દ્વારકા, જુનાગઢ, ગીરમાં પૂર જેવી સ્થિતિ, ખેડૂત સરપંચે દ્વારકાધીશને દુહો ગાઈને કરી આજીજી
Gujarat Floods : ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાએ મુશ્કેલી સર્જી છે. દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથમાં સતત મેઘ મહેરથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, આજે દ્વારકામાં 11 ઈંચ વરસાદથી 11 રસ્તાઓ બંધ થયા છે. 85 લોકોનું સ્થળાંતર કરાયું છે. તો જૂનાગઢમાં 76 ગામ સંપર્ક વિહોણા થયા છે. આ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારિકા તથા જામનગરનું હવાઈ નિરીક્ષણ કરીને પૂરની સ્થિતિનો તાગ મેળવશે. બીજી તરફ, લોકો હવે વરસાદ ઓછો થવાની ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે.
મુખ્યમંત્રી દ્વારકા, જામનગરમાં હવાઈ નિરીક્ષણ કરશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના દ્વારિકા તથા જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિ નો તાગ મેળવવા આજે બપોરે આ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે જશે. મુખ્યમંત્રી બપોરે ૩ ૪૫ કલાકે વિમાન દ્વારા જામનગર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવા જશે. ત્યારબાદ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી જાત માહિતી મેળવશે.
ખેડૂત સરચંપની ભગવાન દ્વારકાધીશને આજીજી
જૂનાગઢના મટીયાણા ગામના સરપંચે ભગવાન દ્વારકાધીશને એક દુહો લલકારીને પ્રાર્થના કરી છે. દુહો દ્વારા સરપંચે પોતાની વાત રાખી. સરપંચે કહ્યું કે, વરસાદ બવ વરસ્યો, હવે પ્રભુ રાખજો અમારું ધ્યાનના ભાવ સાથેનો દુહો ગાયો.
દ્વારકામા નથી રોકાઈ રહ્યો વરસાદ
દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલ વરસાદના આંકડા પર નજર કરીઓ તો, દ્વારકા 166mm, ખંભાળિયા 36mm, કલ્યાણપુર 287mm અને ભાણવડ 64mm
દ્વારકાના 15 માંથી 9 ડેમ છલકાયા
હાલ દ્વારકા જિલ્લામાં છેલ્લાં 2 કલાકમાં સવત્રિક ધીમી ધારે અડધાથી પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે જિલ્લાના કુલ 15 માંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે. ખંભાળિયા માટે અતિ મહત્વનો ઘી ડેમ 90% ભરાયો છે. વરસાદના પગલે જિલ્લામાં છેલી 24 કલાકમાં 4 ગામો અસર ગ્રસ્ત રહ્યા છે. જિલ્લામાં કુલ અલગ અલગ જગ્યા એથી 19 લોકોનું રેસ્ક્યું કરાયું છે, તો 85 લોકોનું સ્થળાંતર કરાયું છે. વરસાદના પગલે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થવાની ઘટના બની છે. વરસાદ માં તણાઈ જવાના પગલે 4 પશુ ના મોત નિપજ્યા છે. તો એક મકાનને નુકસાન થયું છે. આ ઉપરાંત 104 વીજ પોલ ધરાશાઈ થયા..
દ્વારકાના 11 રસ્તાઓ બંધ થયા
દ્વારકા જિલ્લાના કલેક્ટર જીટી પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું કે, ભારે વરસાદને પગલે દ્વારાક જિલ્લાના કુલ 11 રોડ રસ્તાઓ બંધ થયા છે. 1 નેશનલ હાઇવે દ્વારકા - સોમનાથ, સ્ટેટ હાઇવે ભાટિયા - ભોગાત, કલ્યાણપુર - પોરબંદર પણ પ્રભાવિત થયા છે. કલ્યાણપુર પથક ની 8 બસોના રૂટ બંધ થયા છે..
ગુજરાતમા સાર્વત્રિક વરસાદ
આજે સવારથી અડધા રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે પણ વરસાદ છે. કચ્છના નખત્રાણામાં સવાર સવારમાં 2 ઈંચ વરસાદ વરસ્યો. તો વલસાડના પારડી, કચ્છના મુન્દ્રામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો. વલસાડના ધરમપુરમાં પણ સવા ઈંચ વરસાદ નોંધાયો. જૂનાગઢના માળિયાહાટિના, માંગરોળ, નવસારીના ગણદેવી, ખેરગામ, વાંસદામાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો. ડાંગના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. દ્વારકા, ભાણવડ, ખંભાળિયામાં પણ વરસાદી માહોલ છે.
ગીરનો હીરણ-1 ડેમ આખો ભરાયો
ગીર અભ્યારણ્ય વચ્ચે પ્રતીબંધીત વિસ્તાર મા આવેલ કમલેશ્વર (હીરણ-1') ડેમ 100% સપાટી એ ભરાઈ ગયો છે. આ ડેમમાં દરવાજાઓ નથી. મીની કશ્મીર સમા આ ડેમ છલકાતા તેના પાળા પરથી આપો આપ પાણી ઓળંગે છે. આ ડેમના પાણીનો જથ્થો સિંચાઈ સીવાય વન્યપ્રાણીઓ જેમ કે, સિંહ, હરણ, સાંભર સહીત વન્ય પશુપક્ષીઓને પીવા માટે અનામત રખાય છે. આ ડેમ હવે છલકાવાની તૈયારીમા છે. તંત્રએ આ ડેમના નીચાણ વિસ્તારોમાં આવતા નેસડાઓના ગામોને સાવચેત કર્યા છે.
શું ખેડૂતોને સહાય મળશે?
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે પાક નુકશાની અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, આજે મુખ્યમંત્રી સ્થળ નિરીક્ષણ માટે જવાના છે. અતિ ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. હાલની સ્થિતિમાં ખેતરોમાં પાણી ભરાયા છે. પાણી ઓસર્યા બાદ કેવું અને કેટલું નુકશાન છે તે અંગે સમીક્ષા કરવામાં આવશે. આવતી કેબિનેટ બેઠકમાં કૃષિ નુકશાની અંગે ચર્ચા કરાશે.
Trending Photos