ખેલૈયામાં નિરાશા: રાત્રે 10 વાગ્યા સુધી જ ગરબાની છૂટ? જાણો સરકારનું જાહેરનામું

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે નવરાત્રિના આયોજકો સાથે એક બેઠક યોજી છે અને રાત્રિના 10 વાગ્યા સુધી જ સાઉન્ડ વગાડવાની મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે ખેલૈયાઓમાં ભારે વિવાદ ઉભો થઈ શકે છે.

ખેલૈયામાં નિરાશા: રાત્રે 10 વાગ્યા સુધી જ ગરબાની છૂટ? જાણો સરકારનું જાહેરનામું

રાજકોટ: જગદંગા, અંબા, ભવાની સહિતના અસંખ્ય નામો સાથે શકિત સ્વરૂપે મંદિરોમાં બિરાજમાન આદ્યશકિતની આરાધનાના અવસરે આસો સુદ પૂનમથી નવરાત્રિ શરૂ થશે. છેલ્લા બે વર્ષ બા ચાલી રહેલા અસમંજસના માહોલ બાદ શહેરની સોસાયટી, શેરીઓમાં ખેલૈયાઓ, અબાલવૃધ્ધ સૌ પરંપરાગત ગરબાની મોજ માણશે. પરંતુ ખેલૈયાઓને આંચકારૂપ સમાચાર સામે આવી રહ્યા છે.

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે નવરાત્રિના આયોજકો સાથે એક બેઠક યોજી છે અને રાત્રિના 10 વાગ્યા સુધી જ સાઉન્ડ વગાડવાની મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે ખેલૈયાઓમાં ભારે કચવાટ ઉભો થયો હતો. ત્યારબાદ રાજકોટમાં રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકારે રાત્રિના 12 વાગ્યા સુધી સ્પીકર વગાડવાની મંજૂરી આપી છે. રાજકોટ પોલીસ કમિશનરે રાજ્ય સરકારના નિર્ણયની રજૂઆત કરી હતી..

અગાઉ સમાચાર મળ્યા હતા કે, રાજકોટના અર્વાચીન ગરબા જગવિખ્યાત છે, ત્યારે અર્વાચીન ગરબા રાત્રિના 10 વાગ્યા સુધી જ ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. 10 વાગ્યા સુધી જ સાઉન્ડ વગાડી શકવાનો સરકારે પરિપત્ર જાહેર કર્યો હતો અને 10 વાગ્યા પછી ગરબા ચાલુ રાખનાર સામે પોલીસ મોટી કાર્યવાહી કરી શકે છે.  

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ પોલીસ કમિશનર દ્વારા નવરાત્રિના પર્વને લઇ ખાનગી ગરબાના આયોજકો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી નવરાત્રિ દરમિયાન આયોજકોએ કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવું તે અંગે ચર્ચાઓ કરી સૂચનો આપવામાં આવ્યા હતા. જેમાં પોલીસ કમિશનર દ્વારા 10 વાગ્યા પછી સાઉન્ડ ચાલુ ન રાખવાના નિયમથી આયોજકોમાં વિરોધ જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ નિર્ણય બદલીને 12 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચનો

  • 1. અર્વાચીન ગરબામાં ભાગ લેનાર ખેલૈયાઓની સાચી ઓળખ પ્રસ્થાપિત કરીને પ્રવેશ આપવાનો રહેશે.
  • 2. અર્વાચીન તથા મોટી પ્રાચીન ગરબીઓના આયોજકોએ પ્રાઈવેટ સિક્યોરિટી સ્ટાફને અવશ્ય ઓળખપત્ર આપવાના રહેશે.
  • 3. એન્ટ્રી/એક્ઝીટ ગેટોની સંખ્યા વધુમાં વધુ કરવાની રહેશે. દરેક દરવાજા ઉપર સિક્યોરિટી માણસો રાખવાના રહેશે. ગરબાસ્થળમાં પ્રવેશ અને એક્ઝિટ દ્વાર અલગ-અલગ રાખવાના રહેશે અને ઇમરજન્સી એક્ઝિટનો અલગ ગેટ રાખવાનો રહેશે.
  • 4. મહિલા અને પુરૂષો માટે અલગ-અલગ પ્રવેશ દ્વાર રાખવાના રહેશે.
  • 5. દરેક એન્ટ્રી ગેટ ઉપર ડી.એફ.એમ.ડી. ફરજિયાત લગાવવાના રહેશે અને એચ.એચ.એમ.ડી.નો ઉપયોગ કરવાનો રહેશે. પ્રાઈવેટ સિક્યોરિટી મારફત ચેકિંગ કરાવવાનું રહેશે અને મહિલાઓની ચકાસણી માટે મહિલા સુરક્ષા કર્મચારી રાખવાના રહેશે.
  • 6. દરેક એન્ટ્રી/એક્ઝિટ ગેટ ઉપર સી.સી.ટી.વી. કેમેરા ફરજિયાત લગાવવાના રહેશે. પ્રાઈવેટ સિક્યોરિટીના માણસો મારફતે મોનિટરિંગ કરવાનું રહેશે અને સી.સી.ટી.વી.નું ફૂટેજ સીડી અથવા ડીવીડી ફોર્મેટમાં સાચવીને રાખવાનું રહેશે. પોલીસને જરુર જણાય ત્યારે રજૂ કરવાનું રહેશે.
  • 7.દાંડિયા-રાસની અવધી દરમિયાન પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડની જરૂરિયાત મુજબના ગાર્ડની વ્યવસ્થા કરવાની રહેશે. અને સિક્યોરિટી એજન્સીના માણસો દ્વારા પાર્કિંગ તેમજ તમામ વ્યવસ્થા જાળવવાની રહેશે.
  • 8. દાંડિયા-રાસની અવધી દરમિયાન દરેક વાહનના નંબર, વાહનનો પ્રકાર, રજિસ્ટરમાં લખવાની વ્યવસ્થા કરવાની રહેશે. આર.સી. બૂક અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પૂરાવાની વિગતો રજિસ્ટરમાં લખવાની રહેશે.
  • 9. પાર્ક થતાં વાહનો ઉપર નજર રાખવા સિક્યોરિટીના માણસોને સૂચના આપવાની રહેશે. પાર્કિંગ અને સુરક્ષાની વ્યવસ્થા આયોજકે જાતે કરવાની રહેશે.
  • 10. બિન વારસી કે વધારે સમયથી પડેલા વાહનો બાબતે પોલીસને જાણ કરવાની રહેશે.
  • 11. ગરબાના સ્થળે ખુલ્લી જગ્યામાં થોડા દૂરના અંતરે વાહનો પાર્ક કરાવવાના રહેશે.
  • 12. પાર્કિંગ વિસ્તારમાં વાહનોની ચોરીના બનાવ ન બને તે માટે પ્રાઈવેટ સિક્યોરિટીના માણસો રાખવાના રહેશે.
  • 13. રાત્રિના 10 વાગ્યા પછી કોઈ પણ સંજોગોમાં પ્રોગ્રામ ચાલુ રાખવામાં આવશે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
  • 14. ગરબામાં અશ્લિલ પ્રોગ્રામ હશે તો IPC કલમ 290 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ અઘટિત બનાવ બનશે તો સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે.
  • 15. આયોજકોએ દાંડિયા-રાસ દરમિયાન દર્શકો સાંભળી શકે તેટલા પૂરતા અવાજમાં માઇક વગાડી શકે છે. આજુબાજુના વિસ્તારમાં લોકોને અવાજથી ફરિયાદ થાય તો સ્થળ ઉપર પોલીસ અધિકારી પરવાનગી રદ કરીને તમામ માઇકના સાધનો કબ્જે કરશે અને કાયદેસરના પગલા લેશે.
