સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા લોકોનો ઘસારો, 10 કિમી સુધી ટ્રાફિક જામ
મહત્વનું છે કે, 12 નવેમ્બર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે બંધ રહેશે.
Trending Photos
કેવડિયાઃ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે નવનિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટૂંક સમયમાંજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. દિવાળીની તહેવારમાં રજાઓ હોવાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. આજે પણ રાજ્ય તથા દેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી પડ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 30 હજાર જેટલા પ્રવાસીઓ અહીં પહોંચ્યા છે, જેથી રસ્તા પર 10 કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી છે. આ કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ગઈકાલે પણ ટિકિટ લેવા માટે બે કિલોમીટર સુધીની લાંબી લાઈન લાગી હતી. રજાઓના તહેવારમાં પ્રવાસીઓની સંખ્યા વધતા પ્રવાસન નિગમને 50 લાખ કરતા વધુની આવક થઈ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે સવારે 9 થી સાંજે 5 કલાક સુધી ખુલ્લુ રહે છે. સ્ટેચ્યુમાં રહેલી લિફ્ટમાં દિવસ દરમિયાન 5000 લોકો વ્યુઇંગ ગેલેરી સુધી જઈ શકે છે. જેથી રાજ્ય સરકારે લિફ્ટની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે અપીલ કરી છે. જેથી વધુ ભીડ ન થાય અને લોકોએ જોયા વગર પરત ફરવું પડે. નોંધનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી 12 નવેમ્બરના રોજ મુલાકાતીઓ માટે બંધ રહેશે.
મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા કેવડિયા
દિવાળીની રજાઓ હોવાને કારણે આ વખતે લોકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી મહત્વનું ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. નવા વર્ષના દિવસે 16 હજાર કરતા વધુ લોકો ત્યાં પહોંચ્યા હતા. તો ગઈકાલે 20 હજાર કરતા વધુ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે