ગોંડલવાસીઓએ પીપળાનું ઝાડનું કર્યુ બેસણું, કોઈએ 25 વર્ષ જૂનું વૃક્ષ કાપી નાંખ્યું
Gondal News જયેશ ભોજાણી/ગોંડલ : ગોંડલમાં ગુંદાળા રોડ પર આવેલ 25 વર્ષ જૂનો પીપળો કાપી નાખતા લોકો રોષે ભરાયા હતા. સ્થાનિકો દ્વારા આજરોજ પીપળાનું બેસણું યોજી રોષ વ્યક્ત કરાયો. ગુંદાળા રોડ પર આવેલ 25 વર્ષ જૂનો પીપળો કોઈ સ્થાનિક દ્વારા કાપી નાખવામાં આવ્યો હતો. અને પીપળો કાપ્યો તેમના થડ પણ રીક્ષામાં ભરીને અન્ય જગ્યા પર ખસેડવામાં આવ્યા
રાજકોટના ગોંડલમાં પીપળાનું વૃક્ષ કાપી દેવાતા સ્થાનિકોનો અનોખો વિરોધ....વૃક્ષનું બેસણુ રાખી શિવધૂન બોલાવી.....પર્યાવરણ પ્રેમીઓએ ફરીથી તે જ જગ્યા પર વૃક્ષના છોડનું કર્યુ વાવેતર.....
ગોંડલ ગુંદાળા રોડ પર ગણેશ ડેરી વાળી શેરીમાં બ્રહ્માણી પાર્કમાં સાર્વજનિક પ્લોટમાં 25 વર્ષ જૂનો પીપળો કાપી નાખવામાં આવ્યો. અને ત્યાંના કોઈ સ્થાનિક રહેવાસી દ્વારા કોઈ પણ પ્રકારની પરમિશન વગર આ વૃક્ષ કાપી નાંખવામાં આવ્યું છે. નોંધનીય છે કે, પીપળાના વૃક્ષનું હિન્દુઓમાં ધાર્મિક મહત્વ પણ રહેલું છે ત્યારે લોકોની ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચી છે.
બેસણું યોજી રોષ વ્યકત કરાયો
શહેર ની વિવિધ સામાજીક સંસ્થાઓ જેવીકે હરિયાળું ગ્રુપ ગોંડલ, ગોંડલ સાયકલ ગ્રુપ, અક્ષય ભારતી મિત્ર મંડળ સહિત ની સંસ્થાઓ અને વૃક્ષ પ્રેમીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરી જે જગ્યા પર પીપળાનું વૃક્ષ કાપી નાખવામાં આવ્યું તે જગ્યા પર બેસણું યોજી વૃક્ષનો ફોટો રાખી પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ગ્રાઉન્ડમાં બેસી ૐ નમઃ શિવાય ની ધૂન બોલાવવામાં આવી હતી અને 2 મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્માણી નગર સોસાયટીમાં રહેતા સ્થાનિકો, મહિલાઓ, વૃધ્ધો તેમજ બાળકો બેસણાંમાં જોડાયા હતા.
સ્થાનિકો દ્વારા તે જ જગ્યાએ પીપળાના છોડનું રોપણ કરાયું
શહેરના બ્રહ્માણી પાર્ક સોસાયટીના લોકો તેમજ સામાજિક સંસ્થાના સભ્યો અને વૃક્ષ પ્રેમીઓ દ્વારા જે સાર્વજનિક પ્લોટમાં કોઈ સ્થાનિક દ્વારા 25 વર્ષનું જૂનું વૃક્ષ કાપી નાખવામાં આવ્યું હતું તે જગ્યા પર હરિયાળું ગ્રુપ ગોંડલ તેમજ સોસાયટીના સ્થાનિકો દ્વારા તેજ જગ્યા પર ફરી પીપળાના છોડ નું મંત્રોચ્ચાર સાથે રોપણ કરવામાં આવ્યું હતું
જવાબદાર સામે યોગ્ય પગલાં લેવા માંગ કરાઈ
વૃક્ષ આપણા મિત્રો છે. અને તે આપણ ને ઓક્સિજન પૂરું પડવાનું કામ કરે છે. તંત્ર પણ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો ના નારા લગાવી રહ્યું છે ત્યારે ગોંડલમાં ગુંદાળા રોડ પર આવેલ બ્રહ્માણી પાર્ક સોસાયટીમાં કોઈ સ્થાનિક દ્વારા પીપળાનું વૃક્ષ કાપી નાખતા રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા નગર પાલિકા કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે અરજી કરી રોષ ઠાલવવામાં આવ્યો હતો. અને સ્થાનિકો તેમજ સામાજિક સંસ્થા આગેવાનો વૃક્ષ પ્રેમીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી
Trending Photos