ભ્રષ્ટ મનસુખ અને મુકેશ સસ્પેન્ડ! સાગઠિયાની ખૂલતી એક બાદ એક પોલ, મોટા અધિકારીઓને ગાંધીનગરનું તેડું

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ એસઆઈટી દ્વારા સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં એક બાદ એક વાતો સામે આવી રહી છે. તમે પણ જાણો અત્યાર સુધી શું-શું થયું...

ભ્રષ્ટ મનસુખ અને મુકેશ સસ્પેન્ડ! સાગઠિયાની ખૂલતી એક બાદ એક પોલ, મોટા અધિકારીઓને ગાંધીનગરનું તેડું

રાજકોટઃ રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત બાદ મનપાના ચાર અધિકારીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.. ઝડપાયેલા અને ભ્રષ્ટ અધિકારીઓ પર હવે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે.. રાજકોટમાં મનસુખ સાગઠિયાની સંપત્તિનો હિસાબ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ રાજકોટના મોટા અધિકારીઓને ગાંધીનગરનું તેડું આવ્યું છે.. જુઓ આ રિપોર્ટ..

રાજકોટમાં 25 મેના રોજ સાંજના 5.30 વાગ્યા આસપાસ TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મૃત્યુ થયા હતા.. જેમાં રાજકોટ મનપાના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવતા પોલીસ દ્વારા મનપાના ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.. જેને લઈ મનપા કમિશનર દ્વારા તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા અને એટીપીઓ મુકેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે.. જ્યારે અન્ય બે આરોપી ગૌતમ જોશી અને રોહિત વિગોરાને એક સપ્તાહ પૂર્વે રાજ્ય સરકારના સીધા આદેશથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.. ઉલ્લેખનીય છે કે સાગઠિયા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે જ્યારે તેનો પગાર તો 75 હજાર જ છે..

આ ઉપરાંત રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ નજીક ટ્વીન સ્ટાર ટાવરના નોર્થ બ્લોકમાં ટીપીઓ મનસુખ સાગઠિયા ઓફિસ ધરાવે છે.. ઓફિસ અંગે થયેલા દસ્તાવેજમાં દર્શાવેલી વિગતો મુજબ ટ્વીન સ્ટાર ટાવરમાં 901 નંબરની ઓફિસના દસ્તાવેજ ગત 4 ડિસેમ્બર 2020ના થયા હતા.. જેમાં ખરીદનાર તરીકે ટીપીઓ મનસુખ સાગઠિયાના ભાઈ દિલીપ સાગઠિયા હતા..

મનપાએ 7થી 8 મહિના પહેલાં સાગઠિયાની ઓફિસ પર નોટિસ લગાવી હતી.. મનપાએ નોટિસ ચિપકાવી તેના 15 દિવસ બાદ 30 નવેમ્બરે સીલ લગાવી દીધું.. જો કે, આ સીલ કોઈએ તોડી પણ નાંખ્યું છે..  આજે 9 માસથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ ઓફિસ વેચવાની વાત તો દૂર સીલ તોડનાર સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી..  પોલીસે ફરી આ ઓફિસને સીલ કરી કોઈએ આ સીલ ખોલવું નહીં તેવી સૂચના લખી દીધી છે..

રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની ધરપકડ કરવામાં આવ્યા બાદ એસીબી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે.. 

તો બીજી તરફ આગકાંડને લઈને SIT દ્વારા પણ તપાસનો ધમધમાટ થઈ રહ્યો છે.. સોમવારે SIT દ્વારા વધુ 7 લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા.. જેમાં પોલીસ, કોર્પોરેશન અને PGVCLના કર્મચારીઓનો સમાવેશ થાય છે.. ત્યારે તપાસના ધમધમાટ વચ્ચે હજુ પણ કેટલાક આરોપીઓના નામ ખુલે તેવી શક્યતા છે..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news