ખેડૂત યોજના લોન્ચ કરીને PM મોદી બોલ્યા, 'જે પહેલા અશક્ય હતું તેને અમે શક્ય બનાવી રહ્યાં છીએ'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી. જે હેઠળ દેશના એક કરોડથી વધુ નાના ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો પહેલો હપ્તો નાખવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી. જે હેઠળ દેશના એક કરોડથી વધુ નાના ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો પહેલો હપ્તો નાખવામાં આવશે. તેની શરૂઆત પીએમ મોદીએ કાર્યક્રમમાં કરી. આ દરમિયાન પીએમ મોદીએ ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો. તેમણે મંચથી તમામ ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ગત સરકારની ઈચ્છા ખેડૂતોને સશક્ત કરવાની નહીં પરંતુ તેમને તરસાવવાની હતી. પહેલાની સરકારોમાં ખેડૂતનું ભલું કરવાની દાનત નહતી. પરંતુ હવે એ દિવસો ગયાં જ્યારે કેન્દ્ર સરકારમાંથી એક રૂપિયો નીકળતો હતો અને 85 પૈસા 'પંજો' મારી લેતો હતો અને 15 પૈસા જ તમને મળતા હતાં.
તેમણે કહ્યું કે જે પહેલા અશક્ય હતું તે અમે શક્ય બનાવી રહ્યાં છીએ. વિપક્ષની જેમ ખેડૂતોને દગો કરવાનું પાપ અમે કરતા નથી. હવે કોઈ વચેટિયાઓ કિંમતોને પ્રભાવિત કરી શકશે નહીં. ખેડૂતોના પૈસા સીધા જ બેંક ખાતામાં પહોંચશે. છેલ્લા સાડા ચાર વર્ષમાં સરકાર તરફથી બે તબક્કામાં 17 કરોડથી વધુ સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવી ચૂક્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે ખેડૂત યોજના આવ્યાં બાદ મહામિલાવટી લોકોના ચહેરા લટકી ગયા છે. વિપક્ષ આ યોજના અંગે જૂઠ્ઠાણું ફેલાવી રહ્યો છે. ખોટી વાતો કરનારા પર ખેડૂતો ભરોસો ન કરે. ખોટું બોલવું એ વિપક્ષનો જન્મજાત સ્વભાવ છે. વિરોધીઓની વાતોમાં ખેડૂતો ન આવે. ખેડૂત યોજનાને ફૂલ પ્રુફ બનાવવામાં આવી છે. જેથી કરીને ખેડૂતોના અધિકારો કોઈ છીનવી શકે નહીં. તેમાં કેન્દ્ર સરકાર જેટલા પૈસા ખેડૂત માટે મોકલે છે તે બધા તેમના ખાતામાં પહોંચે છે.
તેમણે કહ્યું કે યોજનાના પૈસા પર ખેડૂતોનો હક છે. કોઈ તેને પાછો લઈ શકે નહીં. ન મોદી કે ન કોઈ રાજ્ય સરકાર. આવી અફવાઓ ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપી દેજો. મિલાવટી લોકોએ તમારા હકના પૈસા એ લોકોમાં વહેંચી દીધા જે ખેડૂતો હતાં જ નહીં. હવે ખેડૂતોના પૈસા કોઈ પણ વચેટિયાઓ વગર તેમના ખાતામાં જશે.
આ તો હજુ શરૂઆત છે...
પીએમ મોદીએ કહ્યું કે આ તો હજુ શરૂઆત છે. આ યોજના હેઠળ દર વર્ષે લગભગ 75 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા પહોંચવાના છે. દેશના તે 12 કરોડ નાના ખેડૂતો કે જેમની પાસે 5 એકર કે તેના કરતા ઓછી જમીન છે, તેમને તેનો લાભ મળશે. પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ ઈતિહાસમાં નોંધાવવા જઈ રહ્યો છે. લાલ બહાદુર શાસ્ત્રીજીએ જય જવાન, જય કિસાનનો નારો આપ્યો હતો. તે મંત્રને આટલા વર્ષ બાદ ખેડૂતોના ઘર સુધી, ખેડૂતોના ખેતરો સુધી, ખેડૂતોના ખિસ્સા સુધી પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. આઝાદી બાદ ખેડૂતો સંબંધિત આ સૌથી મોટી યોજના આજે ઉત્તર પ્રદેશની પવિત્ર ધરતીથી મારા દેશના કરોડો ખેડૂત ભાઈઓના આશીર્વાદથી શરૂ થઈ રહી છે.
વચેટિયાઓ સુધી નહીં પહોંચવા દઉ પૈસા
પીએમ મોદીએ કહ્યું કે હવે ખેડૂતોના પૈસા કોઈ પણ વચેટિયા વગર સીધા જ તેમના ખાતામાં પહોંચશે. કોઈ પણ વચેટિયાઓ પાસે એક રૂપિયો નહીં જવા દઉ. અમારી સરકાર વડાપ્રધાન કૃષિ સિંચાઈ યોજના ઉપર લગભગ એક લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. આટલી મોટી રકમ અમે લગાવી રહ્યાં છીએ જેથી કરીને દેશમાં જે સિંચાઈ પ્રોજેક્ટ્સ 30-40 વર્ષથી લટકી પડ્યા હતાં તેમને પૂરા કરી શકાય.
ખેડૂતોને સશક્ત કરવા એ અમારો લક્ષ્યાંક
તેમણે કહ્યું કે અત્યાર સુધી એક કરોડ એક લાખ ખેડૂતોના બેંક ખાતામાં આ યોજનાનો પહેલો હપ્તો ટ્રાન્સફર કરવાનો મને મોકો મળ્યો છે. આ ખેડૂતોને 2021 કરોડ રૂપિયા અત્યારે ટ્રાન્સફર કરાયા છે. અમે ખેડૂતોની નાની નાની સમસ્યાઓ પર ધ્યાન આપવાની સાથે જ પડકારોના સંપૂર્ણ નિકાકરણ પર કામ કર્યું છે. ખેડૂતો પૂરેપૂરી રીતે સક્ષમ બને, તે લક્ષ્ય સાથે અમે નીકળ્યાં છીએ.
પશુ પાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ KCC
કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અગાઉ એક લાખ રૂપિયા જ મળી શકતા હતાં. હવે તેની લિમિટ વધારીને 1.60 લાખ કરાઈ છે. એટલે કે હવે કોઈ પણ ગેરંટી વગર ખેડૂતો કીસીસીના માધ્યમથી 1.60 લાખ રૂપિયાનું કરજ લઈ શકશે. પીએમ મોદીએ કહ્યું કે આજથી જ પશુપાલન અને માછલી પાલન કરનારા ખેડૂતો માટે ખેડૂત ક્રિડિટ કાર્ડની સુવિધા પણ શરૂ કરાઈ. તેમને કેસીસી હેઠળ 2 લાખ રૂપિયા સુધીનું કરજ મળશે. કુદરતી આફતોથી પ્રભાવિત ખેડૂતો માટે કૃષિ ઋણમાં છૂટની મર્યાદા એક વર્ષથી વધારીને 3 થી 5 વર્ષ કરી છે. જો ખેડૂત સમય પર દેવાની ચૂકવણી કરે તો તેને વ્યાજદરમાં 3 ટકાની વધારાની છૂટનો ફાયદો મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે