Ahmedabad News : મેનેજર-સુપરવાઈઝરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, બાઈબલમાં મળી સ્યુસાઈડ નોટ
Man Suicide In Ahmedabad : કર્મચારીથી હાર્ડવર્ક ન થઈ શકતું હોવા છતાંય મેનેજર અને સુપરવાઇઝરે યુવકને ત્રાસ આપતા યુવકે કર્યો આપઘાત. રખિયાલના એક યુવાને બાઇબલ વાંચવા જવાનું કહી ઘરના બીજા માળે જઈ રૂમમાં આપઘાત કર્યો. રખિયાલ પોલીસને બાઇબલમાં મુકેલી સ્યુસાઇડ નોટ મળી આવતા ગુનો નોંધી બે લોકોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના રખિયાલમાં આવેલી મેઘધારા સોસાયટીમાં એક પરિવાર સુખેથી રહેતો હતો. પરિવારનો યુવક નોકરી કરી પોતાના પરિવારની સાર સંભાળ રાખતો. પણ ઘરના મોભી એવા ડેનિશ ક્રિશ્ચિયન નામના યુવકે આપઘાત કરી લેતા પરિવાર શોકનો માહોલ છવાયો છે. ઘટનાને અનેક દિવસો થઈ ગયા છતાંય આ પરિવારની આંખના આંસુ નથી સુકાયા. કારણ કે હવે આ પરિવારના મોભી દુનિયામાં નથી રહ્યા પણ પરિવારના હાથમાં રહેલા બાળકોના ભવિષ્યની ચિંતા કોરી ખાય છે.
ઘટનાની વાત કરીએ તો, ડેનિશ ક્રિશ્ચીયન ઓઢવ ખાતે આવેલી એક કંપનીમાં પેકીંગ ડિપાર્ટમેન્ટમાં 12 વર્ષથી નોકરી કરતા હતા. ડેનીશ કિશ્ચીયનને છેલ્લાં 4 મહિનાથી કમરનો દુખાવો થયો હોવાથી તેનાથી હાર્ડવર્ક થઈ શકતુ ન હતુ. જેથી તેમણે કંપનીનાં મેનેજર યોગેશ અને સુપરવાઈઝર મહેન્દ્ર પવારને હળવુ કામ આપવા માટે અવારનવાર રજૂઆત કરી હતી. છતાં મેનેજર અને સુપરવાઈઝર ડેનિશ ક્રિશ્ચીયનને હાર્ડવર્કનું કામ આપી ત્રાસ ગુજારતા હતા. 19 એપ્રિલે ડેનીશ ક્રિશ્ચીયને પત્નીને જણાવ્યું હતુ કે કંપનીએ તેને સસ્પેન્શન ઈન્કવાયરીનાં કામે નોટિસ આપી છે અને નોટિસનો જવાબ કરવા માટે કંપનીમાં હાજર રહેવા જણાવ્યું છે. જેથી ડેનિશ ક્રિશ્ચીયન સવારે કંપનીમાં ગયા હતા અને રાતનાં 11 વાગે પરત ફર્યા હતા. જે બાદ તેમણે પત્નિને જણાવ્યું હતું કે કંપનીનાં મેનેજર યોગેશભાઈએ વકીલ આવ્યો નથી કહીને ત્રણેક દિવસ બાદ આવવાનું કહ્યું છે. જેથી 10મી મેનાં રોજ ડેનીશ ક્રિશ્ચીયન સવારે કંપનીમાં ગયા અને બપોરે ઘરે આવ્યા ત્યારે નિરાશ જોવા મળ્યા હતા. કંપનીના મેનેજર યોગેશભાઈ તથા કંપનીનાં સુપરવાઈઝર મહેન્દ્રભાઈ પવારે તેને કંપનીમાં બે કલાક બેસાડી રાખી માનસિક ટોર્ચર કરી નોકરીમાંથી છૂટો કરી દેવાનો મૌખીક હુકમ કર્યો હતો. જે બાદ બપોરનાં સમયે ડેનીશ ક્રિશ્ચીયને માનસિક તાણમાં આવીને આપઘાત કરી લીધો.
પરિવારના મોભી એવા ડેનિશે આપઘાત કરતા પહેલા તેમના પરિવારને એવું કહીને ગયા કે ઉપરના મકાનમાં બાઈબલ વાંચીને આવુ છુ. પણ બપોરે ડેનિશભાઈના પત્ની ચા બનાવી આપવા માટે ઉપરનાં માળે ગયા ત્યારે મકાનનો દરવાજો બંધ હોવાથી તેણે ખખડાવતા કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી તેઓએ દરવાજો જોરથી ખોલતા ઘરમાં છત ઉપર લગાવેલા લોખંડનાં હુકમાં પતિએ નાયલોનની દોરીથી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા તેમણે બુમાબુમ કરી હતી.
જે બાદ પોલીસ ધટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવી હતી. જે રૂમમાં યુવકે આપઘાત કર્યો હતો ત્યાં બાઈબલનું ધાર્મિક પુસ્તક મળ્યું હતું. જે પુસ્તકમાં તેણે જોતા એક ચોપડાનાં અડધીયાનાં કાગળમાં સ્યુસાઇડ નોટ નું લખાણ મળી આવ્યું હતું. જેમાં બે લોકોના નામ સાથે આક્ષેપ કરાયા હતા. આ મામલે પોલીસે આત્મહત્યાના દૂષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પરિવારના બે માસૂમ બાળકો અને તેમની માતાનો સહારો છીનવાઈ ગયો. જેને લઈ પરિવાર હાલ શોકમગ્ન છે અને પોલીસ યોગ્ય કાર્યવાહી કરી ન્યાય અપાવે તેવી માંગ કરી રહ્યો છે. ત્યારે FSL ના રિપોર્ટ આધારે પોલીસ આરોપીઓને પકડી યોગ્ય ન્યાય અપાવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે