અંધશ્રદ્ધામાં કેવો કરૂણ-ભંયકર અંજામ આવે તે આ કિસ્સો સાંભળી થથરી જશો! રાજકોટમાં 10 માસની બાળકી ભોગ બની!
અંઘશ્રદ્ધાની ભેટ વધુ એક બાળકી ચઢી ગઇ. બાળકીને ડામ દીધા હોવાથી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત થયુ છે.
Trending Photos
દિવ્યેશ જોશી/રાજકોટ: ગુજરાતમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ છાશવારે સામે આવતા હોય છે, ત્યારે અંધશ્રદ્ધાની હદ વટાવતો આ કિસ્સો ચોક્કસથી સંવેદના ઝંઝોળી દેનાર છે. રાજકોટમાં અંધશ્રદ્ધાએ એક 10 માસની બાળકીનો ભોગ લીધો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે બાળકીને દવાના બદલે ડામ આપતા બાળકીનું કરૂણ મોત નિપજ્યું છે. બાળકીના વાલી હૉસ્પિટલના બદલે માતાજીને મંદિરે લઈ ગયા હતા. સુરેન્દ્રનગરના વડગામ ખાતે મંદિરમાં લઈ ગયા હતા. જ્યાં આ સમગ્ર ઘટના બની હતી. બાળકીની હાલત વધારે બગડતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી.
રાજકોટમાં અંધશ્રદ્ધાએ બાળકીનો ભોગ લીધો છે, જેમાં એક 10 માસની બાળકીને શરદી-ઉધરસ થતાં તેના માતા-પિતા તેને માતાજીના મંદિરે લઈ ગયા હતા. આ બાળકીને સુરેન્દ્રનગરના વડગામ ખાતે આવેલા સિકોતર માતાજીના મંદિરમાં લઇ જવામાં આવી હતી, અહીં શકરીમા નામની મહિલાએ માતાજીના નામે 10 માસની બાળકીને ગરમ સોઇ કરીને પેટના ભાગે એક પછી એક ડામ આપ્યા હતા. જોકે તાવ મટવાની જગ્યાએ બાળકીની હાલત વધુ ગંભીર બની જતા ગત 5 તારીખે કે.ટી,ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવી હતી. જ્યાં બાળકીને ન્યુમોનિયાની બાળકીને અસર થઇ હતી. અંધશ્રદ્ધાના કારણે બાળકીનું મોત થતાં કિસ્સાએ ચકચાર મચાવી છે.
વિરમગામના રહેવાસી પરિવાર રૂપિયા ન હોવાથી બાળકીને ડામ આપવા લઇ ગયા હતા. પરંતુ આ બાળકીને ન્યુમોનિયા થયો હતો. પરિવારે બાળકીની સારવાર કરાવવાના બદલે અંધશ્રદ્ધાના માર્ગે ચઢી ગયા બાળકીને ડામ દીધા હતા. એક બાજુ ન્યુમોનિયાથી પીડિત બાળકી શારિરીક કષ્ટોથી પીડિત હતી અને તેને મેડિકલ ટ્રીટમેન્ટ આપવાના બદલે તેને ધગધગતા ડામ આપીને વધુ પીડા આપી હતી.
બાળકીની સ્થિતિ વધુ ગંભીર થતાં તેને કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે દુર્ભાગ્યવશ બાળકીને બચાવી ન શકાય અને સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું અને વધુ એક દીકરી અંધશ્રદ્ધાને ભેટ ચઢી ગઇ હતી. આ ઘટના એક લોકો માટે લાલ બતી સમાન છે. જે બીમારીમાં મેડિકલ ટ્રીટમેન્ટ લેવાના બદલે આવા અંધશ્રદ્ધામાં દોરવાઇ જઇને દોરા, ઘાગા અને ડામ આપીને જિંદગી સાથે ચેડા કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે