આખી દુનિયામાં મૂંછોવાળા શ્રીરામની મૂર્તિ એકમાત્ર ગુજરાતમાં છે, અનોખું છે મંદિર

Gujarat Tourism ધવલ પારેખ/નવસારી : સમગ્ર ભારતમાં જ્યાં પણ ભગવાન શ્રી રામજીના મંદિરો છે. ત્યાં પ્રભુનું સોમ્ય રૂપ જોવા મળે છે. પરંતુ રામાયણ કાળ સાથે સંકળાયેલા નવસારીના ઉનાઈમાં સોલંકી વંશના રાજા દ્વારા દોઢસો વર્ષ પૂર્વે સ્થાપિત મંદિરમાં ક્ષત્રિય રૂપ એટલે કે મૂછોવાળા શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી, માતા જાનકી સાથે બિરાજિત છે.

1/5
image

ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણ વનવાસ દરમિયાન વિહરતા દંડકારણ્યમાં પ્રવેશ્યા હતા. અહીં આવતા શ્રી રામ શરભંગ ઋષિના આશ્રમમાં દર્શનાર્થે પહોંચ્યા, ત્યારે શરભંગ ઋષિ કુષ્ઠ રોગથી પીડાતા હોવાની શ્રી રામને જાણ થઈ હતી. ત્યારે પ્રભુની લીલાથી માતા જાનકીએ સ્નાન માટે ગરમ પાણીની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી શ્રી રામજીએ જમીનમાં બાણ મારી ગરમ પાણી કાઢ્યું હતું. જેનાથી માતા સીતાએ સ્નાન કર્યું હતુ. બાદમાં આ ગરમ પાણીના ફૂટેલા ઝરામાં ઋષિ શરભંગને પણ સ્નાન કરવા પ્રભુએ વિનંતી કરતા તેઓ નાહ્યા અને ઋષિનો કુષ્ઠ રોગ મટી ગયો હતો. 

2/5
image

શરભંગ ઋષિની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ માતા સીતાજી અહીં ઉષ્ણ અંબા સ્વરૂપે બિરાજ્યાં હતા. કાળ ક્રમે આ સ્થાન માં ઉષ્ણ અંબા અને ગરમ પાણીના ઝરાને કારણે પ્રસિદ્ધ થયુ, જે આજે નવસારીના વાંસદા તાલુકાના ઉનાઈ ગામમાં સ્થિત છે. ઉનાઈ સહિતના 99 ગામડાઓના વાંસદા રજવાડા પર સોલંકી વંશના રાજાઓ રાજ કરતા હતા. 

3/5
image

ઉનાઈની રામાયણ કાળ સાથેની કથા હોવાથી 1868 માં વાંસદાના રાજવી પ્રતાપસિંહ સોલંકી દ્વારા માં ઉષ્ણ અંબાના મંદિરની બાજુમાં જ ભગવાન શ્રી રામચંદ્રજી, માતા જાનકી અને લક્ષ્મણજીનું મંદિર બનાવડાવ્યું હતું. પરંતુ ક્ષત્રિય રાજાઓની ઓળખ તેમની મૂછોથી હોય છે અને ભગવાનશ્રી રામચંદ્ર અને લક્ષ્મણ પણ ક્ષત્રિય હોય, એમની પ્રતિમાઓ પણ મૂછોવાળી સ્થાપિત કરી હતી.   

4/5
image

સમગ્ર ભારતમાં એક ઉનાઈના જ શ્રી રામચંદ્રજી મંદિરમાં પ્રભુ શ્રી રામ મૂછાળા છે. ત્યારે આ ઐતિહાસિક મંદિરના જીર્ણોદ્ધાર થવાની વાતથી રાજવી પરિવારમાં ખુશી છે. રાજવી પરિવારના વંશજ શિવેન્દ્રસિંહ સોલંકીએ કહ્યું કે, જ્યારે અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું નવું મંદિર નિર્માણ પામ્યું અને એજ સમયે ઉનાઈમાં પણ શ્રી રામચંદ્રજીના જીર્ણોદ્ધારના શ્રી ગણેશ થતા સમગ્ર આદિવાસી પંથકમાં આનંદ છવાયો છે.

5/5
image

અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની સેંડકો વર્ષો બાદ પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને સમગ્ર ભારતને રામ નામની ધૂન લાગી છે. ત્યારે ઉનાઈનાં આ ઐતિહાસિક શ્રી રામચંદ્રજી મંદિરનો પણ ગુજરાત સરકાર દ્વારા જીર્ણોદ્ધાર કરવાનો પ્રારંભ કરાયો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા મંદિરના જીર્ણોદ્ધાર સાથે અન્ય સુવિધાઓ માટે 1.76 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યું છે.