Pic : વિલાયતનો મોહ છોડીને પોરબંદરના નાનકડા ગામમાં ખેતી કરે છે આ ગુજરાતી યુવા દંપતી

ભારતની આપણી મહાન સંસ્કૃતિ અને વારસાને વિસરી આજે આપણું યુવાધન પશ્ચિમિકરણ તરફ દોટ મૂકતુ જોવા મળી રહ્યુ છે. તેમાં પણ આપણે ત્યાં વિદેશ જવાની તો આજે પણ એટલી ઘેલછા છે કે તેના માટે લોકો કંઈ પણ કરી છૂટવા તૈયાર થાય છે. પરંતુ ખરા અર્થમાં જોઈએ તો રૂપિયા સહિતની ભૌતિક ચીજવસ્તુઓ આપણા જીવન નિર્વાહ માટે છે, પરંતુ આપણે આજે તેને જ જીવન સમજી લીધું હોવાથી તેનાથી દૂર રહેવાનું વિચારી શકાતુ નથી. માણસ પોતાના જીવનમાં રૂપિયા ગમે ત્યારે અને ગમે તે સ્થળે મહેનત કરશે તો કમાઈ શકશે. પરંતુ માતા-પિતા પરિવારથી વિશેષ મૂલ્યવાન કંઈપણ ના હોઈ શકે તે વાતને સાબિત કરી છે.

Mar 17, 2019, 03:54 PM IST

અજય શીલુ/પોરબંદર :ભારતની આપણી મહાન સંસ્કૃતિ અને વારસાને વિસરી આજે આપણું યુવાધન પશ્ચિમિકરણ તરફ દોટ મૂકતુ જોવા મળી રહ્યુ છે. તેમાં પણ આપણે ત્યાં વિદેશ જવાની તો આજે પણ એટલી ઘેલછા છે કે તેના માટે લોકો કંઈ પણ કરી છૂટવા તૈયાર થાય છે. પરંતુ ખરા અર્થમાં જોઈએ તો રૂપિયા સહિતની ભૌતિક ચીજવસ્તુઓ આપણા જીવન નિર્વાહ માટે છે, પરંતુ આપણે આજે તેને જ જીવન સમજી લીધું હોવાથી તેનાથી દૂર રહેવાનું વિચારી શકાતુ નથી. માણસ પોતાના જીવનમાં રૂપિયા ગમે ત્યારે અને ગમે તે સ્થળે મહેનત કરશે તો કમાઈ શકશે. પરંતુ માતા-પિતા પરિવારથી વિશેષ મૂલ્યવાન કંઈપણ ના હોઈ શકે તે વાતને સાબિત કરી છે. ઈંગ્લેન્ડ છોડીને પોરબંદર જિલ્લાના નાના એવા બેરણ ગામમાં ખેતી-પશુપાલન કરીને રહેતા દપંતીએ. જો તેઓએ ધાર્યુ હોત તો તેઓ યુકે રહી શકતા હતા. પરંતુ તેઓ શા માટે અહી આવીને વસ્યા છે જુઓ આ પ્રેરણાદાયી કિસ્સો. 

