Vadodara માં રેગિંગની ઘટના: મેડિકલ સ્ટુડન્ટને જાહેરમાં કરાવી 100 ઉઠક-બેઠક, કોલેજના સત્તાધીશો દોડતા થયા
પોતાના સીનીયર સ્ટુડન્ટના કહેવાથી બીજા વર્ષના 60 જેટલા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. ત્યારબાદ તમામ 60 જેટલા વિદ્યાર્થીઓને લાઈનમાં ઉભા રાખીને 100 ઉઠક-બેઠક કરવા જણાવાતા સૌ ચોંકી ઉઠ્યાં હતાં.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા (Vadodara) ની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ (GMIRS) માં વહેલી સવારે પૂર્વ વિદ્યાર્થીઓ અને ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટ (Medical Student) દ્વારા બીજા વર્ષના 60 જેટલા મેડિકલ સ્ટુડન્ટને 100 ઉઠક-બેઠક કરાવી જાહેરમાં રેગિંગ (Ragging) કરાવવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે.
આ ચકચારી પ્રકરણ બાબતે ગોત્રી મેડિકલ કોલેજ ખાતે મિટીંગ મળી હતી. મિટીંગમાં ડોક્ટરો, પોલીસ, વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતા. શનિવારે વહેલી સવારે 4 વાગે ગોત્રી હોસ્પિટલ (Gotri Hospital) માં નોકરી કરનાર મેડિકલ ઓફિસર અને જુનિયર રેસીડેન્ટ તેમજ અન્ય એક પૂર્વ વિદ્યાર્થી દ્વારા ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટને ઉંઘમાંથી ઉઠાડીને બીજા વર્ષના સ્ટુડન્ટને ભેગા કરવા માટે જણાવાયું હતું.
પોતાના સીનીયર સ્ટુડન્ટના કહેવાથી બીજા વર્ષના 60 જેટલા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. ત્યારબાદ તમામ 60 જેટલા વિદ્યાર્થીઓને લાઈનમાં ઉભા રાખીને 100 ઉઠક-બેઠક કરવા જણાવાતા સૌ ચોંકી ઉઠ્યાં હતાં. પરંતુ સીનીયરના કહેવાથી તમામ વિદ્યાર્થીઓએ 100 જેટલી ઉઠક-બેઠક કરવાનું શરૂ કર્યું હતું. જેમાંથી 3 વિદ્યાર્થીઓને ઉલટી સહિતની પરેશાની થઈ હતી.
ઘટના બાદ સવારે 9 વાગે રેગિંગ (Ragging) નો ભોગ બનેલા વિદ્યાર્થીઓએ ડીનને જાણ કરી હતી. જ્યારે જે 3 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી, જેમને ગોત્રી હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે એક વિદ્યાર્થી ડિપ્રેશનમાં સરી પડ્યો હોવાની માહિતી મળી છે. ગોત્રી મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગ (Ragging) ની આ પ્રથમ ઘટનાએ કોલેજના સત્તાધીશોને દોડતા કર્યાં હતાં. બીજા વર્ષના વિદ્યાર્થીઓએ રેગિંગની સમગ્ર વાત કમીટી સમક્ષ કરી હતી.
કમિટીની તપાસમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પાસે રેગિંગ કરાવનાર ગોત્રી હોસ્પિટલ (Gotri Hospital) માં ફરજ બજાવતો એક મેડિકલ ઓફિસર, બીજો જુનિયર રેસીડન્સ ડોક્ટર અને ત્રીજો ડોક્ટર હોસ્પિટલમાં ફરજ બજાવતો ન હોવાનું સામે આવ્યું હતું. કમિટીએ હોસ્પિટલમાં ફરજ બજાવતા બંને ડોકટર નૈતિક પટેલ અને ભાર્ગવ બલદાણીયાને તાત્કાલીક છુટા કર્યાં હતાં.આ સમગ્ર ઘટના બાદ ગોત્રી હોસ્પિટલમાં દિવસ દરમ્યાન ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થી વચ્ચે રેગિગની ઘટના ચર્ચાનો વિષય બની હતી.
ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટ (Medical Student) પાસે રેગિંગ કરાવવામાં સામેલ ત્રીજો ડોક્ટર કોણ છે તે અંગે કમીટીએ તપાસ શરૂ કરી છે. આ ડોક્ટર ગોત્રી હોસ્પિટલ (Gotri Hospital) માં પૂર્વ સ્ટુડન્ટ હોવાનું પણ બહાર આવ્યું છે. જ્યારે કમિટીના મેમ્બરોનો આશ્ચર્ય થયું હતું કે ત્રણ સિનીયર ડોક્ટરોના કહેવાથી બીજા વર્ષના 60 જેટલા વિદ્યાર્થીઓનું કેવી રીતે રેગિંગ થઇ શકે? બીજી તરફ આ ઘટના અંગે અત્યાર સુધી કોઇ પોલીસ ફરીયાદ દાખલ થઇ નથી. આ સમગ્ર ઘટનાની તપાસ હોસ્પિટલની એન્ટી રેગિંગ (Ragging) કમિટી દ્વારા કરવામાં આવી રહી છે.
ગોત્રી પોલીસ મથક (Police Station) ના પી.આઇ. રાજેશ કાનમીયાએ જણાવ્યું હતું કે, રેગીંગ મામલે ગોત્રી મેડિકલ કોલેજમાં મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એન્ટી રેંગીગ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. હાલ કમિટી દ્વારા કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન કોઇ ખલેલ ન પહોંચે તે માટે પોલીસ (Police) ની મદદ લેવામાં આવી છે. આજે આ મામલે સબંધિતોના નિવેદનો લેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે