ઉદઘાટન બાદ પહેલીવાર મોટેરા સ્ટેડિયમમાં રમાશે ઈન્ટરનેશનલ મેચ, આવતીકાલથી મળશે ટિકિટ
Trending Photos
- વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ મેદાન મોટેરામાં 24 ફેબ્રુઆરીએ ડે નાઈટ ટેસ્ટ મેચ રમાશે
- 6 વર્ષ બાદ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે
અતુલ તિવારી/અમદાવાદ :વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં ભારત વર્સિસ ઇંગ્લેન્ડ સિરીઝની ત્રીજી અને ચોથી ટેસ્ટ તેમજ 5 T20 મેચના આયોજનને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લાંબા સમય બાદ થઈ રહેલા આંતરરાષ્ટ્રીય મેચના આયોજનને લઈ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરાયો છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન મોટેરામાં 24 ફેબ્રુઆરીએ ડે નાઈટ ટેસ્ટ મેચ રમાશે.
વર્ષ 2015 માં જૂના સ્ટેડિયમને તોડી તૈયાર થયેલા નવું મોટેરા સ્ટેડિયમ બનાવાયું છે. જેમાં રમાનારી પ્રથમ આંતરાષ્ટ્રીય મેચમાં પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને આમંત્રણ અપાયું છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થતી ભારત vs ઇંગ્લેન્ડની ત્રીજી વાઈટ બોલ એટલે કે ડે નાઈટ ટેસ્ટ મેચ માટેની ટિકિટ આવતીકાલથી ઓનલાઈન મળશે. જેમાં મેદાનની કુલ સીટીંગ કેપેસિટી મુજબ 50 ટકા પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે. 'બુક માય શો' એપના માધ્યમથી ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચની ટિકિટ આવતીકાલથી મળશે. ટેસ્ટ મેચ રમાતી હશે તે સમયે જે તે દિવસની ટીકીટનું વેચાણ GCA દ્વારા મોટેરા મેદાન ખાતેથી પણ કરાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી 5 T20 મેચની ટિકિટ 1 માર્ચથી મળશે. તમામ T20 મેચની ટિકિટ પણ ઓનલાઈન 'બુક માય શો' એપ પરથી જ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો : હિરોઈન બનવા રાજકોટની 15 વર્ષની કિશોરી ઘરમાંથી ભાગી, મુંબઈ પહોંચવા સોનાની બુટ્ટી પણ વેચી
ભારત અને ઈંગ્લેન્ડની ટીમ 18 તારીખે અમદાવાદમાં આવશે. 19 ફેબ્રુઆરીથી બંને ટીમોના ખેલાડીઓ પ્રેક્ટિસની શરૂઆત કરશે. લગભગ 6 વર્ષ બાદ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાનાર છે. ડે નાઈટ સહિત સળંગ બે ટેસ્ટ તેમજ 5 T20 મેચ રમ્યા બાદ ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વનડે મેચ રમવા પૂણે જવા રવાના થશે.
ટેસ્ટ માટે ટિકિટનો ભાવ
આવતીકાલથી 'બુક માય શો' એપ પરથી ટિકિટ મળવાની છે. ત્યારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી વાઈટ બોલ ટેસ્ટ મેચની એક ટિકિટનો ભાવ 300 થી લઈ 2500 સુધી નક્કી કરાયો છે. ભારત vs ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ટિકિટનું વેચાણ આવતીકાલથી શરૂ થશે. મેદાનમાં જુદી જુદી જગ્યા મુજબ 300, 400, 450, 500, 1000 અને 2500 રૂપિયામાં ટિકિટ ઓનલાઈન મળશે. મેદાનની ચારેતરફ સૌથી ઉપરના પેવેલિયનની ટિકિટ 300 રૂપિયા નક્કી કરાઈ છે. મેદાનની ચારેતરફ નીચેના ભાગમાં આવેલા પેવેલિયનની ટિકિટ 400, 450 અને 500 રૂપિયા નક્કી કરાઈ છે. રિલાયન્સ E પેવેલિયનની ટિકિટનો ભાવ દર 500 રૂપિયા રહેશે. તો અદાણી લેફ્ટ અને રાઈટ પેવેલિયનમાં એક ટિકિટની કિંમત 1000 રૂપિયા રહેશે. અદાણી બેંકવેટ સીટમાં એક ટિકિટની કિંમત 2500 રૂપિયા નક્કી કરાઈ છે. આ તમામ ટિકિટ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા જે તે દિવસે રમાઈ રહેલી ટેસ્ટ મેચ મુજબ મેદાન પરથી પણ મળશે.
આ પણ વાંચો : ‘હવે કોઈને મનાવવાના નથી, જેને આવવું હોય તે આવી જાય, આ વહેતી ગંગા છે, હાથ ધોઈ લેવાય’
T20 આંતરરાષ્ટ્રીય મેચની ટિકિટના ભાવ
ભારત vs ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી 5 T20 ની ટિકિટો 1 માર્ચથી ઓનલાઈન મળશે. બુક માય શો એપ્લિકેશન પરથી તમામ 5 T20 આંતરરાષ્ટ્રીય મેચની ટિકિટ મળશે. T20 મેચ માટે એક ટિકિટનો દર 500 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા નક્કી કરાયો છે. જેમાં 500, 1000, 2000, 2500, 4000, 6000 તેમજ 10000 રૂપિયાની એક ટિકિટ મળશે. 500 રૂપિયાની ટિકિટ મેદાનની ડાબી અને જમણી બાજુ આવેલા ઉપરના ભાગની રહેશે. મેદાનમાં ઉપરની તરફ આવેલા લોન્ગ ઓન અને લોન્ગ ઓફની ટિકિટનો ભાવ 2000 તેમજ 2500 રૂપિયા નક્કી કરાયો છે. મેદાનના ચારેતરફ આવેલી કેટલીક ટિકિટ 1000 રૂપિયામાં આપવામાં આવશે. મેદાનની ચારેતરફ નીચેના ભાગમાં આવેલી રિલાયન્સ E ની ટિકિટનો ભાવ 4000 રૂપિયા નક્કી કરાયો છે. અદાણી પેવેલિયન લેફ્ટ અને રાઈટની ટિકિટ 6000 રૂપિયામાં મળશે. તો અદાણી બેંકવેટ સીટની એક ટિકિટ 10,000 રૂપિયામાં મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે