મોબાઇલની જીદે ચડેલી બાળકી અડધીરાત્રે ઘરેથી નીકળી, હોટલમાં રૂમ રાખવા ગઈને લૂંટાઈ ઈજ્જત

ગૌતમ ચુડાસમા પર આરોપ છે 10 વર્ષની સગીરાને હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચરવાનો. સમગ્ર મામલા પર નજર કરીએ તો, નિર્મલા રોડ પર રહેતા એક શ્રીમંત પરિવારની સગીરાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી.

મોબાઇલની જીદે ચડેલી બાળકી અડધીરાત્રે ઘરેથી નીકળી, હોટલમાં રૂમ રાખવા ગઈને લૂંટાઈ ઈજ્જત

ગૌરવ દવે/રાજકોટ: ઘોરણ 5માં અભ્યાસ કરતી સગીરા પર દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. પિતાએ મોબાઇલ લઇ દેવાની ના પાડતા સગીરા ઘર છોડીને રાત્રીનાં સમયે નિકળી ગઇ હતી. રાજકોટની નામાંકિત હોટલ કે. કે.નાં કર્મચારી સગીરાને તિલક હોટલમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

આ ઘટનામાં સંડોવાયેલા આરોપીનું નામ ગૌતમ ચુડાસમા છે. ગૌતમ ચુડાસમા પર આરોપ છે 10 વર્ષની સગીરાને હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચરવાનો. સમગ્ર મામલા પર નજર કરીએ તો, નિર્મલા રોડ પર રહેતા એક શ્રીમંત પરિવારની સગીરાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. પોલીસનાં કહેવા મુજબ, સગીરાનાં પિતાએ મોટાભાઈને મોબાઈલ અને લેપટોપ લઈ દીધા હતા. જેથી સગીરાએ મોબાઈલની લેવાની જીદ પકડી હતી. પિતાએ ના પાડતા મોડીરાત્રે ઘરમાંથી એકટીવા અને પિતાનો મોબાઈલ લઈને નીકળી ગઇ હતી. 

ઘરેથી નીકળ્યા બાદ ધોરણ 5માં અભ્યાસ કરતી આ બાળકીએ રાત્રે રેસકોર્ષ રીંગ રોડ પર ચક્કર લગાવ્યા બાદ કાલાવડ રોડ પર આવેલી કે.કે.હોટલમાં રૂમ બુકીંગ માટે પ્રયાસ કર્યા હતાં. હોટલના મેનેજરે રૂમ આપવાની ના પાડી દીધી હતી. હોટલનાં કર્મચારી ગૌતમ ચુડાસમા સગીરાને ઓળખતો હતો. જેથી તેને અન્ય હોટલમાં રૂમ અપાવશે તેવી લાલચ આપી હતી અને સગીરાને માલવીયા ચોકમાં આવેલી તીલક હોટલમાં લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસ તપાસમાં બાળાએ આ હકીકત જણાવતા પોલીસે પોકસો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કરી ગૌતમ જગદીશ ચુડાસમા નામના આરોપીની ધરપકડ કરી હતી. પોતાની સાથે અજુગતું થયાની વાતથી અજાણ 10 વર્ષની દિકરી વહેલી સવારે મોબાઈલ ફોન પર પોતાની માસી સાથે ચેટ કરતા માસીએ ફોસલાવી પોતાના ઘરે બોલાવી હતી. અને ત્યાંથી બાળાને તેના વાલીના હવાલે કરવામાં આવી હતી. મોબાઈલની લાલચે ઘર છોડયા બાદ 10 વર્ષની બાળકી ગુમ થયાની જાણ મોડીરાત્રે વેપારી પિતાને થતા તેમણે શોધખોળ કરી હતી. પરંતુ પુત્રીનો કોઈ પત્તો નહીં લાગતા મોડીરાતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં પુત્રીના અપહરણની ફરિયાદ કરી દીધી હતી.

બે દિવસ પહેલાની આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે ભોગ બનનાર ધોરણ 5માં અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતી બાળાનું નિવેદન લેતા સમગ્ર હકીકત બહાર આવી હતી. જેના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી ભોગ બનનાર 10 વર્ષની બાળકી અને નરાધમ યુવાનનું મેડીકલ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, માતાએ બીજા લગ્ન કરી લીધા હતા અને પિતા સતત તેમના ધંધામાં વ્યસ્ત રહેતા હોવાનાં કારણે બાળા સ્વચ્છંદી બની ગઈ હતી. તેમજ નાની નાની બાબતમાં જીદ કરતી હતી. અને પોતાની જીદ સંતોષવા અગાઉ બે વખત ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ હતી. પરંતુ આ વખતે તેને નરાધમ યુવક મળી જતા તેણીનો લાભ લઇ લીધો હતો. 

Trending news