ભાજપનું સદસ્યતા અભિયાન પુરજોશમાં, હવે આ ગુજરાતી કલાકારો BJPમાં જોડાયા

ભાજપનું સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે લોકસંગીત અને લોકસાહિત્યના ઉર્વશી રાદડિયા અને ઘનશ્યામ લાખાણી સહિતના વધુ કેટલાક કલાકારો ભાજપમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કમલમ ખાતે કલાકારોએ કેસરીઓ ખેસ ધારણ કર્યો છે.

ભાજપનું સદસ્યતા અભિયાન પુરજોશમાં, હવે આ ગુજરાતી કલાકારો BJPમાં જોડાયા

બ્રિજેશ દોશી, ગાંધીનગર: ભાજપનું સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે લોકસંગીત અને લોકસાહિત્યના ઉર્વશી રાદડિયા અને ઘનશ્યામ લાખાણી સહિતના વધુ કેટલાક કલાકારો ભાજપમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કમલમ ખાતે કલાકારોએ કેસરીઓ ખેસ ધારણ કર્યો છે. આ પહેલા કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા સહિતના કલાકારો ભાજપમાં જોડાઈ ચુક્યા છે.

ભાજપનું સદસ્યતા અભિયાન 20 ઓગષ્ટ સુધી લંબાવાયું છે. ત્યારે હવે એક બાદ એક વધુ કલાકારો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સફળતાપૂર્વક 3 વર્ષ પૂરા કરનારા જીતુ વાઘાણીની હાજરીમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો આજે ભાજપમાં જોડાયા છે. ત્યારે લોકસંગીત અને લોકસાહિત્યના ઉર્વશી રાદડિયા, ઘનશ્યામ લાખાણી, હિતેશ અંટાળા, કિરણબેન ગજેરા, દેવાંગી પટેલ, સુખદેવ ધામેલીયા, સંજય સોજીત્રા અને અલ્પેશ પટેલ સહિતના કલાકારો કમલમ ખાતે વિધિવત ભાજપમાં જોડાઇ ગયા છે.

ભાજપમાં જોડાવાની સાથે જ ઘનશ્યામ લાખાણીએ જણાવ્યું હતું કે, દેશ વિદેશમાં નરેન્દ્ર મોદીનું નામ ગર્વથી લેવાય છે. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખીને ભાજપમાં જોડાયો છું. અંતરથી આ દેશ માટે કામ કરનારા લોકો સાથે જોડાયો છું. તો બીજી તરફ ઉર્વશી રાદડિયાએ જણાવ્યું હતું કે, એક દિશા સૂચક ભારતને આગળ લઈ જવા યુવાનોએ જોડાવું પડશે. આ પહેલેથી ભાજપ સાથે જોડાયેલી છું.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવેલા સદસ્યાતા અભિયાન અંતર્ગત જુદા જુદા ક્ષેત્રના લોકોને પાર્ટીમાં જોડવામાં આવી રહ્યાં છે. ત્યારે આ અગાઉ પણ ગુજરાતના સંગીત ક્ષેત્રે જોડાયેલા કલાકારો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. જેમાં કિંજલ દવે બાદ સિંગર અને ગરબા ક્વિન ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા, સૌરભ રાજ્યગુરૂ, ગમન સાંથલ, દિવ્યા ચૌધરી, રવિ ખોરજ, રિધમ ભટ્ટ, ભૂમિ પંચાલ અને રિયા પંચાલ સહિત કલાકારો ભાજપમાં જોડાઈ ચુક્યા છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news