રૂપાલા હારી શકે છે! 10 ટકા મતો જ પથારી ફેરવશે, રાજકોટ બેઠકના આ છે નવા સમીકરણો

Rupala Controversy: ગુજરાતમાં ભાજપ ભલે 6થી 7 લાખની લીડથી જીતવાના દાવાઓ કરી રહી હોય પણ આ સમીકરણો એકવાર તો ટેન્શન અપાવશે. 2009 સિવાય ભાજપ અહી છેલ્લા 2 દાયકાથી હાર્યું નથી પણ લેઉવા પાટીદારના મતો અને ક્ષત્રિયોએ ભેગા થઈને 10 ટકા મત પલટાવ્યા તો રૂપાલા 5 લાખની લીડથી જીતવાના તો દૂર પણ ઘરભેગા થઈ શકે છે. કોંગ્રેસ અને આપના મતો પ્લસ ક્ષત્રિય મતો રાજકોટના સમીકરણો બદલી શકે છે......જુઓ આ રિપોર્ટ

રૂપાલા હારી શકે છે! 10 ટકા મતો જ પથારી ફેરવશે, રાજકોટ બેઠકના આ છે નવા સમીકરણો

Rupala Controversy: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં વિકાસની રાજનીતિ નહીં રૂપાલા વર્સિસ ક્ષત્રિયોની થઈ હોય તેમ આ વિવાદ ઉકેલવાનું નામ લેતો નથી. ક્ષત્રિયો માટે રૂપાલાની ટિકિટ એ વટનો સવાલ બનતાં ભાજપ હાઈકમાન્ડ પણ હવે ઝૂકવાના મૂડમાં નથી.  ગરાશિયા રાજપૂતો સુધી રહેલું આ આંદોલન હવે ક્ષત્રિય સમાજ માટે વટનો સવાલ બન્યું છે. હવે આ લડાઈ રૂપાલા પૂરતી ન રહી ભાજપ વિરુદ્ધ ક્ષત્રિયોની બની ગઈ છે. ભાજપના ભાજપૂતોના સહયોગ વિના લડાઈ રહેલી આ ક્ષત્રિયોના માન સન્માનની આ લડાઈમાં હવે નવા સમીકરણો જોડાયા છે. ભાજપનું દિલ્હી હાઈકમાન્ડ તેલ જુઓ તેલની ધાર જુઓની જેમ ચૂપચાપ સમગ્ર સ્થિતિનો તાગ મેળવી રહ્યું છે. ભાજપ રૂપાલાને હટાવે તો પાટીદાર સમાજમાં એક નેગેટિવ મેસેજ જવાના ડરે ભાજપે ક્ષત્રિયોને સાઈડલાઈન કર્યા છે પણ ભાજપના નેતાઓ તેમને મનાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યાં છે. 

છેલ્લા 3 દાયકામાં ભાજપે એકવાર આ બેઠક ગુમાવી 
ગુજરાતમાં રાજકોટ સીટ એ હોટ ટોપિક બની ગઈ છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં આ બેઠક 6થી 7 લાખની લીડથી જીતવા માગે છે. રાજકોટ લોકસભાની વાત કરીએ તો અહીં 23 લાખ વોટબેંક છે. રાજકોટ એ ભાજપનો ગઢ ગણાય છે. મોદીથી લઈને રૂપાણી અને વજુભાઈ વાળા પણ અહીંથી જીતી ચૂકયા છે. 2009માં ગુજરાતના હાલના કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયા કોંગ્રેસની ટિકિટ પરથી જીત્યા હતા. છેલ્લા 3 દાયકામાં ભાજપે એકવાર આ બેઠક ગુમાવી છે. ગત લોકસભાની બેઠકમાં મોહનભાઈ કુંડરિયાને 7.55 લાખ મત મળ્યા હતા. અને તેઓ 3,68,407 મતની લીડથી વિજેતા બન્યા હતા. કોંગ્રેસના લલિત કગથરાને અહીંથી 3.88 લાખ મત મળ્યા હતા. હવે સમીકરણો અલગ છે. ભાજપ ભલે જોશમાં હોય પણ ઉનાળાની કાળઝાળ ગરમી અને ક્ષત્રિયોના વિરોધ વચ્ચે જો મતદાન ઘટ્યું કે લેઉવા પાટીદાર અને ક્ષત્રિય સમાજના મત પલટાયા તો લીડ તો દૂર રહી રૂપાલા ઘરભેગા થાય તેવા પણ સમીકરણો છે.

