રાજ્યમાં આગ લાગવાની 5 ઘટના: ઈન્ડિયન બેંકના ATMમાં આગથી ધુમાડાના ગોટેગોટા

અમદાવાદમાં ઈન્ડિયન બેંક ATM, તો ડીસામાં મોબાઇલ દુકાન, જ્યારે નર્મદાના તિલકવાડામાં DGVCLના સબસ્ટેશનમાં, વલસાડ નજીક LPG ગેસ ભરેલ ટેન્કરમાં અને સુરતના ખજોડ ડાયમંડ બુર્શના સ્ટોરમાં એકાએક આગ લાગવાની ઘટના બની છે

રાજ્યમાં આગ લાગવાની 5 ઘટના: ઈન્ડિયન બેંકના ATMમાં આગથી ધુમાડાના ગોટેગોટા

અમદવાદા: રાજ્યામાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ પાંચ જગ્યાઓ પર આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદમાં ઈન્ડિયન બેંક ATM, તો ડીસામાં મોબાઇલ દુકાન, જ્યારે નર્મદાના તિલકવાડામાં DGVCLના સબસ્ટેશનમાં, વલસાડ નજીક LPG ગેસ ભરેલ ટેન્કરમાં અને સુરતના ખજોડ ડાયમંડ બુર્શના સ્ટોરમાં એકાએક આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાઓમાં કોઇ પ્રકારની જાનહાનીના સમાચાર મળ્યા નથી. 

અમદાવાદના હેલમેટ સર્કલ પાસે આવેલી ઈન્ડિયન બેંકના ATMમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. રવિવાર અને વહેલી સવારે આગ લાગવાથી લાંબા સમય સુધી લોકોને આગની જાણ ન થઈ હતી. આગ કેમ લાગી તે હજુ જાણી શકાયું નથી. પણ ફાયરબ્રિગેડની 5થી વધુ ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો છે.

બનાસકાંઠામાં ડીસાના કોલેજ રોડ પર સાંઈબાબા મંદિરના ગેટ સામે જગદંબા મોબાઇલની દુકાનમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. શોટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા ડીસા પાલિકાના ફાયર ફાઇટર સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. દુકાનમાં આગ લાગવાથી માલ-સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

નર્મદાના તિલકવાડા DGVCLના સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હતી. આગ લાગતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતા. આગ લાગવના કારણે તાલુકાનાં 98 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો છે.

વલસાડ નજીક મુંબઇથી અમદાવાદ આવી રહેલું LPG ગેસ ભરેલ ટેન્કરમાં આગ લાગી હતી. ટેન્કરમાં એલપીજી ગેસ હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટનાને પગલે 6 ફાયર ફાઇટર સ્થળ પર પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાઇવે પર ટેન્કરમાં આગ લાગવાનાં કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી.

સુરતના ખજોડ ડાયમંડ બુર્શના સ્ટોરમાં એકાએક આગ લાગી હતી. આગ લાગવાના કારણે લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયરની 5થી વધુ ટીમો સ્થળ પર પહોંચી ગઇ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે સ્ટોરનો માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news