ભણશે ગુજરાત ક્રાંતિ લાવશે ગુજરાત! શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ

મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ આગામી તા.૧૨ થી ૧૪ જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં ૨૦મો શાળા પ્રવેશોત્સવ યોજાશે. ‘ઉજવણી ઉજ્જવળ ભવિષ્ય’ની થીમ સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી કચ્છથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવીને કરશે.

ભણશે ગુજરાત ક્રાંતિ લાવશે ગુજરાત! શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ

ઝી બ્યુરો/ગાંધીનગર: ‘સૌ ભણે, ગણે અને આગળ વધે’ તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ઇતિહાસની આ પ્રથમ ઘટના હતી જેમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે-ગામડે જઈ શાળા પ્રવેશોત્સવ થકી નાના ભૂલકાઓને શાળામાં આવકારતા હતા.

વડાપ્રધાનએ શરુ કરેલી શિક્ષણની આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ આગામી તા.૧૨ થી ૧૪ જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં ૨૦મો શાળા પ્રવેશોત્સવ યોજાશે. ‘ઉજવણી ઉજ્જવળ ભવિષ્ય’ની થીમ સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી કચ્છથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવીને કરશે.

શાળા પ્રવેશોત્સવના પરિણામે ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ આવી છે. શાળા પ્રવેશોત્સવ શરુ થયો તે પહેલા વર્ષ 2002-03માં ગુજરાતમાં નેટ એનરોલ્મેન્ટ રેટ એટલે કે, ધોરણ -1માં વિદ્યાર્થીઓનો નામાંકન દર 75.05 ટકા હતો. ધોરણ-1માં વિદ્યાર્થીઓના નામાંકન દરને 100 ટકા સુધી પહોંચાડવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શાળા પ્રવેશોત્સવની શરુઆત કરવામાં આવી હતી. જેના પરિણામે બીજા જ વર્ષે ૨૦૦૪-૦૫માં નામાંકન દર વધીને ૯૫.૬૪ ટકા થયો. ત્યારબાદ વર્ષ ૨૦૧૨-૧૩માં આ નામાંકન દર ૯૯.૨૫ ટકા સુધી પહોંચ્યો અને ત્યારથી અત્યારસુધી ધોરણ-૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર ૧૦૦ ટકાની નજીક જ રહ્યો છે. 

શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોથી લોકોમાં જાગૃતિ આવી અને નાગરિકો શિક્ષણનું મહત્વ પણ સમજતા થયા. એ સમય હતો જ્યારે અનેક બાળકો વિવિધ કારણોસર અભ્યાસ અધૂરો છોડતા હતા. વર્ષ ૨૦૦૪-૦૫માં રાજ્યમાં ધોરણ ૧ થી ૮ નો ડ્રોપઆઉટ રેટ ૧૮.૭૯ ટકા હતો, અને ધોરણ ૧ થી ૫ નો ડ્રોપઆઉટ રેટ ૧૦.૧૬ ટકા હતો. પરંતુ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અને રાજ્ય સરકારના વિવિધ પ્રયાસોના પરિણામે આજે અભ્યાસ અધૂરો છોડીને જતા બાળકોની સંખ્યામાં ધરખમ ઘટાડો આવ્યો છે. વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ ઘટીને ૨.૮૦ ટકા સુધી પહોંચ્યો હતો, જ્યારે ધોરણ ૧ થી ૫ નો ડ્રોપઆઉટ રેટ વર્ષ ૨૦૨૧-૨૨માં ઘટીને ૧.૨૩ ટકા સુધી પહોંચ્યો હતો.

વર્ષ ૨૦૦૪-૦૫ સુધી રાજ્યમાં કન્યાઓનો નામાંકન દર પણ ખૂબ જ ઓછો હતો, જેના પરિણામે શાળાના વર્ગોમાં કુમાર અને કન્યાના પ્રમાણમાં અસમાનતા જોવા મળતી હતી. આ સમસ્યાના સમાધાન માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી મહોત્સવ અને ત્યારબાદ કન્યા કેળવણી નિધિ, વિદ્યાલક્ષ્મી બોન્ડ અને વિદ્યાદીપ જેવી અનેક યોજનાઓની શરૂઆત કરાવી હતી. જેના પરિણામે કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળ્યું અને વર્ષ ૨૦૦૪-૦૫માં ધોરણ ૧ થી ૮ની કન્યાઓનો જે ડ્રોપઆઉટ રેટ ૨૨.૮ ટકા હતો, તે ઘટીને વર્ષ ૨૦૨૧-૨૨માં ૩.૦૧ ટકા સુધી પહોંચ્યો છે. ધોરણ ૧ થી ૫ નો ગર્લ ચાઈલ્ડ ડ્રોપઆઉટ રેટ ૧૧.૭૭ ટકાથી ઘટીને વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧.૧૬ ટકાએ પહોંચ્યો છે.

ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ ઉપરાંત શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતાથી માંડીને માળખાગત અને અદ્યતન તકનીકી સુવિધામાં પણ અઢળક વધારો કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૧-૦૨માં સ્ટુડન્ટ ક્લાસરૂમ રેશિયો ૩૮:૧ એટલે કે સરેરાશ ૩૮ વિદ્યાર્થી દીઠ ૧ વર્ગખંડ ઉપલબ્ધ હતો. વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીમાં સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નવા ૧.૪૨ લાખ જેટલા વર્ગખંડોનું નિર્માણ કરવાથી આ રેશિયો ઘટીને વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૬:૧ સુધી પહોંચ્યો હતો.

આટલું જ નહિ, વર્ષ ૨૦૦૧-૦૨માં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર પણ ૪૦:૧ હતો, એટલે કે રાજ્યમાં પ્રતિ ૪૦ વિદ્યાર્થી માત્ર એક શિક્ષક ઉપલબ્ધ હતો. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૧-૦૨ થી ૨૦૨૧-૨૨ના સમયગાળા દરમિયાન બે લાખથી વધુ શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જેના પરિણામે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર ૨૦૨૧-૨૨માં સુધરીને ૨૮:૧ થયો હતો. નોંધપાત્ર બાબત તો એ છે કે, ગુજરાતનો વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર અન્ય રાજ્યોની સરખામણીએ અને રાઈટ ટુ એજ્યુકેશનના નિયમોમાં દર્શાવેલ વિદ્યાર્થી શિક્ષકના ગુણોત્તર કરતા આગળ છે.

આમ, જોવા જઈએ તો ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. વર્ષ ૨૦૨૧માં થયેલા નેશનલ એચીવમેન્ટ સર્વેમાં ગુજરાતનો સમાવેશ દેશના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યોમાં થયો હતો. આ ઉપરાંત ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્ષમાં પણ ગુજરાતે ૧૦૦૦ માંથી ૯૦૩ અંક મેળવી ટોચનું પ્રદર્શન કરતા રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news