સુરતમાં રસ્તાની સાઈડ પર પરિવાર સુખદુખની વાતો કરતો બેસ્યો હતો, કાળ બનીને આવી કાર, 3 ના મોત
Surat Accident News : સુરતના વરાછામાં બેફામ કારે સર્જ્યો અકસ્માત... એક બાળક સહિત કુલ ત્રણ લોકોના મોત... તો એક ગર્ભવતિ મહિલાની હાલત ગંભીર.... પોલીસે કરી કારચાલકની ધરપકડ....
ગુજરાતમાં હવે કાર ચલાવનારા બેફામ બન્યા છે. તેને કારણે રસ્તા પર લોકોનું ઉભા રહેવું કે બેસવું પણ જોખમી બન્યું છે. સુરતમાં ગત રાત્રે 11.30 વાગ્યે વેલંજા વિસ્તારમાં રિંગ રોડ પર હોન્ડા સિટીના ચાલકે ફૂલ સ્પીડમાં સાઈડમાં બેઠેલા 7 લોકોને ઉડાડ્યા હતા. જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે હોન્ડા સિટીના ચાલકને પોલીસે ઝડપી લીધો છે. પરંતું સુરતના આ અકસ્માતે લોકોને અમદાવાદના તથ્યકાંડની યાદ અપાવી દીધી.
સુરતના મોટાવરાછા રિંગરોડ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં 7 લોકોને ઉડાડ્યા હતા. પરિવાર રાત્રિના સમયે રસ્તાની સાઈડમાં બેસ્યો હતો, ત્યારે જ હોન્ડા સિટી કારે તેમને અડફેટે લીધા હતા. જેમાં 3 લોકોનું મોત નીપજ્યું હતું અને ચાર લોકોને ઈજા પહોંચી હતી. તો ચાર ઘાયલ પૈકી એકની હાલત ગંભીર છે. મૃતકોમાં બે યુવકો અને એક માસુમ બાળક છે.
અકસ્માતમાં અત્યાર સુધી ત્રણના મોત થયા
ગત મોડીરાત્રે વરાછા રિંગ રોડની સાઈડમાં એક પરિવાર ભેગો થયો હતો અને સુખ-દુઃખની વાતો કરી રહ્યો હતો. ત્યારે કાળ બનીને આવેલી હોન્ડા સિટીએ આ પરિવારને ઉડાડતાં જ ક્ષણભરમાં પરિવાર વેરવિખેર થઈ ગયો. 6 વર્ષીય વિયાન વાઘાણી, તેમના પિતા દેવેશ વાઘાણી અને 29 વર્ષીય સંકેત વાવાડિયાનું મોત નિપજ્યું છે.
આ અકસ્માત બાદ ઉતરાણ પોલીસે ચાલક જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલની ધરપકડ કરી છે. આરોપી સુરતમાં દરજીકામ કરે છે અને મૂળ વલ્લભીપુરના રાજપરા ગામનો વતની છે. તે અમદાવાદથી સુરત જઈ રહ્યો હતો, ત્યારે તેણે રસ્તાની સાઈડમા ઉભેલા 7 લોકોને અડફેટે લીધા હતા. ઉતરાણ પોલીસ દ્વારા અકસ્માત નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપી જિજ્ઞેશ ગોહિલે પોતાને ઝોકું આવી જતા અકસ્માત થયું હોવાનું રટણ કર્યું હતું.
કારની અડફેટે પિતાપુત્રનું મોત
અકસ્માતમાં 6 વર્ષના વિયાન વાઘાણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતા દેવેશભાઈ વાઘાણીનું પણ પુત્રના મોતના 11 કલાકમાં મોત નીપજ્યું છે, જ્યારે દેવેશભાઈની પ્રેગ્નન્ટ સાળી હાલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.
દેવેશભાઈ 6 બહેનોમાં એક ભાઈ હતા
વેલંજા વિસ્તારમાં દેવેશભાઈ વાઘાણી પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં માતા, પત્ની અને એકનો એક છ વર્ષનો દીકરો વિયાન હતો. દેવેશભાઈના પિતાનું કોરોના સમયમાં અવસાન થયું હતું. દેવેશભાઈ પણ પરિવારમાં એકના એક જ દીકરા હતા. દેવેશભાઈ રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાત ચલાવતા હતા. એટલું જ નહિ દેવેશભાઈ 6 બહેનનો એકનો એક ભાઈ હતા.
Trending Photos