સુરતની મૂરત બદલાઈ! ઘર, સ્કૂલ અને હોસ્પિટલમાં બસ પાણી જ પાણી, મેઘ મહેર કહેર બની
Surat Heavy Rain : તો દક્ષિણમાં પણ વરસાદ દે ધનાધન... સુરતમાં સતત ધમાકેદાર વરસાદથી રસ્તાઓ થયા પાણી પાણી.. હાઈવે પાણીમાં ગરકાવ.. તો ભરૂચમાં પણ ધોધમાર વરસાદ પડતા વધુ મુશ્કેલી...
સુરત શહેર વરસાદથી તરબોળ થઈ ગયું
દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેરથી તમામ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. ખાસ કરીને સુરતની વાત કરીએ તો બે દિવસના વરસાદના કારણે સુરત શહેરની સૂરત જ બદલાય ગઈ છે. સુરત શહેરના અનેક વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. બે દિવસના વરસાદના કારણે ઘરોમાં પાણી, સ્કૂલમાં પાણી ઘૂસી ગયા છે. કેવી રીતે સુરત શહેર વરસાદથી તરબોળ થઈ ગયું,, જુઓ આ રિપોર્ટમાં..
સુરતમાં મેઘ કહેર
આ દેશની ડાયમંડ નગરી ગણાતા સુરત શહેરની હાલત ખરાબ છે. 2 દિવસના વરસાદમાં સુરતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા તેની હકીકત છે. પર્વત પાટિયા હોય કે, ઓમ નગર હોય.. કડોદરા હોય કે પછી લિંબાયત હોય.. સુરત શહેરના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ છે. સુરત શહેરમાં મેઘમહેર તંત્રના પાપી જાણે મેઘકહેર બની ગઈ હોય તેની વાસ્તવિકતા છે.
સુરતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી
સુરતમાં ગઈકાલે બપોર પછીથી મોડીરાત સુધી મેઘરાજાએ ધબધબાટી બોલાવતા 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. જો કે, વરસાદ બંધ થવાનું નામ ન લેતો હોય તેમ સોમવાર સવારથી જ મેઘરાજાએ અવિરત બેટિંગ શરૂ રાખી હતી. ઠેરે-ઠેર ગરનાળાઓમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા.
ઓમનગર વિસ્તાર બેટમાં ફેરવાયો
ભારે વરસાદના કારણે આખે આખો ઓમનગર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. વરસાદનું પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું છે. લોકોની ફરિયાદ છેકે, અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ પાલિકાના અધિકારીઓ દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી.
લિંબાયતના મીઠી ખાડી ભયાનક બની
લિંબાયતના મીઠી ખાડી વિસ્તારના પણ આવા જ દ્રશ્યો છે. ગરનાળામાં પાણી ભરાવાના કારણે ગરનાળા બંધ કરવાની ફરજ પડી હતી. ભીમનગર ગરનાળાની પણ આવી જ હાલત છે ભીમનગર ગરનાળામાં દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા રહે છે. વરસાદી પાણી ભરાવાના કારણે તંત્ર દ્વારા ગરનાળું બંધ કરવામાં આવે છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.
દર્દીઓ પાણીમાં જવા મજબૂર
સલથાણ નજીક આવેલી સંજીવની હોસ્પિટલના મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાયા હતા. હોસ્પિટલના મુખ્ય એન્ટ્રન્સ પર જ ઘૂંટણસમા પાણી ભરાતાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. હોસ્પિટલમાં જવા માટે દર્દીઓ ગોઠણ સુધીના પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા હતા.
સુરતની ખાડી ઓવરફ્લો થઈ
સુરતના ઉપરવાસમા વરસાદ પડતા સુરતની ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. જેને પગલે પર્વત પાટિયા મેઇન રોડ પર પાણી ભરાયા છે. ટેક્સટાઇલ માર્કેટના ગોડાઉન તરફના મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમા પાણી છે. એકંદરે સુરતના તમામ નીચાણવાળા વિસ્તારોમાં ખાડીનું પાણી ઘૂસ્યું છે. આ ઉપરાંત સતત વરસતો વરસાદ મોટી આફત લઈને આવ્યો છે.
સુરતમાં વરસાદના ભયાનક દ્રશ્યો
Trending Photos