ખજૂરભાઈ જેવો બીજો મસીહા : ઘર વગર રખડતા દાદી-પૌત્રને નવું મકાન બનાવી આપ્યું

Khajurbhai Humanity : પંચમહાલમાં એક યુટ્યુબર મનહરભાઈ પટેલ એક ગરીબ દાદી અને પૌત્રના વ્હારે આવ્યા.. નિસહાય પરિવારને તેમણે પાક્કુ મકાન બનાવી આપ્યું
 

ખજૂરભાઈ જેવો બીજો મસીહા : ઘર વગર રખડતા દાદી-પૌત્રને નવું મકાન બનાવી આપ્યું

Panchmahal News જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : ફેમસ સોશિયલ મીડિયા ખજૂરભાઈ ને તો કોણ નથી ઓળખતું. ખજૂરભાઈ એટલે કે નીતિન જાની સોશિયલ મીડિયા થકી જે સેવકાર્યો કરી રહ્યા છે, તેનાથી અનેક લોકો પ્રેરણા મેળવી રહ્યા છે અને સમાજની ભલાઈ માટે કામ કરી રહ્યા છે. આવો એક જીવંત દાખલો પંચમહાલમાં જોવા મળ્યો છે. જ્યાં એક શિક્ષક અને યુટ્યુબર એવા મનહર પટેલ અને તેમના ગ્રુપે સોશિયલ મીડિયાની મદદથી એક નિરાધાર અને અતિ ગરીબ બાળકને નવું ઘર બનાવી આપ્યું છે.

પંચમહાલના કાલોલ તાલુકાના બેઢિયા ગામે દાદી સાથે રહેતા 8 વર્ષીય જયપાલનું પરિવાર તેના જન્મથી જ ખેદાન મેદાન થઈ ગયેલું હતું. પિતા અસ્થિર મગજના કારણે ક્યાંક ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ માતા પણ અન્ય ઇસમ સાથે ભાગી જતા માસુમ એવો જયદીપ નિરાધાર અને નિસહાય બની ગયો હતો. વૃદ્ધ દાદી આડોસ પડોસમાંથી સગા સ્નેહીઓ પાસેથી કંઈકનું કઈક લાવી જેમતેમ ગુજરાન ચલાવતી હતી. જયદીપનું ભરણપોષણ કરતી હતી. દુનિયાદારીની સમજ પણ ન કેળવાઈ હોય તેવી નાની ઉંમરે જ માતાપિતાની છત્રછાયા અને પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા જયપાલ અને તેના દાદીના રહેવા માટે જ ઘર હતું તે એટલું જર્જરિત અવસ્થામાં હતું કે કોઈ પણ સમયે ધરાશાયી થઈ શકે તેમ હતું.

ચોમાસામાં એટલી વિકટ સ્થિતિ થતી કે સૂવા માટે ફળિયામાં અન્યના ઘરે જવું પડતું. ચોમાસુ પૂરું થાય ત્યારે તેઓ પોતાના મકાનમાં પરત આવતા. કાચા નળીયા, માટી અને લાકડાથી બનેલા મકાનમાં રહેવા મજબુર બનેલા જયપાલ માટે મનહરભાઈ પટેલ અને તેમનું શ્રી રામ હેલ્પ ગ્રુપ જાણે દેવદૂત બનીને આવ્યા હોય તેમ તેમની તમામ રીતે મદદ કરી. પ્રથમ તો આ પરિવારને દર મહિને રાશન કીટ આપવાની શરૂઆત કરી અને ત્યાર બાદ તેમના ગ્રુપે જાતે જ દિવસ રાત મહેનત કરી જયપાલનું આખું ઘર નવું બનાવી આપ્યું. 

જયપાલ જેવા જ અનેક નિસહાય અને દુઃખી બાળકો અને વૃધ્ધો માટે દેવદૂત બનેલા મનહરભાઈ પટેલ અને તેમના ગ્રુપે રામ કુટિરના નામથી છત વિહોણા લોકોને મકાન બનાવી આપવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ લુણાવાડાના સિગ્નલી ખાતે માતા પિતાની છત ગુમાવી બેઠેલા 6 બાળકો બે રામકુટિર નામથી મકાન બનાવી આપનાર મનહરભાઈ પટેલ પોતે કોરોના કાળમાં પોતાની એક યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. 

આયુર્વેદના ઉપાયો અને મોટીવેશનલ સ્પીચના કન્ટેન્ટ સાથે શરૂઆત કરનાર મનહરભાઈ પટેલ હવે ખજૂરભાઈની કામગીરી જોઈને તેમના નક્શે કદમ પર ચાલી રહ્યાં છે. છત વિહોણા લોકો ને ઘર બનાવી આપી અદભૂત સેવા કરી રહ્યા છે. યુ ટ્યુબમાં 13 લાખ સબ્સ્ક્રાઇબર ધરાવતા મનહરભાઈ હવે અવિરત પણે જીવનના છેલ્લા શ્વાસ સુધી આવી સેવા કરવાની નેમ લઈને બેઠા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news