કલેક્ટરી છોડીને નેતા બનવા નીકળેલી આ યુવતીના સપના ચકનાચૂર! હવે પાછી માંગે છે સરકારી નોકરી

Nisha Bangre: મધ્ય પ્રદેશમાં પૂર્વ ડેપ્યુટી કલેક્ટર નિશા બાંગરેએ તેમને સરકારી નોકરી પાછી આપવામાં આવે તેવી માંગણી કરી છે. તેમણે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું હતું. તેમણે આ રાજીનામું સ્વીકારવામાં આવે તે માટે લાંબી લડત લડી હતી. કોંગ્રેસે પછી તેમની જગ્યાએ બીજા કોઈને ટિકિટ આપી દીધી હતી. 

કલેક્ટરી છોડીને નેતા બનવા નીકળેલી આ યુવતીના સપના ચકનાચૂર! હવે પાછી માંગે છે સરકારી નોકરી

રાજકીય મહત્વકાંક્ષા હોવી કોઈ ખોટી વાત નથી. રાજ્ય પ્રશાસનિક સેવાની નોકરી છોડનારા ડેપ્યુટી કલેક્ટર નિશા બાંગરે પાછા નોકરીમાં આવવા માટે કોશિશ કરી રહ્યા છે. તેમણે મધ્ય પ્રદેશ સરકારને નોકરીમાં પાછા લેવાની ગુહાર લગાવી છે. નિશા બાંગારે સામાન્ય પ્રશાસન વિભાગને આ અંગે પત્ર લખ્યો છે. જો કે હજુ સુધી વિભાગે તેના પર કોઈ નિર્ણય લીધો નથી. નિશા બાંગરેએ બૈતુલ જિલ્લાની આમલા વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવા માટે નોકરી છોડી હતી. જો કે કોંગ્રેસે તેમને ટિકિટ આપી નહીં અને ત્યારબાદ નિશા બાંગરેએ લોકસભા ટિકિટની આશા પણ રાખી હતી જેમાં પણ નિરાશા જ મળી. 

વિધાનસભા ટિકિટની હતી આશ
નિશા બાંગરે છતરપુર જિલ્લાના લવકુશ નગરમાં એસડીએમના પદે હતા. તેમને આશા હતી કે કોંગ્રેસ બૈતૂલ જિલ્લાની આમલા વિધાનસભા બેઠકથી ઉમેદવાર જાહેર કરશે. આમલા ક્ષેત્રમાં નોકરી કરતા હતા ત્યારે પોતાના કામોથી તેઓ ખુબ ચર્ચામાં  હતા. જેને કેશ કરવા માટે તેમણે વિધાનસભા ચૂંટણી પહેલા રાજીનામું આપ્યું પરંતુ સરકારે તેમનું રાજીનામું મંજૂર કર્યું નહીં. ત્યારબાદ રાજીનામું મંજૂર થાય તે માટે તેમણે પહેલા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુદ્ધાનો દરવાજો ખખડાવ્યો. તેમણે આમલાથી ભોપાલ સુધી સરકાર વિરુદ્ધ પદયાત્રા પણ કરી અને આખરે કોર્ટના આદેશ બાદ 23 ઓક્ટોબરના રોજ સરકારે તેમનું રાજીનામું મંજૂર કર્યું હતું. 

ન વિધાનસભાની ટિકિટ મળી ન લોકસભાની
સરકાર દ્વારા તેમનું રાજીનામું મંજૂર થાય તે પહેલા જ કોંગ્રેસે આમલા વિધાનસભા બેઠકથી મનોજ માલ્વેને પોતાના ઉમેદવાર જાહેર કરી નાખ્યા હતા. નિશા બાંગરેને આશા હતી કે કોંગ્રેસ આ સીટથી તેમને ટિકિટ આપશે અને આ આશામાં તેમણે કમલનાથની હાજરીમાં જ કોંગ્રેસની સદસ્યતા પણ લીધી હતી. ત્યારબાદ  કમલનાથના આશ્વાસન સાથે પાર્ટીમાં જોડાઈ ગયા. તેમને આશા હતી કે પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ તેમને કેટલીક મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે. પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની નહીં. ત્યારબાદ લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે ભાવ ન આપ્યો. કોંગ્રેસે તેમને પ્રદેશ પ્રવક્તા બનાવ્યા પરંતુ તેના કરતા તો તેમને નોકરીમાં જવું વધારે સારું લાગ્યું. 

મીડિયા રિપોર્ટ મુજબ પૂર્વ એસડીએમને જ્યારે રાજકારણથી નોકરીમાં યુટર્ન પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે મને આશા હતી કે કોંગ્રેસ તેમને વિધાનસભા કે પછી લોકસભાની ટિકિટ જરૂર આપશે. કોંગ્રેસે તેમને ટિકિટ આપવાનું વચન પણ આપ્યું હતું. જો કે પાર્ટીએ પોતાના બંને વચન પાળ્યા નહીં. આથી પરિવારની ઈચ્છાનું માન રાખતા મેં નોકરીમાં પાછા ફરવા માટે સરકારને પત્ર લખ્યો. જો કે હજુ સુધી સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. આશા છે કે સરકાર તેમની વાત સાંભળશે. 

તેમણે કહ્યું કે મારો પરિવાર ઈચ્છે છે સેવામાં પાછી આવી જાઉ. મધ્ય પ્રદેશ સેવા નિયમમાં તેની જોગવાઈ છે. એવા પણ ઉદાહરણ છે કે જ્યાં સરકારી કર્મચારીઓએ રાજીનામા આપ્યા, ચૂંટણી લડ્યા, અને ચૂંટણી હાર્યા બાદ પાછા સેવામાં આવી ગયા. અત્રે જણાવવાનું કે છતરપુર જિલ્લાના લવકુશ નગરના એસડીએમ રહી ચૂકેલા નિશા બાંગરેએ વિધાનસભા ચૂંટણી લડવા માટે 23 જૂન 2023ના રોજ રાજીનામું આપ્યું હતું. પરંતુ જીએડીએ તેમનું રાજીનામું સ્વીકારવાની ના પાડી હતી. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news