તમે 2022ની વિધાનસભાની સ્થિતિ જોશો ભાજપને 6.74 લાખ મત મળ્યા હતા તો કોંગ્રેસ અને આપને 6.01 લાખ મત મળ્યા હતા. રાજકોટમાં ક્ષત્રિયોના મત 85 હજારની આસપાસ છે. અહીં કડવા અને લેઉવા પાટીદારોનો દબદબો છે. આ સીટ પર લેઉવા અને કડવાનો પહેલીવાર જંગ થવાનો છે. કોંગ્રેસે અહીં લેઉવા પાટીદાર ઉમેદવાર પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. ધાનાણી એ છે જેમને 22 વર્ષ પહેલાં અમરેલીથી રૂપાલાને હરાવ્યા હતા.  કોંગ્રેસ અહીં કિરણ કુમાર પાર્ટ -2 રીપિટ કરવાના પ્રયાસમાં છે. અહીં ગરાસિયા, કારડિયા, ગુર્જર, નાડોદા અને કાઠી સમાજ વટે ચડે તો ભાજપને મોટુ નુક્સાન કરાવી શકે છે. 

- ક્ષત્રિયોના માન સન્માનની આ લડાઈમાં હવે નવા સમીકરણો જોડાયા 
- ભાજપ રૂપાલાને હટાવે તો પાટીદાર સમાજમાં એક નેગેટિવ મેસેજ જવાનો ડર
- 2022ની વિધાનસભામાં ભાજપને 6.74 લાખ મત તો કોંગ્રેસ આપને મળ્યા 6.01 લાખ મત
- લેઉવા પાટીદારના 5 ટકા મત અને ક્ષત્રિયોના 85 હજાર મત બદલી શકે છે સમીકરણો  
- રાજકોટની 7 વિધાનસભામાં ભાજપ 4 વિધાનસભામાં માઈનસ
- ભાજપ ભલે 6 લાખની લીડથી જીતવાના દાવા કરે પણ ફરી ગણિત માંડવાની જરૂર
- ભાજપે ફરી આ બેઠક પર નવા સમીકરણો માંડવાની જરૂર, માત્ર 74 હજાર મતની છે લીડ
- 2019 અને 2022ની ચૂંટણીમાં બદલાઈ ગયા છે ગણિતો
- એક રૂપાલાના વિવાદની આગ રાજ્યની 26 લોકસભા બેઠકો સુધી પહોંચશે

ભાજપ ટેન્શનમાં, વિવાદ બોર્ડર ક્રોસ ના કરે...
વર્ષો બાદ આ બંને વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. ભાજપ આ સીટ પર વન વે જીત માની રહી છે પણ એટલું આસાન નથી. લેઉવા પાટીદારમાં આજે પણ કડવાશ છે અને પહેલીવાર લેઉવા પાટીદારને અહીંથી તક મળી છે. પાટીદારોના 5 ટકા મત અને ક્ષત્રિયો વિરોધમાં ગયા તો રૂપાલાને અહીંથી જીતવું ભારે પડી શકે છે. ભાજપે પોતાના ગણિતો ફરી ગણવાની જરૂર છે. 2022ની વિધાનસભામાં રાજકોટ લોકસભાની 7 બેઠકો પર ભાજપ ભલે જીતી ગયું હોય પણ મતની ટકાવારી જોઈએ તો માત્ર 74 હજાર મતથી એ વિજેતા હતું આ ટકાવારી માંડ 10 ટકા છે. લેઉવા અને ક્ષત્રિયોમાં ફૂટ પડે અને આપ તેમજ કોંગ્રેસના મતો અહીં એક થાય તો ભાજપને ટેન્શન લાવી શકે છે. ભાજપ ભલે 6થી 7 લાખની લીડથી જીતવાના દાવાઓ કરી રહ્યું હોય પણ આ સમીકરણો પણ અવગણવાની જરૂર નથી.

રૂપાલા હવે ભાજપ માટે ગળાનું હાડકું

ભાજપ રાજકોટમાં મજબૂત સ્થિતિમાં છે પણ એટલું પણ મજબૂત નથી કે હાલના વિવાદને હળવાશથી લઈ શકાય. 19મી બાદ ક્ષત્રિયો રાજ્યભરમાં ભાજપ વિરોધી મોરચો ખોલવાના છે. જેનું મુખ્ય કારણ રૂપાલા છે. રૂપાલા હવે ભાજપ માટે ગળાનું હાડકું બની ગયા છે. ભાજપ રૂપાલાની ટિકિટ કાપી શકતું નથી અને રૂપાલા લડે તો આખા ગુજરાતમાં નુક્સાન જવાનો ડર છે. ક્ષત્રિય આંદોલન ગુજરાતમાં ભાજપને નુક્સાન કરાવી શકે તેવી સ્થિતિમાં નથી પણ વિવાદ બોર્ડર ક્રોસ કરીને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હિમાચલ સુધી લંબાયો તો ભાજપને મોટાપાયે નુક્સાન જવાની સંભાવના છે. આમ એક સીટ બચાવવાના પ્રયાસમાં ઘણી સીટો ગુમાવવાનો વારો આવી શકે છે. અમિત શાહે આ મામલો હાથ પર લીધો છે પણ ભાજપ હાલમાં રાજપૂતોની સ્ટ્રેટેજી પર નજર રાખી રહ્યું છે. 

આપે 2.74 લાખ તોડ્યા હતા મત...
રાજકોટની 7 વિધાનસભામાં 2022ની ચૂંટણીમાં આપને 2.74 લાખ મત મળ્યા હતા. ભાજપ એ ન ભૂલે કે લોકસભામાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંઘન ચાલી રહ્યું છે. કોંગ્રેસે ભરૂચ અને ભાવનગરની બેઠક આપને ભેટ ધરી દીધી છે. રાજકોટના સમીકરમો જોઈએ તો વાંકાનેરમાંથી વિક્રમ સોરાણીને 53,485, ટંકારામાં સંજય ભરાસણાને 17,814 મત, રાજકોટ ઈસ્ટમાં રાહુલ ભુવાને 35,446 મત, રાજકોટ વેસ્ટમાં દિનેસ જોષીને 26,319 મત , રાજકોટ સાઉથમાં શિવલાલ બારસિયાને 22,870 મત જ્યારે રાજકોટ રૂરલમાં વશરામ સાગઠિયાને 71,201 મત તેમજ જસદણમાં તેજસ ગાજીપરાને 47,636 મત મળ્યા હતા. આમ રાજકોટ લોકસભામાં આપે કોંગ્રેસ અને ભાજપના 2.74 લાખ મત તોડ્યા હતા. 

ભાજપને અલ્ટીમેટમ, ક્ષત્રિય આંદોલન પાર્ટ-2
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે કરેલી ટિપ્પણી બાદ તેમની ટિકિટ રદ કરવાના મામલે ગત રવિવારે રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન મળ્યું હતું. જેમાં ગુજરાતભરમાંથી અંદાજે 4 લાખ જેટલા ક્ષત્રિયો ઊમટી પડ્યા હતા. મેદાન પણ ટૂંકું પડ્યું હતું અને એક લાખ લોકો ટ્રાફિકમાં ફસાયેલા હોવાથી પ્રવેશી શક્યા ન હતા. જે ક્ષત્રિયો સંમેલન સ્થળે પહોંચી ન શક્યા તેમની આયોજકોએ માફી પણ માગી હતી. ગુજરાતની 92 સંસ્થાઓની કોર કમિટીએ સંમેલનનું આયોજન કર્યું હતું.

ગુજરાતભરમાંથી કેટલાક રાજવીઓ ઉપરાંત ભાયાતો અને ગામધણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તમામ સંસ્થાઓના આગેવાનોએ પણ સભા ગજવી હતી અને સૌનો એક જ મત રહ્યો હતો કે, જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હવે 19 એપ્રિલ પછી પાર્ટ-2 શરૂ કરવામાં આવશે. જેમાં માત્ર રૂપાલા જ નહીં પરંતુ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ મતદાન પણ કરવામાં આવશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news