ઘાસચારા કૌભાંડ: ડોરંડા કેસમાં લાલુ પ્રસાદ યાદવ સહિત 75 આરોપીઓ દોષિત જાહેર કરાયા
ઘાસચારા કૌભાંડના ડોરંડા કેસમાં પણ લાલુ પ્રસાદ યાદવ દોષિત ઠર્યા છે. આ મામલો ડોરંડા કોષાગારમાંથી 139 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ઉપાડ સંલગ્ન છે.
Trending Photos
નવી દિલ્હી: ઘાસચારા કૌભાંડના ડોરંડા કેસમાં પણ લાલુ પ્રસાદ યાદવ દોષિત ઠર્યા છે. આ મામલો ડોરંડા કોષાગારમાંથી 139 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ઉપાડ સંલગ્ન છે. ચારા કૌભાંડના સૌથી મોટા કેસ આરસી-47 એ/96 માં આજે રાંચી સ્થિત સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે લાલુ પ્રસાદ યાદવને દોષિત ઠેરવ્યા. કોર્ટે લાલુ પ્રસાદ યાદવ સહિત તમામ 99 આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. હજુ સજાની જાહેરાત થવાની બાકી છે. જો ત્રણ વર્ષથી ઓછી સજા થશે તો અહીંથી લાલુને જામીન મળી જશે. લાલુ સહિત 75 આરોપીઓને દોષિત જાહેર કરાયા છે. જ્યારે 24 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. 21 તારીખે લાલુ પ્રસાદ યાદવને સજા સંભળાવવામાં આવશે. આ મામલે 38 દોષિતોને 3 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. બાકીના 37 લોકોની સજા પર 21મીએ નિર્ણય આવશે. લાલુ પ્રસાદે તે દિવસે કોર્ટમાં હાજર રહેવું પડશે.
સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે ડોરંડા મામલે પુરાવાના આધારે રાજેન્દ્ર પાંડે, સાકેત લાલ, દીનાનાથ સહાય, રામ સેવક સાહૂ, એનુલ હક, સનાઉલ હક, અનિલકુમારને છોડી મૂક્યા છે. છોડી મૂકવામાં આવેલા આરોપીઓને કોર્ટમાંથી બહાર જવાનો આદેશ અપાયો. આ ઉપરાંત ત્રણ નેતાઓ પીએમ શર્મા, જિતેન્દ્રકુમાર શ્રીવાસ્તવ, અને સુરેન્દ્રકુમાર સિંહને 3 વર્ષની સજા થઈ.
139 કરોડના કૌભાંડમાં લાલુ દોષિત જાહેર
ઘાસચારા કૌભાંડનો આ કેસ ડોરંડા કોષાગારનો છે. જેમાં 139 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ઉપાડની વાત સામે આવી હતી. ઘાસચારા કૌભાંડના સૌથી મોટા આરસી-47 એ/96 નો આ કેસ 1990થી 1995 વચ્ચેનો છે. જેના પર સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી ચાલુ હતી. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ આ કેસમાં મુખ્ય આરોપી છે. પૂર્વમાં ચારા કૌભાંડના અલગ અલગ કેસમાં હાલ લાલુને હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે.
ડોરંડા કોષાગાર કેસમાં 99 આરોપીઓ
ડોરંડા કોષાગાર સંલગ્ન કૌભાંડમાં શરૂઆતમાં 170 આરોપીઓ હતા. જેમાંથી 55 આરોપીઓના મોત થઈ ચૂક્યા છે. દીપેશ ચાંડક અને આર કે દાસ સહિત સાત આરોપીઓને સીબીઆઈએ સાક્ષી બનાવ્યા. જ્યારે સુશીલા ઝા અને પી કે જયસ્વાલે કોર્ટના ચુકાદા પહેલા જ પોતાને દોષિત માની લીધા હતા. જ્યારે કેસમાં 6 આરોપીઓ ફરાર છે.
Fodder scam: RJD chief Lalu Prasad Yadav convicted of fraudulent withdrawal from Doranda treasury by a CBI Special Court in Ranchi pic.twitter.com/J9AvvhmOjk
— ANI (@ANI) February 15, 2022
કેસમાં પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ, પૂર્વ સાંસદ જગદીશ શર્મા, ડો. આર કે રાણા, પીએસીના તત્કાલિન અધ્યક્ષ ધ્રુવ ભગત, તત્કાલિન પશુપાલન સચિવ બેક જૂલિયસ, પશુપાલન વિભાગના સહાયક દિગ્દર્શક ડો. કે એમ પ્રસાદ સહિત 99 આરોપીઓ હતા. કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં કુલ 575 લોકોની જુબાની લેવાઈ જ્યારે બચાવ પક્ષ તરફથી 25 સાક્ષી રજૂ કરાયા.
આ અગાઉ ચારા કૌભાંડના ચાર કેસમાં લાલુ પ્રસાદ યાદવને બધી મળીને સાડા 27 વર્ષની સજા થઈ જ્યારે એક કરોડ રૂપિયાનો દંડ પણ ભરવો પડ્યો. આ કેસમાં સજા થવાના કારણે આરજેડી સુપ્રીમોએ અડધા ડઝન કરતા વધુવાર જેલમાં જવું પડ્યું. આ તમામ કેસમાં તેમને હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે