માણસ હજી અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવ્યો, સાપને મારતા પહેલા આ માહિતી જરૂર જાણી લેવી

મંદિરમાં સાપ જોતાની સાથે લોકો દૂધ પીવડાવે છે, અને એ જ સાપને ઘરની આસપાસ જોતા દુશ્મન ગણી મારવાનો પ્રયત્ન કરે છે. તેનું કારણ છે કે, સાપ વિશેની ઓછી જાણકારી કે ખોટી જાણકારી. ગુજરાતના દહેગામમાં પણ આજે નાગ અને નાગણને મારી નાંખવાનો કિસ્સો સામે આવ્યો છે. લોકોએ અંધશ્રદ્ધામાં આવીને નાગ-નાગણને મોતને ઘાટ ઉતાર્યા. આવામાં દરેકને સાપ વિશે સમજ હોવી જરૂરી છે. તો આવો આજ સાપની દુનિયામાં ડોકિયું કરી તેની સામાન્ય જાણકારી મેળવીએ.

Updated By: Jun 12, 2021, 12:06 PM IST
માણસ હજી અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવ્યો, સાપને મારતા પહેલા આ માહિતી જરૂર જાણી લેવી

મુસ્તાક દલ/જામનગર :મંદિરમાં સાપ જોતાની સાથે લોકો દૂધ પીવડાવે છે, અને એ જ સાપને ઘરની આસપાસ જોતા દુશ્મન ગણી મારવાનો પ્રયત્ન કરે છે. તેનું કારણ છે કે, સાપ વિશેની ઓછી જાણકારી કે ખોટી જાણકારી. ગુજરાતના દહેગામમાં પણ આજે નાગ અને નાગણને મારી નાંખવાનો કિસ્સો સામે આવ્યો છે. લોકોએ અંધશ્રદ્ધામાં આવીને નાગ-નાગણને મોતને ઘાટ ઉતાર્યા. આવામાં દરેકને સાપ વિશે સમજ હોવી જરૂરી છે. તો આવો આજ સાપની દુનિયામાં ડોકિયું કરી તેની સામાન્ય જાણકારી મેળવીએ.

ગુજરાતમાં મુખ્યત્વે 61 પ્રકારના સાપોની પ્રજાતિ જોવા મળે છે, એના કરતાં પણ નવાઈ પમાડે તેવી વાત એ છે કે, આ 61 પ્રકારના સાપોમાંથી માત્રને માત્ર 4 સાપ જ ઝેરી છે. કોબ્રા, ક્રેઈટ, રસલ્સ વાઈપર, અને સો-સ્કેલ્ડ વાઈપર. બાકીના બધા સાપ બિનઝેરી કે બિન ઘાતક છે. કારણ કે 57 પ્રકારના સાપોમાં માણસોને હાનિ પહોંચાડી શકે તેવું કોઈ પ્રકારનું ઝેર હોતું નથી, 

આ બિનઝેરી સાપોમાં રેટ સ્નેક, વુલ્ફ સ્નેક, ત્રિનકેટ સ્નેક, બોઆ સ્નેક, કેટ સ્નેક, ટ્રી સ્નેક, વોટર સ્નેક વગેરે પ્રજાતિનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ઝેરી સપનું ઝેર માણસ માટે ઘાતક છે. પરંતુ સાપ અને માણસો વચ્ચેના સંઘર્ષમાં સાપ હંમેશા ભાગી જવા પ્રયત્નશીલ હોય છે. પરંતુ જ્યારે એમ ના થઇ શકે ત્યારે અને માત્ર ત્યારે જ સ્વા-બચાવ માટે કરડે છે, અને કેટલાયે બનાવોમાં ઝેરી સાપ કારડીને પણ ઝેર મૂકતો નથી. એટલે કે બ્લેન્ક બાઈટ કરે છે. એનો મતલબ કે સાપને માણસો સાથે સંઘર્ષમાં કોઈ જાતનો રસ નથી.

છતાં પણ એક સર્વે અનુસાર દર વર્ષે ભારતમાં 1 25 000 સર્પદંશના બનાવ બને છે અને તેમાંના 50 000 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે. આવું કેમ? એના માટે જવાબદાર છે અંધશ્રદ્ધા. સારવારનો અભાવ, સાપ પ્રત્યેનો વધુ ડર, ઘરગથ્થુ ઉપચાર, જાગૃતિનો અભાવ વગેરેને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે.

આજના આધુનિક સમાજમાં રહેતો માણસ પણ સાપો વિશેની માહિતીના અભાવે અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવ્યો. આજનો ભણેલો-ગણેલો માણસ પણ સાપ દૂધ પીવે છે, સાપ બદલો લે છે, સાપના માથા પર મણિ હોય છે, સાપને મૂછો હોય છે, સાપ કરડે તો ધર્મગુરુઓ સપનું ઝેર ઉતારી શકે છે જેવી ગેરમાન્યતાઓમાં માને છે. જે બિલકુલ વાહિયાત વાતો છે. જ્યારે ઝેરી સાપના ઝેરથી બચવાનો જો કોઈ ઉપાય હોય તો એ માત્ર ને માત્ર એન્ટીવેનમ (વિષ પ્રતિરોધક રસી) છે.

સાપ કરડતાની સાથે જ ડર્યા વગર હિંમતભેર તુરંત આજુબાજુના સી.એચ.સી., પી.એચ.સી.સેન્ટરો 108, કે કોઈ હોસ્પિટલ કે દવાખાને પહોંચી જઈ અને તબીબી સારવાર મેળવે તો 100% બચવાના ચાન્સીસ રહે છે.

સાપ વિશે પૂરતી માહિતી કે, સાપ વિશે ખોટી માહિતીને કારણે લોકો તેને પોતાનો દુશ્મન માને છે. પણ સાપ પેસ્ટ કંટ્રોલનું કામ કરી ખેડૂતમિત્ર છે. પર્યાવરણનો ભાગ છે, આપણી પોષણ કળીનો ભાગ છે, સાપ વિષ પ્રતિરોધક રસી પણ સાપના ઝેરમાંથી બને છે. મૃત સાપનું ચામડુ પણ ઉપયોગી છે. વળી ઘણા દેશોમાં સાપ પાલતુ પ્રાણી તરીકે પાળવામાં પણ આવે છે. આમ સાપ પ્રત્યક્ષ અને પરોક્ષ ઘણો જ ઉપયોગી છે. 

માટે સાપને ક્યારેય દુશ્મન ગણી અને મારવો નહીં અને વધુમાં હવે દરેક ગામ/શહેરોમાં રેસ્ક્યુ ટીમ અને વન વિભાગ સાપ બચાવ કાર્ય કરે છે. તો ઘરમાં આવી ચડેલા સાપને પણ મારવાની જરૂર નથી રહેતી. માત્ર સાપ બચાવ કર્મીનો સંપર્ક કરી સાપને રેસ્ક્યુ કરાવીને બંધારણના અનુચ્છેદ 51 ક મુજબ સાપ નો જીવ બચાવી અને અબોલ જીવ પ્રત્યે અનુકંપા દાખવીએ.