રાજ્યમાં વરસાદને કારણે થયેલા નુકસાન બાદ સહાયની વાત તો દૂર, હજુ શરૂ નથી થયો સર્વે, પ્રજામાં રોષ
ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં અનેક જગ્યાએ અતિભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. અનેક શહેરો અને ગામડાઓમાં પાણી ભરાવાને કારણે ભારે નુકસાન થયું છે. સરકારે સહાયની જાહેરાત કરી છે પરંતુ હજુ અનેક જગ્યાએ સર્વે પણ શરૂ થયો નથી.
Trending Photos
અમદાવાદઃ પૂર કે વાવાઝોડા જેવી આફતોમાં લોકોનું બધુ જ છીનવાય જાય ત્યારે લોકોને એકમાત્ર આશા સરકાર પાસે હોય છે.. સરકારી સહાય લોકો માટે મરહમનું કામ કરે છે અને આ સહાય માટે એક પ્રક્રિયા છે સર્વેની.. જ્યાં જ્યાં નુકસાની થઈ હોય ત્યાં સરકાર દ્વારા સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે છે.. પરંતુ, ચિંતાની વાત એ છેકે, હાલ સરકારની આ સર્વે પ્રક્રિયા પર જ સવાલ ઊઠી રહ્યા છે.. જી હાં, રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે અનેક શહેરો અને ગામોમાં તબાહી મચી ગઈ.. રાજ્યના કેટલાય ગામોમાં નુકસાની થઈ જોકે, આ વાતને 1 મહિનાથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં પણ લોકો આરોપ લગાવી રહ્યા છેકે, સહાય તો દૂરની વાત રહી હજુ સર્વે પણ નથી થયો.. જુઓ આ રિપોર્ટ..
સર્વે ક્યારે થશે?
સહાય ક્યારે મળશે?
ધંધા-રોજગાર ક્યારે બેઠા થશે?
વડોદરા અને ખાસ કરીને રાજ્યભરના ખેડૂતો માટે આ સવાલ યક્ષપ્રશ્ન છે. કેમ કે, રાજ્ય સરકાર દ્વારા પૂર પીડિતો માટે સહાયની જાહેરાત તો કરી દેવામાં આવી પરંતુ, હજુ પણ અસંખ્ય એવા અસરગ્રસ્ત પીડિતો છે જેમને સહાય તો મળવાની વાત તો દૂર રહી પરંતુ, નુકસાનીનો સર્વે પણ નથી થયો..
વડોદરા શહેરની આ બરબાદીથી કોણ વાકેફ નથી..? સંસ્કારી નગરીમાં વિશ્વામિત્રી નદીના પાણીએ જે તારાજી સર્જી છે એને વડોદરાવાસીઓ ક્યારેય ભૂલી નહીં શકે.. અને હવે આ ઘાવ પર નમક લગાવવાનું કામ સરકારી તંત્ર કરી રહ્યું છે.. જી હાં, વડોદરા શહેરના હજુ કેટલાય એવા વિસ્તારો છે જ્યાં નુકસાનીનો સર્વે પણ નથી થયો.. તંત્રની ઢીલી નીતિના કારણે હવે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે..
આ દ્રશ્યો વડોદરામાં ભાજપના કાર્યાલયને અડીને આવેલી શ્રીજી સોસાયટીના છે.. લોકોનો આરોપ છેકે, પૂરની તારાજીના આટલા દિવસ બાદ પણ સહાય નથી ચૂકવવામાં આવી.. જ્યારે ભાજપ કોર્પોરેટર જાગૃતિ કાકા લોકોને મળવા માટે પહોંચ્યા ત્યારે કોર્પોરેટરને લોકોના રોષનો સામનો કરવો પડ્યો.. લોકોએ જાગૃતિ કાકાના મોઢા પર જ કહી દીધું કે, તમને મત આપવો એ અમારા જીવનની સૌથી મોટી ભૂલ છે..
જોકે, આ મામલે કોર્પોરેટર દોષનો ટોપલો વોર્ડ ઓફિસર અને કલેક્ટર કચેરી પર ઢોલી રહ્યા છે.. કોર્પોરેટરનું કહેવું છેકે, પૂર વખતે હું લોકોની વચ્ચે જ રહીને કામ કરી રહી હતી..
હવે નજર સૌરાષ્ટ્ર પર કરીએ.. મોરબી જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં ખાબકેલા વરસાદની તબાહી ખેડૂતો હજુ પણ ભોગવી રહ્યા છે.. આ દ્રશ્યો મોરબી તાલુકાના બગથળા ગામના છે.. ખેડૂતોનો આરોપ છેકે, તંત્ર દ્વારા પાક નુકસાનીના સર્વે માટે 29 ટીમોને કામગીરી સોંપવામાં આવી હતી.. એક સર્વેયર પાસે અંદાજે 4થી 5 ગામનો સર્વે કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.. આજની તારીખે પણ હજુ એવા કેટલાય ખેતરો છે જ્યાં સર્વેયર સર્વે કરવા માટે પહોંચ્યા જ નથી.. મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લાના સરહદી વિસ્તારોમાં 18000 વીઘા ખેતરનો સર્વે નથી થયો..
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક તાલુકાઓમાં ખેડૂતોને વિપુલ પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.. મહત્વની વાત એ છેકે, સરકાર માત્ર સર્વે થઈ રહ્યો હોવાનો દાવો કરી રહી છે પરંતુ, વાસ્તવિકતા કંઈક અલગ છે. હવે જોવું એ રહ્યું કે, ખેડૂતો અને અસરગ્રસ્તોને નુકસાનીની સહાય ક્યારે મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે