ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ ચૂંટણી : ચૂંટણીપંચે કરી દીધી તારીખો જાહેર

ત્રિપુરામાં લેફ્ટ, મેઘાલયમાં કોંગ્રેસ તેમજ નાગાલેન્ડમાં નાગા પીપલ્સ ફ્રન્ટના વડપણવાળું ડેમોક્રેટિક ગઠબંધન સત્તામાં છે

ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ ચૂંટણી : ચૂંટણીપંચે કરી દીધી તારીખો જાહેર

નવી દિલ્હી : ચૂંટણી પંચ આજે ત્રિપુરા, મેઘાલય તેમજ નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. મુખ્ય ચૂંટણી અધિકારી અચલ કુમાર જ્યોતિએ પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી છે કે ત્રિપુરામાં 18 ફેબ્રુઆરીએ વોટિંગ થશે જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં વોટિંગની તારીખ હશે 27 ફેબ્રુઆરી. આ ત્રણેય રાજ્યોની ચૂંટણીના પરિણામો 3 માર્ચે જાહેર થશે. આ ત્રણેય રાજ્યોમાં આજથી જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે તેમજ આ ચૂંટણીમાં વીવીપેટનો ઉપયોગ થશે. મેઘાલય, નાગાલેન્ડ તેમજ ત્રિપુરામાં 60-60 સભ્યો ધરાવતી વિધાનસભાનો કાર્યકાળ અનુક્રમે 6, 13 અને 14 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. 

હાલમાં ત્રિપુરામાં લેફ્ટ, મેઘાલયમાં કોંગ્રેસ તેમજ નાગાલેન્ડમાં નાગા પીપલ્સ ફ્રન્ટના વડપણવાળું ડેમોક્રેટિક ગઠબંધન સત્તામાં છે. ડેમોક્રેટિક ગઠબંધન ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સમર્થિત છે. 
 
ચૂંટણી પંચની ટીમનું આયોજન
હાલમાં ડેપ્યુટી ઇલેક્શન કમિશનર સુદીપ જૈનના નેતૃત્વમાં ચૂંટણી પંચની ચાર સભ્યોની ટીમે ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયનો પ્રવાસ કર્યો હતો. પંચે અહીં રાજકીય દળો સાથે બેઠક કરી હતી અને તેમને ચૂંટણી માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. 

મેઘાલયમાં મહિલા મતદારોનો દબદબો
મેઘાલયની મતદાતા લિસ્ટમાં નોંધાયેલી વિગતો પ્રમાણે મતદાતાઓના મામલે મહિલાઓ તેમજ પુરુષોને પાછળ છોડી દીધા છે. રાજ્યમાં 50.4 ટકા મહિલા મતદાતાઓ છે. મુખ્ય ચૂંટણી અધિકારી એફ. આર. ખારગોંકરે માહિતીત આપી છે કે મતદાતા લિસ્ટમાં 18,30,104 મતદાતાઓના નામ છે જેમાં 9,23,848 મહિલા છે. હાલમાં કાર્યરત વિધાનસભાનો કાર્યકાળ 6 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્ય સરકારના સત્તાવાર રેકોર્ડ પ્રમાણે 32 લાખની વસતિ ધરાવતા મેઘાલયમાં સાક્ષરતા દર 74.4 ટકા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news