ભીમા-કોરેગાંવ હિંસક ઝડપ: ન્યાયિક તપાસના આદેશ, મૃતકના પરિવારને 10 લાખના વળતરની જાહેરાત

પુણે જિલ્લામાં ભીમા-કોરેગાંવની લડાઈની 200મી વર્ષગાઠ પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન થયેલી હિંસા મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે.
ભીમા-કોરેગાંવ હિંસક ઝડપ: ન્યાયિક તપાસના આદેશ, મૃતકના પરિવારને 10 લાખના વળતરની જાહેરાત

પુણે: પુણે જિલ્લામાં ભીમા-કોરેગાંવની લડાઈની 200મી વર્ષગાઠ પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન થયેલી હિંસા મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ મુખ્યમંત્રીએ આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને નેતાઓને અપીલ કરી છે કે એવા કોઈ નિવેદનો ન આપે જેનાથી તણાવ પેદા થાય. તેમણે આ ઘટનામાં માર્યા ગયેલા વ્યક્તિના પરિવારને દસ લાખના વળતરની પણ જાહેરાત કરી છે. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. 

આ અગાઉ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને આ મામલાની તપાસ અને દોષિતોને સજા અપાવવાની માગણી કરી હતી. વાત જાણે એમ હતી કે ભીમા-કોરેગાંવની લડાઈની 200મી વર્ષગાંઠ પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું. આ લડાઈમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેનાએ પેશવાની સેનાને હરાવી હતી. દલિત નેતા આ બ્રિટિશ જીતનો જશ્ન મનાવે છે. એવું મનાય છે કે તે વખતે અછૂત ગણાતા મહાર સમુદાયના સૈનિકો ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેના તરફથી લડ્યા હતાં. જો કે પુણેમાં કેટલાક 'દક્ષિણપંથી સમૂહો'એ આ બ્રિટિશ જીતની ઉજવણીનો વિરોધ કર્યો હતો. 

પોલીસે જણાવ્યું કે જ્યારે લોકો ગામમાં યુદ્ધ સ્મારક તરફ આગળ વધી રહ્યાં હતાં ત્યારે મંગળવારે બપોરે શિરુર તહસીલ સ્થિત ભીમા કોરેગાંવમાં પથ્થરમારો અને તોડફોડની ઘટનાઓ ઘટી. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ હિંસામાં એક વ્યક્તિનું મોત થયું. જો કે તેની ઓળખ અને તેનું મોત કેવી રીતે થયું તે અંગે હજુ બરાબર માહિતી મળી નથી.

— ANI (@ANI) January 2, 2018

એક સ્થાનિક સમૂહ અને ભીડના કેટલાક સભ્યો વચ્ચે સ્મારક તરફ જવા દરમિયાન કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ અને તે પછી હિંસામાં ફેરવાઈ હતી. ભીમા કોરેગાંવની સુરક્ષા માટે તહેનાત એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બોલાચાલી દરમિયાન પથ્થમારો શરૂ થયો. હિંસા દરમિયાન કેટલાક વાહનો અને પાસમાં સ્થિત એક મકાનને નુક્સાન કરાયું. તેમણે જણાવ્યું કે પોલીસે ઘટના બાદ કેટલાક સમય માટે પુણે-અહેમદનગર રાજમાર્ગ પર વાહનવ્હવહાર રોકી દીધો. તેમણે જણાવ્યું કે ગામમાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. 

અધિકારીએ જણાવ્યું કે 'રાજ્ય રિઝર્વ પોલીસ દળની કંપનીઓ સહિત અનેક પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યાં છે.' મોબાઈલ ફોન નેટવર્ક થોડા સમય માટે બંધ કરી દેવાયું જેથી કરીને ભડકાઉ સંદેશાઓને ફેલાતા રોકી શકાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news