અમદાવાદમાં યોજાઇ વાજપેયજીની આત્મા શાંતિની પ્રાર્થના સભા, મુખ્યમંત્રી સહિતના નેતા રહ્યા હાજર
દરેક પક્ષના નેતાઓ સહિત અનેક મહાનુભાવોએ અટલજીની આત્મા શાંતિ માટે પાળ્યું 2 મિનીટનું મૌન
Trending Photos
અમદાવાદ: 16 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનું નિધન થયું હતું. ત્યાર બાદ દેશભરમાં તેમની પ્રાર્થનાસભા યોજવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં યુનિવર્સિટી (જીએમડીસી)માં પણ અટલજીની પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વદલીય સાર્વજનિક પ્રાર્થના સભામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સૌરભ પટેલ, મનસુખ માંડવીયા સહિત અનેક મહાનુભાવોએ પૂર્વ વડાપ્રધાન અટલજીની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. રાજ્યના તમામ મંત્રીઓએ બે મિનીટનું મૌન પાળ્યું હતું.
દરેક પક્ષના નેતાઓએ આપી હાજરી
આ સિવાય અટલજીની પ્રાર્થનાસભામાં વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, પરસોતમ રૂપાલા, જયંતી ભાડેસિયા, રાજ્યપાલ ઓપી કોહલી, અમદાવાદના મેયર બીજલ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા સહિત અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. તેમજ સચ્ચિદાનંદ સ્વામી, કૃષ્ણમણિ મહારાજ અને દિલીપ દાસજી સહિત અનેક સંતો-મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તમામ લોકોએ અટલજીની આત્માની પરમ શાંતિની પ્રભૂ પ્રાર્થના કરી હતી.
અટલજીની અસ્થિઓનું સાબરમતીમાં કરાશે વિસર્જન
22 ઓગસ્ટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દિલ્હીથી અટલજીના અસ્થિકુંભ લઇ બપોરે 3 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના આગેવાનો પુષ્પાંજલિ અર્પણ કરશે. 22મીએ ખાડિયા ગોલવાડ ભાજપ કાર્યાલયથી 4 વાગ્યે શરૂ થઇ અટલજીની અસ્થિકુંભ યાત્રા શરૂ થઇ તિલક બાગ પાસે સાબરમતી નદીમાં સાંજે 6 વાગ્યે અસ્થિવિસર્જન સાથે પૂર્ણ થશે. અમદાવાદ સિવાય સુરત, વડોદરા, ભરૂચ, સિદ્ધપુર તથા સોમનાથમાં અસ્થિની કળશયાત્રા નીકળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે