90 ટકાથી વધુ ગેમઝોન ગેરકાયદેસર ચાલી રહ્યા હતા..? ગેમઝોન ચલાવવામાં કોઈ નિયમો કે ધારા ધોરણ જ નહોતા.? ગેમઝોનમાં નેતાઓની ભાગીદારીના કારણે નિયમોની કડકાઈ નથી રહી? રાજકીય વગ ધરાવતા અપરાધીઓ સરકારી નિયમો માનતા નથી.?
રાજકોટ ખાતેના ફન બ્લાસ્ટમાં ZEE 24 કલાકની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ફન બ્લાસ્ટમાં ફાયર સેફ્ટીના સાધનો 25મેના રોજ ખરીદવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
એટલું જ નહીં કેટલાક સાધનો 16 જાન્યુઆરી 2024ના રોજ ખરીદવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષથી રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ફન બ્લાસ્ટ ચાલી રહ્યું છે અને આટલા સમયથી ફાયર સેફ્ટીના કોઈ સાધનો જ હતા નહીં.
વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા 16 ગેમિંગ ઝોન બંધ કરવામાં આવ્યા. એટલું જ નહીં ગેમઝોનની સાથે જોય ટ્રેન રાઈડ પણ બંધ કરવામાં આવી. વડોદરા મહાનગર પાલિકાના કમિશનરનો દાવો છેકે, તમામ ચકાસણી પૂર્ણ થયા બાદ જ ગેમઝોન ચાલુ કરવાનો આદેશ આપવામાં આવશે.
ન માત્ર ગેમઝોન પરંતુ, રાજકોટની ઘટના બાદ અમદાવાદનું શિક્ષણ વિભાગ પણ જાગી ગયું છે.. અમદાવાદ શહેરના DEOએ તમામ શાળાઓને અગ્નિશામક સાધનો કાર્યરત કરવા આદેશ આપ્યો છે. એટલું જ નહીં ફાયર NOC ના હોય તો લઈ લેવાનો આદેશ કર્યો છે અને શાળાઓ શરૂ થતાંની સાથે જ ફાયર સેફ્ટી વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવા અને મોકડ્રીલ યોજવાનો આદેશ આપ્યો છે.
સવાલ અગત્યનો એ છેકે, ક્યાં સુધી.. ક્યાં સુધી આવી રીતે કોઈ દુર્ઘટના બાદ જ તંત્ર જાગશે. ક્યાં સુધી કોઈ દુર્ઘટનાને અગાઉથી જ અટકાવવા માટેનો પ્રયાસ નથી કરવામાં આવતો. શા માટે નિર્દોષ લોકોને મોતના મુખમાં બહાર કાઢવાનો પ્રયત્ન નથી કરવામાં આવતો. ઘટના બાદ કાર્યવાહીના નામે થતો આ ઢોંગ ક્યાં સુધી ચાલશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે