લાખોનું MRI મશીન કૃષિ મંત્રીનો જીવ બચાવવા કામ ન આવ્યું, જામનગરની જીજી હોસ્પિટલમાં ધૂળ ખાય છે મશીન

Raghavji Patel Brain Stroke : કૃષિ મંત્રી રાઘવજી પટેલને ગઈકાલે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો... તેમને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે એમઆરઆઈ મશીન બંધ હતું, તેથી તેમને રાજકોટ શિફ્ટ કરાયા હતા
 

લાખોનું MRI મશીન કૃષિ મંત્રીનો જીવ બચાવવા કામ ન આવ્યું, જામનગરની જીજી હોસ્પિટલમાં ધૂળ ખાય છે મશીન

Jamnagar News મુસ્તાક દલ/જામનગર : સૌરાષ્ટ્રની સૌથી મોટી અને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ હમેશા કોઈના કોઈ વિષયને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ કરોડોના ખર્ચે નવું અને અત્યાધુનિક એમઆરઆઇ મશીન જીજી હોસ્પિટલને સોંપવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય બાદ જ જીજી હોસ્પિટલના મેન્ટેનન્સની લાપરવહીના પગલે છેલ્લા 15 દિવસથી એમઆરઆઇ મશીન બંધ હોવાના પગલે હજારો દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પણ અધૂરામાં પૂરું તાજેતરમાં જ ગુજરાતના કૃષિ મંત્રીને જ્યારે બ્રેઈન સ્ટોક આવ્યો ત્યારે તેમનું એમઆરઆઈ કરવા સમયે પણ મશીન બંધ હાલતમાં હોવાથી કૃષિ મંત્રીને પણ તાત્કાલિક રાજકોટ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

15 દિવસથી MRI મશીન બંધ છે
જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી MRI મશીન બંધ હાલતમાં છે. જેને પગલે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને MRI કરાવવા ગરીબ દર્દીઓને ખાનગીમાં વધુ રકમ ચૂકવવી પડી રહી છે. એક તો લાંબા સમય બાદ જી.જી. હોસ્પિટલમાં MRI ની સુવિધા આપવામાં આવી અને ખૂબ જ ટૂંકા ગાળામાં આ સુવિધા બંધ થતાં દર્દીઓ તેમજ લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. અને સરકાર આ સુવિધા વહેલી તકે ફરી ચાલુ કરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.

રાઘવજી પટેલના કામ ન આવ્યું બંધ પડેલું મશીન
જ્યારે તાજેતરમાં જ જામનગરના ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પણ મોડી રાત્રે કાર્યક્રમ દરમિયાન બ્રેઈન સ્ટોક આવતા સૌ પ્રથમ સારવાર માટે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને એ સમયે તેમનું MRI કરવાની જરૂરિયાત પડતા એ સમયે મશીન બંધ હાલતમાં હોવાના પગલે તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ક્યાંક ને ક્યાંક જીજી હોસ્પિટલની મોટી લાપરવાહી સામે આવી છે.

દર્દીઓ ધક્કા ખાઈને પાછા જાય છે 
જ્યારે જી.જી.હોસ્પિટલની આ બેદરકારી મામલે મનપાનું વિપક્ષ પણ તંત્રને આડે હાથ લઈ રહ્યું છે. જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં એમઆરઆઇ મશીન છેલ્લા 15 દિવસથી બંધ હોઈ દર્દીઓને ધરમના ધકકા થતાં પીડામાં વધારો થઇ રહ્યો છે. દર્દીઓને ફરજીયાત ખાનગી હોસ્પિટલનો સહારો લઇ મસમોટી ફી ચૂકવવી પડી રહી છે. સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં થોડા સમય પૂર્વે મસમોટા (કરોડોના) ખર્ચે એમઆરઆઇ મશીનની સુવિધા ઉભી કરવામાં આવી છે. જે દર્દીઓ માટે આશિર્વાદરૂપ બન્યું હતું. પરંતુ આ મશીન છેલ્લાં 15 દિવસથી બંધ હોવાથી દર્દીઓને ધરમના ધકકા થતાં પીડામાં વધારો થઇ રહ્યો છે. 

વિપક્ષ આક્ષેપ પણ કરી રહ્યું છે કે જી.જી. હોસ્પિટલ દ્વારા ખાનગીMRI સેન્ટરમાં તેમના વાર્ષિક કોન્ટ્રાક્ટ આપેલા લોકોને કામ મળી રહે તે માટે આ બેદરકારી દાખવામાં આવી રહી છે. જ્યારે હાલ તો સૌથી મોટો સળગતો સવાલ એ છે કે બંધ હાલતમાં રહેલું આ એમ આર આઈ મશીન ચાલુ ક્યારે થશે...?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news