રંગીલા રાજકોટવાસીઓ માટે ઉનાળો રહેશે આકરો: 1200માંથી 400 બોરમાં પાણી જ નથી...

રાજકોટ શહેરમાં ભૂગર્ભ જળસ્તર ઉંડા ઉતરતા જ તાજેતરમાં રાજકોટ મહાનગરપાલીકા કચેરી ખાતે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. જોકે રાજકોટ શહેરનાં આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના થી નર્મદાનાં નિર ઠાલવવામાં આવે છે.

રંગીલા રાજકોટવાસીઓ માટે ઉનાળો રહેશે આકરો: 1200માંથી 400 બોરમાં પાણી જ નથી...

ગૌરવ દવે/રાજકોટ: ઉનાળો શરૂ થતા જ રાજકોટમાં પીવાનાં પાણીની પારાયણ શરૂ થઇ છે. ભૂગર્ભ જળસ્તર ઉંડા ઉતરી જતા હવે રાજકોટ મહાનગરપાલીકા પણ એક્શનમાં આવી છે. રાજકોટ મહાનગરપાલીકાએ શહેરનાં 400 પાણીના બોર રીચાર્જ કરવાનો નિર્ણય કર્યો છે. જેના માટે રાજકોટ મહાનગરપાલીકા આગામી દિવસોમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગને મહત્વ આપશે. 

ઉનાળાની શરૂઆત થતા જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પાણીનો પોકાર ઉઠે છે. શહેર હોય કે ગામડા પાણી માટે ટેન્કર રાજ જોવા મળતા હોય છે. રાજકોટ શહેરમાં ભૂગર્ભ જળસ્તર ઉંડા ઉતરતા જ તાજેતરમાં રાજકોટ મહાનગરપાલીકા કચેરી ખાતે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. જોકે રાજકોટ શહેરનાં આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના થી નર્મદાનાં નિર ઠાલવવામાં આવે છે. જેથી પીવાનું દરરોજ 20 મિનીટ પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જળસ્તરને ઉંચા લાવવા નક્કર આયોજન ઘડ્યું છે. જેમાં રાજકોટ શહેરનાં ત્રણેય ઝોનમાં અંદાજીત 400 પાણીનાં બોરમાં વોટર હાર્વેસ્ટીંગ કરવામાં આવશે.

રાજકોટનાં ક્યાં વિસ્તારમાં કેટલા બોર થશે રીચાર્જ
વેસ્ટ ઝોનમાં - 94 બોર, ઇસ્ટ ઝોનમાં - 106 બોર, સેન્ટ્રલ ઝોનમાં - 200 બોર રીચાર્જ કરવામાં આવશે. એટલું જ નહિં છેલ્લા બે વર્ષમાં રાજકોટ શહેરમાં સેન્ટ્ર ઝોનમાં 3142, વેસ્ટ ઝોનમાં 3014 અને ઇસ્ટ ઝોનમાં 3478 બાંધકામો જેમાં એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં વોટર હાર્વેસ્ટિંગ ફરજીયાત કરી પ્લાન મંજૂર કરવામાં આવ્યા છે. 

રાજકોટ શહેરમાં પહેલા જૂની ડંકી હતી તે પૈકી 1200 બોરનો સર્વે કરવામાં આવ્યો હતો કે, વોટર હાર્વેસ્ટિંગ ક્યાં ક્યાં બોરમાં થઇ શકશે. જેનાં સર્વે રીપોર્ટમાં રાજકોટ શહેરનાં ત્રણેય ઝોનમાં 400 બોર એવા છે કે જેમાં વોટર હાર્વેસ્ટિંગ કરી શકાય છે. જેનો ઉપયોગ વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે કરાશે. આ માટે ટ્રાયલ કરાયું છે અને તેમાં સફળતા મળી છે. રાજકોટ મનપા ચાલુ વર્ષે જ બોર રિચાર્જ માટે કાર્યવાહી હાથ ધરશે. હાલ શહેરમાં ચારેતરફ પેવિંગ બ્લોક લગાવવા માટે જનભાગીદારી યોજનાનો ઉપયોગ થઈ રહ્યો છે જેમાં અમુક ટકા રકમ જે તે સોસાયટી જમા કરાવે એટલે બાકીની રકમ ગ્રાન્ટ તરીકે ફાળવી મનપા પેવિંગ બ્લોક લગાવી દે છે. આવી જન ભાગીદારી થી સરકારે જે વોટર રિચાર્જની યોજના બનાવી છે તેમાં પણ ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

10 વર્ષમાં પાણીની જરૂરિયાત અને માંગ બમણી થઈ જશે
રાજકોટ મનપા રોજ 20 મિનિટ પાણી પહોંચાડે છે તેની પાછળ અસામાન્ય મહેનત લાગે છે. તેથી તે ક્ષેત્રમાં લોકો આગળ આવે તે જરૂરી છે. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આંકડાઓ આપ્યા હતા કે, 2014માં રાજકોટને 150 એમએલડી(મિલિયન લિટર પ્રતિદિવસ) પાણીની જરૂર હતી જે વધીને 2023 સુધીમાં 365 એમએલડી થઈ છે અને 2035માં 650 સુધી જાય તેવી શક્યતા છે. દર વર્ષે સારો વરસાદ પડે છે આમ છતાં આ વર્ષે ઉનાળો શરૂ થાય ત્યાં જ તળ ઊંડા ઉતરી ગયા છે તેથી ચોમાસાનું પાણી જમીનમાં ઉતારી ભૂગર્ભજળ ઊંચા લાવવા બધાએ મહેનત કરવી પડશે.

રાજકોટ શહેરમાં હાલ પાણીની જે 365 એમએલડીની જરૂરિયાત છે તેને પહોંચી વળવા માટે આજી અને ન્યારી ડેમમાંથી પાણી ઉપાડાય છે પણ ઉપાડ વધારે હોવાથી વર્ષમાં બે વખત સૌની યોજનાથી ડેમ ભરવા પડે છે. આ ઉપરાંત ભાદર ડેમમાંથી રાજકોટને પાણી અપાય છે તેમજ નર્મદાનીર પાઈલાઈનથી દરરોજ રાજકોટ સુધી આવે છે આ રીતે અનેક સ્ત્રોત પર નિર્ભર રહેવું પડે છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકા જળસ્તર ઉંચા લાવવાનો પ્રયાસ કરે છે તે કેટલો સફળ જાય છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news