દેશને મળ્યા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, સરકારે નિવૃત લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણની કરી નિમણૂંક

Chief of Defence Staff: જનરલ બિપિન રાવતના નિધન બાદ ખાલી પડેલી ચીફ ઓફ ડિફેન્સના પદ પર કેન્દ્ર સરકારે અનિલ ચૌહાણની નિમણૂંક કરી છે. 

દેશને મળ્યા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, સરકારે નિવૃત લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણની કરી નિમણૂંક

નવી દિલ્હીઃ દેશને નવા સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મળી ગયા છે. કેન્દ્ર સરકારે નિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણને નવા સીડીએસ બનાવ્યા છે. નોંધનીય છે કે દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નિધન બાદ આ પોસ્ટ ખાલી હતી. અનિલ ચૌહાણ દેશના ડીજીએમએઓ, સેનાની પૂર્વી કમાનના કમાન્ડર રહી ચુક્યા છે. આ દિવસોમાં તેઓ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સેક્રેટિરિયટમાં મિલિટ્રી એડવાઇઝરના પદ પર તૈનાત હતા. 

રક્ષા મંત્રાલય તરફથી બુધવારે જાહેર આદેશમાં કહેવામાં આવ્યું કે, ભારત સરકારે લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણ (સેવાનિવૃત્ત) ને આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના રૂપમાં નિયુક્ત કર્યા છે. તે ભારત સરકારમાં સૈન્ય મામલાના વિભાગના સચિવના રૂપમાં પણ કાર્ય કરશે. 
લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણ મે 2021માં પૂર્વી કમાનના પ્રમુખના રૂપમાં સેવાનિવૃત્ત થયા હતા. તેમને જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વમાં આતંકવાદ વિરોધી અભિયાનોનો વ્યાપક અનુભવ છે. 

— ANI (@ANI) September 28, 2022

મહત્વપૂર્ણ કમાનોની સંભાળી ચુક્યા છે જવાબદારી
રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણ વિશે તમને જણાવી દઈએ કે વર્ષ 1981માં સેનાની 11 ગોરખા રાઇફલ્સમાં કમીશન આપવામાં આવ્યું હતું. મેજર જનરલ રેન્કમાં ચૌહાણે ઉત્તરી કમાનમાં મહત્વપૂર્ણ બારામુલા સેક્ટરમાં એક ઇન્ફેન્ટ્રી ડિવીઝનની કમાન સંભાળી હતી. બાદમાં લેફ્ટિનેન્ટ જનરલના રૂપમાં, તેમણે ઉત્તર પૂર્વમાં એક કોરની કમાન સંભાળી અને સપ્ટેમ્બર 2019માં પૂર્વી કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ બન્યા અને મે 2021માં સેવામાંથી નિવૃત્ત થવા સુધી આ પદ પર રહ્યાં હતા. 

ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે 8 ડિસેમ્બરે સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને 12 અન્ય સેનાના જવાન સુલૂર એરબેસથી વેલિંગટન એરબેઝ માટે હેલિકોપ્ટરમાં સવાર થયા હતા. ત્યારબાદ હેલિકોપ્ટરનો સુલૂર એરબેઝ કંટ્રોલ રૂમથી સંપર્ક તૂટી ગયો હતો અને વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું હતું. 

દુર્ઘટના પહેલા સ્થાનીક લોકો દ્વારા કેપ્ચર કરવામાં આવેલા હેલિકોપ્ટરના દ્રશ્યોથી જાણવા મળ્યું હતું કે હેલિકોપ્ટર ઓછી ઉંચાઈ પર ઉડી રહ્યું હતું અને વાદળો છવાયેલા હતા. આ દુર્ઘટનામાં બિપિન રાવત સહિત 13 લોકોના નિધન  થયા હતા. જેમાં રાવતના રક્ષા સલાહકાર બ્રિગેડિયર એલએસ લિદ્દર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના સ્ટાફ ઓફિસર લેફ્ટિનેન્ટ કર્નલ હરજિંદર સિંહ અને પાયલટ ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ પણ સામેલ હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news