UP: 'જય શ્રીરામ' નહીં બોલવા પર મુસ્લિમ વૃદ્ધની પીટાઈની વાત ખોટી નીકળી, ટ્વિટર સામે પણ FIR દાખલ

ગાઝિયાબાદના લોની બોર્ડર વિસ્તારમાં વૃદ્ધ સાથે મારપીટ અને અભદ્રતાનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે હવે પોલીસે ટ્વિટર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

UP: 'જય શ્રીરામ' નહીં બોલવા પર મુસ્લિમ વૃદ્ધની પીટાઈની વાત ખોટી નીકળી, ટ્વિટર સામે પણ FIR દાખલ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલા લોની વિસ્તારમાં એક મુસ્લિમ વૃદ્ધની પીટાઈનો વીડિયો વાયરલ થવાના મામલે નવો વળાંક આવ્યો છે. મંગળવારે પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલો બે પરિવારની અંગત અદાવત સંબંધિત છે. 

હવે મામલાને સાંપ્રકાયિક રંગ આપવાના આરોપમાં ગાઝિયાબાદ પોલીસે સોશિયલ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર (Twitter) ઉપરાંત 8 અન્ય લોકો વિરુદ્ધ FIR દાખલ કરી છે. પોલીસે આ તમામ પર ટ્વિટર દ્વારા ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. જેમાં બે કોંગ્રેસ નેતાઓના નામ પણ સામેલ છે. 

વીડિયો વાયરલ થયા બાદ હડકંપ મચી ગયો
વાત જાણે એમ છે કે વૃદ્ધનો વીડિયો વાયરલ થયા બાદ હડકંપ મચી ગયો હતો. આરોપ લાગી રહ્યા હતાં કે વૃદ્ધે જય શ્રીરામ ન કહ્યું અને આથી તેમની પીટાઈ કરાઈ અને દાઢી પણ કાપી નાખવામાં આવી. 

પરંતુ પોલીસ તપાસમાં આ વાતો પાયાવિહોણી નીકળી. આ બધા વચ્ચે કેટલાક લોકોએ ટ્વિટર પર આ મામલાને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ કરી. એટલું જ નહીં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તો અનેક સવાલ પણ ઊભા કર્યા જેના પર સીએમ યોગીએ તેમને યુપીને બદનાન ન કરવાની સલાહ આપી દીધી હતી. 

શું કહ્યું પોલીસે?
FIR માં ગાઝિયાબાદ પોલીસે કહ્યું કે લોનીમાં ઘટેલી ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. જેમાં એક વ્યક્તિની પીટાઈ કરવામાં આવી અને દાઢી કાપવામાં આવી હતી. કેટલાક લોકોએ તથ્યોની તપાસ કર્યા વગર જ અચાનક ટ્વિટર પર આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો શરૂ કરી દીધો હતો અને શાંતિ ભંગ કરવા માટે સંદેશા ફેલાવવાના શરૂ કર્યા હતા. આ સાથે જ ધાર્મિક સમુદાયો વચ્ચે મતભેદ પેદા કર્યા. ટ્વિટરે પણ વીડિયોને વાયરલ થતો રોકવા કોઈ પગલાં લીધા નહીં. 

જે લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમાં ઐયુબ અને નકવી પત્રકાર છે. જ્યારે ઝૂબેર ફેક્ટ ચેકિંગ વેબસાઈટ ઓલ્ટ ન્યૂઝના લેખક છે. ડો.શમા મોહમ્મદ અને નિઝામી કોંગ્રેસના સભ્યો છે. જે અગાઉ ટીવી ચર્ચામાં પાર્ટીનો ચહેરો રહી ચૂક્યા છે. જ્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ ઉસ્માનીને કોંગ્રેસે ગત વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. 

જાણો શું છે મામલો?
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો કે એક વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિને ચાર લોકોએ મળીને ખુબ પીટાઈ કરી, તેની પાસે જબરસ્તીથી જયશ્રી રામના નારા લગાવડાવ્યા અને દાઢી કાપી નાખી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થયો પરંતુ વીડિયો પાછળની સચ્ચાઈ કઈ અલગ જ છે. પોલીસે વાયરલ વીડિયોમાં કરાયેલા આ તમામ દાવા પાછળનું અસલ કારણ જણાવ્યું છે. 

ગાઝિયાબાદ પોલીસે કહ્યું કે તેમણે એફઆઈઆર નોંધી લીધી છે. આ મામલે મુખ્ય આરોપી પરવેશ ગુજ્જરની ધરપકડ પહેલા જ થઈ ચૂકી છે. 14 જૂનના રોજ અન્ય બે આરોપી કલ્લુ અને આદિલની ધરપકડ થઈ હતી. આ ઘટના 5 જૂનની છે. પરંતુ પોલીસને તેની સૂચના બે દિવસ બાદ આપવામાં આવી. પોલીસનું કહેવું છે કે આ સમગ્ર ઘટના પાછળનું કારણ તાંત્રિક સાધના છે. 

પીડિત વૃદ્ધે આરોપીને કેટલાક તાવીજ આપ્યા હતા જેના પરિણામ ન મળતા નારાજ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો. પોલીસે એ પણ જણાવ્યું કે પીડિતે પોતાની એફઆઈઆરમાં જયશ્રીરામના નારા લગાવવા અને દાઢી કાપવાની વાત નોંધાવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news