શૌર્યચક્ર મેળવાનાર ગુજરાતના પ્રથમ વીર સપૂત, જેમણે જમ્મુમાં આતંકીઓને પડકાર્યા હતા
Trending Photos
જમીલ પઠાણ/છોટાઉદેપુર :દેશની સુરક્ષા કાજે જેણે પોતાના જીવની આહુતિ આપનાર વીર શહીદ ગોરધનભાઈ રાઠવા ગુજરાતનાં પ્રથમ પનોતા પુત્ર છે, જેમને મરણોપરાંત ગુજરાતમાં પ્રથમ શૌર્યચક્ર મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આજે સ્વતંત્રતા દિન (independence day) પર આવા વીર શહીદને યાદ કરીએ.
દેશને આઝાદ કરનાર સ્વતંત્રતા (15th August) સેનાનીઓ બાદ સ્વતંત્ર ભારતની સુરક્ષા કાજે દેશની સરહદે અનેક એવા વીર સપૂત છે, જેમણે હસતાં હસતાં પોતાના પ્રાણોની આહુતિ (martyr) આપી છે. એવા જ એક વીર સપૂત છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનાં નાનકડા એવા મોરાંગના ગામના ગોરધનભાઈ રાઠવા. ગોરધનભાઈ રાઠવાનો જન્મ તારીખ 2 જૂન 1968 ના રોજ કવાંટ તાલુકાનાં મોરાંગના ગામમાં થયો હતો. ગરીબ આદિવાસી પરિવારના ગોરધનભાઈ રાઠવાએ ખૂબ જ સંઘર્ષ સાથે એફવાયબીએ સુધી પોતાનો અભ્યાસ કર્યા પોતાનું જીવન દેશને સમર્પિત કરવાનું નક્કી કર્યું. આવામાં ગોરધનભાઈ રાઠવાને ખબર પડી કે, આર્મીની ભરતી ચાલી રહી છે. ત્યારે પોતાના પરિવાર અને સ્વજનોની ચિંતા કર્યા વિના તેઓ 28 ઓગસ્ટ 1987 ના રોજ આર્મીમાં ભરતી થયા હતા અને ત્યારબાદ તેમણે આર્મીની ટ્રેનીંગ પૂરી કરી 1988 ના ઓક્ટોબર મહિનામાં તેમનું પોસ્ટિંગ 11 મી મહાર રેજિમેન્ટમાં જમ્મુના સાંબા ખાતે થયું હતું. ત્યાર બાદ તેમણે અનેક સેક્ટરમાં ફરજ બજાવી.
- 1988-89 દરમિયાન તેઓ જમ્મુ ના સાંબા સેક્ટર ના સ્થળે ફરજ બજાવી
- 1989-91 દરમિયાન તેઓ જમ્મુ કશ્મીર ના કિરણ સેકટરમાં ફરજ ઉપર રહ્યા
- 1991-93 દરમિયાન તેમણે દહેરાદૂન ખાતે પોતાની ફરજ નિભાવી
- 1993-95 દરમિયાન તેઓને જમ્મુ કશ્મીર ખાતે રાષ્ટ્રીય રાઇફલમાં ડ્યૂટી આપવામાં આવી
- 1995-1998 દરમિયાન તેમણે નોર્થ સિક્કીમમાં નાઇક તરીકે ફરજ બજાવી
- 1998-2001 દરમિયાન તેમણે ગુજરાતનાં ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા
- 2001-2004 દામિયાન તેઓ જમ્મુ કશ્મીરના પૂંછ રાજૌરી ખાતે હવાલદારની પોસ્ટ ઉપર ડ્યૂટી બજાવી
આ પણ વાંચો : લાખો રૂપિયા ખર્ચીને કેનેડા જવાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ખાસ વાંચે આ સમાચાર