  • 16. પરવાનગીમાં જણાવેલ નિયત સમય કરતાં વધારે સમય માટે કોઈ પણ સંજોગોમાં માઇક્રોફોન વગાડી શકાશે નહીં. માઇક્રો ફોન નિયત સમય કરતા વધારે સમય માટે વગાડવામાં આવશે અને અરાજકતા ફેલાશે તો આયોજકોને જવાબદાર ગણી પરવાનગી રદ કરવામાં આવશે.
  • 17. ગરબીના સ્થળે આગ અકસ્માત સામે રક્ષણ કરવા અગ્નિશામક સાધનોની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવાની રહેશે.
  • 18. ઇલેક્ટ્રિક સિસ્ટમ માટે અલગ-અલગ ઓપરેટરો રાખવા અને જવાબદાર વ્યકિતએ મેઇન સ્વીચ પાસે ઉપલબ્ધ રહી વીજળીની વ્યવસ્થામાં વિક્ષેપ નિવારવા સજાગ રહેશે.
  • 19. ગરબાસ્થળ આજુબાજુના વિસ્તારમાં શંકાસ્પદ વ્યકિતની હીલચાલ ઉપર વોચ માટે ખાનગી સીક્યોરિટીની મદદમાં ગરબાના આયોજકોએ પોતાના સ્વયંસેવકો ખાનગી કપડામાં રાખવાના રહેશે.
  • 20. ગરબાના ગ્રાઉન્ડ પર કોઈ બેગ કે બીજી ચીજવસ્તુ લઈને આવે તો પ્રવેશદ્વાર પાસે ટોકન આપી જમા લેવી, શંકાસ્પદ વસ્તુ લાગે તો તેની ચકાસણી કરવાની રહેશે.
  • 21. કોઈ પણ પ્રકારની અફવાઓને ઉત્તેજન આપવું નહીં કે તેનું ચાલુ ગરબામાં માઇક સિસ્ટમ દ્વારા પ્રસારણ કરવું નહીં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તો તાત્કલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવી.
  • 22. પબ્લિકની સગવડતા માટે ગરબાના સ્થળે વધારે પ્રમાણમાં બેરીકેટિંગ બાંધવું.
  • 23. ગરબીના સ્થળ ચારેય દિશામાં ચાર વોચ ટાવર ઉભા કરવા અને વોચ ટાવર ઉપરથી વીડિયો શુટીંગ રોજે રોજનું કરાવવાનું રહેશે. ક્લોઝ સર્કિટ વીડિયો કેમેરા લગાડવાના રહેશે.
  • 24. આયોજકોને તેમની હદના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. તથા હોસ્પિટલ અને ફાયર સ્ટેશનના તથા પોલીસ કંટ્રોલ રુમના નંબર મેળવીને અવશ્ય રાખવાના રહેશે. અને ચીફ ફાયર ઓફિસર તરફથી ઇસ્યુ થયેલ NOCની શરતોનું પાલન કરવાનું રહેશે.
  • 25. આયોજનના સ્થળે ફરજ બજાવતાં તમામ સ્વયં સેવકો ઇલેક્ટ્રિશિયન સિક્યોરિટીના માણસો, સ્ટોલધારકો ઉપર ફરજિયાત માણસો વગેરેને આઇડેન્ટી કાર્ડ આપવા અને તેના નામ સરનામા, અને ફોન નંબરની માહિતી સ્થાનિક પોલીસને આપવાની રહેશે.
  • 26. આયોજકોએ ગરબાના સ્થળની ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં ટિકિટ/પાસનું વેચાણ/વિતરણ કરવું નહીં.
  • 27. નવરાત્રિ ઉત્સવ દરમિયાન માગવામાં આવેલ મંજૂરીવાળા સ્થળ ઉપર નવરાત્રિ ઉત્સવ સમિતીના આયોજકો દ્વારા ઉત્સવવાળી જગ્યાએ રાજકીય કે બિનરાજકીય હોદ્દેદારો/વ્યકિત દ્વારા વર્ગવિગ્રહ, સામાજિક ભાવનાઓ કે શાંતિ જોખમાય તેવું કોઈ પણ કૃત્ય /ઉશ્કેરણીજનક ભાષણ /પોસ્ટર પ્રદર્શન કે અન્ય કોઈ પ્રવૃતિ કરવાની રહેશે નહીં.
  • 28. આયોજકોએ હાલમાં સરકારની COVID-19ને અનુલક્ષીને જારી કરેલ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news