Morbi Bridge News: મૃત્યુઆંક 141 થયો, હજુ વધવાની આશંકા, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન

Morbi Bridge News: મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો, આન બાન અને શાન ગણાતા ઝૂલતા પૂલની તૂટવાની ઘટનાએ રાજ્ય સહિત દેશને સ્તબ્ધ કરી દીધા છે. 500થી વધુ લોકો પૂલ તૂટવાથી પાણીમાં ડૂબ્યા જેમાં અત્યાર સુધીમાં 141 થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. હજુ અને લોકો ગૂમ છે જેમને શોધવા માટે સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ યુદ્ધ સ્તરે કામગીરી કરી રહી છે.

Morbi Bridge News: મૃત્યુઆંક 141 થયો, હજુ વધવાની આશંકા, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન

ઝી બ્યૂરો, અમદાવાદ (ઈનપુટ- બ્રિજેશ જોશી): મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો, આન બાન અને શાન ગણાતા ઝૂલતા પૂલની તૂટવાની ઘટનાએ રાજ્ય સહિત દેશને સ્તબ્ધ કરી દીધા છે. 500થી વધુ લોકો પૂલ તૂટવાથી પાણીમાં ડૂબ્યા જેમાં અત્યાર સુધીમાં 141 થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. હજુ અને લોકો ગૂમ છે જેમને શોધવા માટે સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ યુદ્ધ સ્તરે કામગીરી કરી રહી છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 132 લોકોના મોતની સત્તાવાર રીતે પુષ્ટી કરાઈ છે. આ આંકડો હજુ વધવાની આશંકા છે. 

ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા દુર્ઘટના સ્થળે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મોરબી પહોંચ્યા અને તેમણે અહીં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે રવિવારે સાંજે 6.30 વાગે ઝૂલતો પૂલ પડી જવાથી પરિવાર સાથે રવિવારના કારણે ફરવા આવેલા લોકોના દુ:ખદ અવસાન થયા. 6.50 વાગ્યાથી ઈજાગ્રસ્તોને સારવાર માટે પહોંચાડવાનું શરૂ કરી સરકાર દ્વારા તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કરાયું હતું. ગણતરીના કલાકોમાં NDRF, નેવી, આર્મી અને એરફોર્સની ટીમોના 200થી વધુ જવાનો કામગીરીમાં રોકાયેલા હતા. તેમણે એમ પણ કહ્યું કે આ દુર્ઘટનામાં IPCની કલમો 304, 114 હેઠળ ગંભીર ફોજદારી ગુનો દાખલ કરેલો છે. IPCની કલમ 308 પણ લગાવવામાં આવી છે

આખી રાત ચાલ્યું ઓપરેશન 
દુર્ઘટના પછી આશરે 177 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 19  લોકોને નાની-મોટી ઈજા હોવાથી વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ રખાયા છે. જેમાંથી ત્રણ વ્યક્તિને રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. બીજી તરફ પુલ તૂટ્યા પછી મચ્છુ નદીમાં ગરકાવ હતભાગીઓને શોધવા આર્મી, નેવી, એરફોર્સ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી વગેરેએ પણ અડધી રાતે ઘટનાસ્થળે જઈને બચાવ ઓપરેશનને રૂબરૂ નિહાળીને દિશાસૂચન કર્યા હતા. 

જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી વિગતો મુજબ, ઝૂલતા પુલની દુર્ઘટના બન્યા પછી, તંત્ર તુરંત જ સક્રિય થઈ ગયું હતું અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત અન્ય સ્થળોની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચવા લાગી હતી. બીજીતરફ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ આરોગ્ય કેન્દ્રો, રાજકોટ પીડીયુ હોસ્પિટલ તેમજ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના 40 જેટલા ડોક્ટરોએ ખડેપગે રહીને ઈમરજન્સી સારવાર શરૂ કરી હતી.   

પુલ તૂટ્યા પછી ઘટનાસ્થળે રાજકોટ મહાનગર પાલિકાની બોટ અને લાઈફ જેકેટ સહિતની બચાવ સામગ્રી સાથે ફાયર બ્રિગેડની ટીમ મોરબી પહોંચી ગઈ હતી અને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું.  ઘાયલોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવા રાજકોટ, જામનગર, જુનાગઢ મહાનગર પાલિકા તેમજ મોરબી પાલિકાની મળીને 25 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ આખી રાત દોડતી રહી હતી. અનેક ખાનગી એમ્બ્યુલન્સ પણ આ બચાવકાર્યમાં જોડાઈ હતી. સુરેન્દ્રનગરની આર્મીની ટીમ પોતાની ત્રણ એમ્બ્યુલન્સ તેમજ સાધનસામગ્રી સાથે જોડાઈ હતી. 

આ ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ.)ની વડોદરાની ત્રણ ટીમ તથા ગાંધીનગરની બે ટીમ મળીને કુલ પાંચ ટીમના 110 સભ્યો હવાઈ તથા જમીન માર્ગે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવકાર્યને ઝડપી બનાવ્યું હતું. જ્યારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસ.ડી.આર.એફ.)ની જામનગરની બે પ્લાટુન, ગોંડલ તથા વડોદરાની ૩-૩ પ્લાટુનના કુલ 149 જેટલા સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જામનગર ગરુડ કમાન્ડોની એક ટીમ તથા સુરેન્દ્ગનગર અને ભુજની બે કંપની પણ આ બચાવકાર્ય માટે ખડે પગે રહી હતી. રાજકોટ ફાયરબ્રિગેડની સાત ટીમ 10 બોટ સાથે પહોંચી હતી. જામનગર અને પોરબંદરની નૌ સેનાની 2 ટીમના 50 ડાઈવર્સે મચ્છુ નદીમાં હતભાગીઓને શોધવાના ઓપરેશનમાં જોડાયા હતા. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

બચાવકાર્યમાં લાગેલી ટૂકડીઓ તેમજ ખડેપગે રહેલા અધિકારીઓએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન નગરપાલિકાઓના કમિશનરશ્રી રાજકુમાર બેનિવાલ, મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુ, રાજકોટ જિલ્લાના નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ધીમંત વ્યાસ, મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, મોરબી જિલ્લા પોલીસવડાશ્રી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો આખીરાત ખડેપગે રહ્યો હતો. દરમિયાન સ્થાનિક લોકો પણ તંત્રની કામગીરીમાં મદદરૂપ થતા રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news