આ દિવસે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, હવામાન વિભાગની આગાહીમાં મળ્યો જવાબ
Gujarat Weather Forecast સપના શર્મા/અમદાવાદ : શનિવારે બપોર બાદથી પડેલા અતિભારે વરસાદમાં લગભગ અડધુ ગુજરાત જળબંબાકાર થઈ ગયું છે. જુનાગઢ, જામનગર, વલસાડ, નવસારીની હાલત બદતર છે. તો અમદાવાદમાં થોડાક વરસાદમાં પણ પૂર જેવો નજારો અમદાવાદીઓએ જોઈ નાઁખ્યો. આવામાં આજે રવિવારે પણ લોકોને રાહત મળવાની નથી. કારણ કે, રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે છે. અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે, હજી બે દિવસ સંકટના વાદળો રહેશે, પરંતું બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે.
હવામાન વિભાગની આગામી પાંચ દિવસને લઇ આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે. પરંતું બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. આજે પણ રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ છે. આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, હજી પણ જૂનાગઢમાં ભારે વરસાદ રહેશે. આજે નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ,વડોદરામાં ઓરેન્જ અલર્ટ છે. અમદાવાદમાં હજી પણ ભારે વરસાદ રહેશે. હાલ મોન્સૂન ટ્રફ ડીસા ઉપર હોવાથી સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.
હવામાન વિભાગે આજે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. નાવ કાસ્ટ જાહેર કરીને રાજ્યમાં ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘો મહેમાન બન્યો છે. દ્વારકા જિલ્લાના જામખંભાળીયા આજે પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવામળી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 70% જળાશય છલકાઈ ચૂક્યા છે. હાલ હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમ પણ જિલ્લાના મુખ્ય મથક સ્ટેન્ડબાય રખાઈ છે.
સતત વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 18 કલાકમાં 36 સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 127.86 મીટર થઈ છે. ઉપરવાસમાંથી 89555 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો RBPH CHPH ના તમામ પાવર હાઉસ ચાલુ કરાયા છે. નર્મદા ડેમમાં હાલ 3120 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સ્ટોર થયો છે. આમ, નર્મદા ડેમ 80 ટકા ભરાયો છે.
Trending Photos