સુરતના વેપારીઓએ ભજીયા વેંચીને કર્યો જીએસટીનો વિરોધ

જીએસટીનો કાયદો અમલમાં આવ્યાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે સુરતના વેપારીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. 

 

સુરતના વેપારીઓએ ભજીયા વેંચીને કર્યો જીએસટીનો વિરોધ

સુરતઃ દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ દરમિયાન જીએસટીને લઈને અનેક ફરિયાદો પણ સામે આવી તો બીજીતરફ સરકારે પણ જીએસટીની ખામીઓને દૂર કરવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. જ્યારે જીએસટી લાગુ કરવા આવ્યા ત્યારે સુરતના વિપારીઓએ તેનો વિરોધ કર્યો હતો. અનેક દિવસો સુધી વેપારીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે જીએસટીને એક વર્ષ પૂર્ણ થતા સુરતના વેપારીઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. 

જીએસટીનો વિરોધ કરવા માટે સુરતનાં કાપડના વેપારીઓએ ભજીયા વેંચ્યા હતા. જો કે ટેક્સટાઇલ માર્કેટના મોટાભાગના વેપારીઓ આ કાર્યક્રમથી દૂર રહ્યાં હતાં. થોડા જ વેપારીઓએ જીએસટીનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરવાને લઈને વેપારીઓએ કહ્યું કે, કપડા પર જીએસટી છે તેથી હવે ભજીયા વેંચવાનું શરૂ કર્યું છે. 

સુરતના એક વેપારીએ આ અંગે પોતાનું નિવેદન આપતા કહ્યું કે આજના દિવસે ગયા વર્ષે એટલે કે 2017માં રાતે બાર વાગે જીએસટીનો કાયદો લાવવામાં આવ્યો હતો. જે પછી બધા કાપડના વેપારીઓને ઘણું નુકશાન ગયું છે. જેથી તેનો વિરોધ અમે આજના દિવસે ભજીયા વેચીને કરી રહ્યાં છે. તેમને પૂછવામાં આવ્યું કે તમે ભજીયા વેચીને જ કેમ વિરોધ કરો છો? તો તેના જવાબમાં તેમણે કહ્યું કે અત્યારે જીએસટીના કારણે કોઇ સાડી, સૂટ વેચાતા નથી માત્ર ભજીયા જ વેયાય છે. તેની પર કોઇ જીએસટી લગાડવામાં આવતી નથી જેના કારણે ભજીયા વેચીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news