1/4

પોરબંદર જિલ્લાના નાના એવા બેરણ ગામે ખેતીકામ અને પશુપાલન કરીને પોતાના પરિવાર સાથે ખુશીથી જીવન પસાર કરી રહેલા રામદે ખુંટી અને ભારતી ખુંટી નામના આ દપંતીનો કિસ્સો અનેક યુવાઓને પ્રેરણા પુરી પાડી રહ્યો છે. વર્ષ 2006માં રામદે ખુંટી પ્રથમ વખત વર્ક વિઝા પર ઈંગ્લેન્ડ ગયા હતા. જ્યા તેમણે બે વર્ષ જેટલો સમય નોકરી કરીને યુકેની જીવનશૈલી જોઈ, અને બાદમાં તેઓ પરત પોતાના વતન પરત ફર્યા હતા. ત્યારબાદ 2009માં રામદે ખુંટીના ભારતી સાથે લગ્ન થયા. આ દરમિયાન ભારતી ખુંટીનો રાજકોટ ખાતે એરપોર્ટ મેનેજમેન્ટ અને એર હોસ્ટેસનો કોર્સ પણ ચાલી રહ્યો હતો. ત્યારબાદ ડિગ્રીના અભ્યાસ માટે ભારતી ખુંટીને તેમના પતિ અને સાસુ-સસરાએ પણ પ્રેરણા આપતા તેઓ 2010માં પોતાના પતિ સાથે લંડન ગયા. જ્યાં તેઓએ ઈન્ટરનેશનલ ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટની ડિગ્રી પૂર્ણ કરી. તેમણે હેલ્થ એન્ડ સેફ્ટીનો કોર્સ પણ પૂર્ણ કર્યો. આ સમય દરમિયાન બંન્ને પતિ-પત્નીને સારી જોબ પણ હોવાથી તેઓ સારી રીતે લંડનમાં જીવન જીવી રહ્યા હતા. દરમિયાન તેમના પરિવારમાં પુત્રનો જન્મ થયો હતો. આ વૈભવી જીવનશૈલી વચ્ચે પણ રામદેને પોતાના ગામડે રહેતા પોતાના માતા પિતાની ચિંતા સતાવતી હતી. કારણ કે તે પોતાના માતા પિતાના એકના એક સંતાન હતા. તેથી રામદે ખુંટીએ પોતાએ પોતાના વતન પરત ફરવાનો નિર્ણય કર્યો અને આ વાત પતિને પણ કહી. બસ, પત્ની પણ તૈયાર થતા દંપતી લંડનની જીવનશૈલી છોડીને નાના એવા બેરણ ગામે રહેવા આવી ગયો.

2/4

માતા-પિતા અને પરિવાર સાથે રહેવાના ધ્યેય સાથે પોતાના વતન સ્થાયી થયેલ આ દપંતીએ અન્ય કોઈ હાઈપ્રોફાઈલ બિઝનેસ શરૂ કરવાનું છોડીને, ખેતી-અને પશુપાલનનો વ્યવસાય પસંદ કર્યો. પતિ રામદે ખુંટીને તો ખેતીકામ આવડતું હતું, પરંતુ ભારતીએ આ પહેલા પશુપાલન અને ખેતી કાર્ય ક્યારેય કર્યું ન હતું, પણ સમય જતા તેણે ખેતીના બધા જ કામ શીખી લીધા. વાડીએ બાંધેલી 7 ભેંસો રાખી છે. ભેંસોને દોહવા, તેમને નિરણ નાખવુ તેમજ ખેતીકામ સહિતના તમામ કામ આજે ભારતીબેન સારી રીતે કરી રહ્યા છે. પરિવાર પશુપાલન અને ખેતીવાડીમાંથી સારી એવી આવક પણ મેળવી રહ્યો છે.

3/4

આપણે ત્યાં એક એવી માન્યતા પણ રહેલી છે કે, જેઓ વધુ ભણેલા નથી અને જેઓને અન્ય કોઈ કામ નથી આવડતુ હોતુ તેઓ ગામડામાં રહેતા હોય છે. પરંતુ આવી ભ્રમ ભરેલી માન્યતાને દૂર કરવાના ધ્યેય સાથે આપણું ગ્રામ્ય જીવન સુખી સંસ્કારોથી ભરેલુ છે. એટલું જ નહિ, ખૂંટ દંપતી છેલ્લા એક વર્ષથી "લિવ વિલેજ લાઈફ વિથ ઓમ & ફેમિલી" નામની યુ ટ્યુબ ચેનલ ચલાવે છે. જેમાં તેઓ પોતાની ગ્રામ્ય જીવનશૈલી ખેતીકાર્ય, પશુપાલન સહિતના અલગ-અલગ વીડિયો મૂકે છે. આ ચેનલના આજે 97 હજારથી વધુ સબ્સક્રાઈબર્સ છે. આ વાત સાબિત કરે છે કે, લોકોને ગ્રામ્ય જીવનશૈલી, આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે કેટલો લગાવ છે.  

4/4

આ વિશે ભારતીબેન કહે છે કે, આજે અનેક એવા માતા-પિતા છે, જેઓના સંતાનો વિદેશમાં રહેવાના મોહમાં તેમજ રૂપિયા કમાવવાની લ્હાયમાં એક વખત પોતાના વતનથી ગયા બાદ પોતાના પરિવારને વિસરી ગયા છે. આવા આપણે ત્યા અનેક કિસ્સાઓ છે. ત્યારે યુકેથી અહી સ્થાયી થયેલા આ દંપતી કુદરતના ખોળે જીવન જીવી રહ્યા છે, તે આ વાતની સાક્ષી પુરે છે કે, સાચુ સુખ માત્ર રૂપિયા નથી.