વાવાઝોડા બાદ નવલખી બંદર ધમધમતું; કોલસાની ભરેલી ટ્રકોની પાંચ કિ.મી લાઈનો લાગી

બીપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અથડાય અને મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન થાય તેવી શક્યતાઓ હતી. જેથી કરીને મોરબી જિલ્લામાં આવેલ નવલખી બંદરે ગત 12 તારીખથી 10 નંબરનો સિગ્નલ લગાવીને સદંતર બંધ કરી દેવામાં આવ્યું હતું.

વાવાઝોડા બાદ નવલખી બંદર ધમધમતું; કોલસાની ભરેલી ટ્રકોની પાંચ કિ.મી લાઈનો લાગી

હિમાંશું ભટ્ટ/મોરબી: વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને નવલખી પોર્ટને સદંતર બંધ કરી દેવામાં આવ્યું હતું. જોકે હવે વાવાઝોડું પસાર થઈ ગયું છે અને નવલખી બંદર ઉપર તેની બહુ મોટી કોઈ અસર જોવા મળી નથી ત્યારે આજથી નવલખી બંદર ઉપર રાબેતા મુજબની કામગીરી પોર્ટ ઓફિસરની સૂચના પછી શરૂ કરી દેવામાં આવી છે. જેથી કરીને નવલખી બંદરે આવતા કોલસાને દેશના જુદા જુદા રાજ્ય સુધી પહોંચાડવા માટે દોડતા ટ્રકોના નવલખી બંદર પાસે થપ્પા લાગી ગયા હતા અને પાંચ કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી હતી. 

બીપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અથડાય અને મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન થાય તેવી શક્યતાઓ હતી. જેથી કરીને મોરબી જિલ્લામાં આવેલ નવલખી બંદરે ગત 12 તારીખથી 10 નંબરનો સિગ્નલ લગાવીને સદંતર બંધ કરી દેવામાં આવ્યું હતું. આમ ગઈકાલે તારીખ 16 ના રોજ દરિયામાં હાઈટાઇડ હતી, ત્યારે બપોરના 12 વાગ્યાથી બંદર ઉપરથી તમામ કર્મચારીઓ અને જુદી જુદી એજન્સીઓના સ્ટાફને સલામતીના ભાગરૂપે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. નવલખી બંદરની જેટી ઉપર અને સમગ્ર બંદરમાં એકથી દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. જેથી કરીને નવલખી બંદર પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો હતો.

જોકે ત્યારબાદ દરિયાના પાણી ઓસરી ગયા હતા અને હવે વાતાવરણ પણ ખુલ્લું થઈ ગયું છે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે અથડાઈ ગયા બાદ નવલખી બંદર ઉપર તેની નહિવત અસર જોવા મળી છે. જેથી કરીને મેરી ટાઈમ બોર્ડના પોર્ટ ઓફિસર તરફથી મળેલ સૂચના બાદ આજથી રાબેતા મુજબ નવલખી બંદર ઉપર કોલસાની હેરાફેરી માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. જેથી કરીને નવલખી પોર્ટના દરવાજાથી પાંચ કિલોમીટર સુધી ટ્રકોના થપ્પા લાગી ગયા હતા અને આજથી નવલખી બંદર ફરી પાછું રાબેતા મુજબ ધમધમ માં લાગ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news