2004 ના સમયે તેમનુ પોસ્ટીંગ જમ્મુના પૂંછ રાજૌરીમાં હતું. તારીખ 4 જૂન 2004 મધરાતે હવાલદાર રાઠવા ગોરધનભાઈ સંદિગ્ધ ત્રણ ત્રાસવાદીઓની હિલચાલ ઉપર ધ્યાન રાખવા કશ્મીરના પુંચ જિલ્લા (રાજૌરી) ખાતે “ઓપરેશન રક્ષક” અંતર્ગત નેત્રુત્વ સંભાળી રહ્યા હતા. તેઓ દુશ્મનની તરફ ખૂબજ સચેત રહી આગળ ધપી રહ્યા હતાં. તેમણે એકલા હાથે ત્રણેય ત્રાસવાદીઓને પડકાર કર્યો અને શૂરવીરતા સાથે ગોળીબારીની અને પોતાની જાનની સહેજ પણ પરવાહ કર્યા વિના ધીરે ધીરે તેઓ ત્રાસવાદીઓ સામે આળોટતા આળોટતા તેમની નજીક પહોચી ચૂક્યા હતા. એક આતંકવાદીને તેમણે ઠાર કર્યો. આ દરમિયાન સામેથી જવાબી ગોળીબારમાં એ ગંભીર રીતે ઘવાયા હતા. છતા હિંમત ન હારી અને બીજા આતંકવાદી ઉપર બોમ્બ ફેંકી મરણતોડ ઘા કર્યો. અને ત્રીજા ત્રાસવાદી સામે આવી ઉભા રહી ગયા. જે પણ આખરે આક્રમણ પાર્ટી દ્વારા મોતને શરણે થઈ ગયો. આ અથડામણમાં પોઈન્ટ બ્લેન્કના બે રાઉન્ડ ફાયરમાં ગોરધનભાઈનુ માથુ છેદી ગઈ અને તેઓ વીરગતિ પામ્યા. સર્વોચ્ચ બલિદાન, ઉતક્રુષ્ટ વીરતાના ઉદાહરણીય એવાં ગોરધનભાઈ કલજીભાઇ રાઠવાને તારીખ 31 માર્ચ 2006 ના રોજ દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે તત્કાલિન રાષ્ટ્રપતિ ડો. એ પી જે અબ્દુલ કલામના હસ્તે શૌર્ય ચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યું હતું. જે શહીદ ગોરધનભાઈ રાઠવાની પત્ની રમીલાબેન રાઠવાને રાષ્ટ્રપતિનાં હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. વીર શહીદ ગોરધનભાઈ કલજીભાઇ રાઠવા ગુજરાતનાં પ્રથમ અને દેશના છ્ટ્ઠા વીર શહીદ હતા, જેમણે શૌર્યચક્ર (મરણોત્તર) થી નવાજવામાં આવ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લાનાં મોરાંગણા ગામના ગોરધનભાઈ રાઠવાની શહીદી કાયમી સ્મૃતિમાં જળવાઈ રહે તેમજ શૌર્યપૂર્ણ શહાદતને બિરદારવા પૂર્વ સૈનિક સેવા પરિષદ દ્વારા શહીદના જન્મ સ્થળ એવા મોરાગંણા ગામે વીર સૈનિક ગ્રામ ગૌરવ ઉત્સવ યોજી ગુજરાતના સૌ પ્રથમ અને દેશનાં છઠ્ઠા ગામને દત્તક લેવામાં આવ્યું છે.
ગોરધનભાઈની શહાદત બાદ તેમના પરિવારની જવાબદારી તેમની પત્ની રમીલાબેને લીધી હતી. ત્રણ સંતાનોને ભણાવી-ગણાવીને મોટા કર્યા. રમીલાબેનને પોતાના પતિ આ દુનિયામાં ન હોવાનુ દુખ છે. પરંતુ દેશ માટે જાનની કુરબાની માટે ગર્વ પણ છે. ગોરધનભાઈ રાઠવાનો મોટો પુત્ર કિરણ પણ પોતાના પિતાની જેમ દેશ માટે કાઇ કરી છૂટવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે. પિતાની છાત્રાછાયા વિના જીવન કેટલું મુશ્કેલ હોય છે તે એમના સિવાય બીજા કોઈ અનુભવી ન શકે. પરંતુ પોતાના પિતાએ દેશ માટે પોતાની પ્રાણોની આહુત્તિ આપી તે ગર્વની લાગણી પણ તેઓ અનુભવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે