પાણીનો પોકાર : ગુજરાતના આ ગામમાં એકાદ-બે ઘડો પાણી મળે તો પણ મહિલાઓ પોતાને નસીબદાર માને છે
ઉનાળો આવતા જ અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને સૌથી પહેલી સમસ્યા પાણીની આવી પડતી હોય છે. આવામાં અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા નાપડા ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આ આકરા ઉનાળામાં આ ગામ લોકો બે કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા માટે મજબૂર બન્યા છે.
સમીર બલોચ/અરવલ્લી :ઉનાળો આવતા જ અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને સૌથી પહેલી સમસ્યા પાણીની આવી પડતી હોય છે. આવામાં અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા નાપડા ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આ આકરા ઉનાળામાં આ ગામ લોકો બે કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા માટે મજબૂર બન્યા છે.
આ લાઈન લગાવીને બેઠેલી મહિલાઓ માત્ર એક બેડું પાણી મળી રહે તેની રાહ જોઈ રહી છે. કારણ કે, ઉનાળાની શરૂઆત થતાં જ લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા નાપડા ગામની મહિલાઓને પાણી માટે બળબળતા તાપમાં 2 કિલોમીટર સુધી દૂર જવાની ફરજ પડે છે.
ઉનાળાની શરૂઆત થતાં જ ગામના બોર અને હેન્ડપંપના પાણીના સ્તર નીચે જતાં રહ્યા છે. ગામમાં ઠાકોર અને વણઝારા સમાજના અંદાજે 400 જેટલા પરિવાર રહે છે. સવાર પડતાં જ ઘરના તમામ કામ પડતાં મૂકીને ગામની મહિલાઓ બેડા લઈને પાણી ભરવા નીકળી પડે છે. જેમાં કલાકો સુધી રાહ જોયા પછી માંડ એકાદ બેડુ પાણી મળે છે.
આ ગામથી નજીકમાં જ મહેસૂલ ડેમ આવેલો છતાં પણ ગામના પાણીના સ્તર ઊંડા જતાં રહ્યા છે. જેના કારણે ગામના તમામ હેન્ડપંપ બંધ હાલતમાં પડ્યા છે. માત્ર ગામનો એક જ હેન્ડપંપ ચાલુ સ્થિતિમાં છે. પરંતુ આ હેન્ડપંપ ગામથી 2 કિલોમીટર દૂર આવેલો હોવાથી મહિલાઓને ત્યાં સુધી પહોંચવુ અઘરુ બની જાય છે. ગામની મહિલાઓ વહેલી સવારના 6 વાગ્યાથી ગામમાં એક માત્ર ચાલુ હેન્ડ પંપ ઉપર પાણી ભરવા માટે પોતાના ઘરનું કામ છોડી લાઈનમાં ઉભી રહે, ત્યારે એકાદ-બે બેડા પાણી નસીબ લાગે છે. પાણીના અભાવે ગામની મહિલાઓ ત્રસ્ત થઈ ગઈ છે. પાણી ભરવાની પારાયણના કારણે મહિલાઓ ઘરનું કામ પણ કરી શકતી નથી.
ધોમધખતા તાપમાં મહિલાઓને વગર ચપ્પલે દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. કિલોમીટર દૂર કલાકોની મથામણ બાદ મુશ્કેલી વેઠવા છતાં પણ એકાદ બેડુ પાણી મળે છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે એક બેડા પાણીમાંથી પરિવારને પાણી પીવડાવવું, ઘર વપરાશમાં લેવું.
નાપડા ગામની પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ ગ્રામ પંચાયતથી લઈને ઉપર સુધી અનેક વખત રજૂઆત કરી છે, છતાં પણ આ ગામની સમસ્યાને લઈને તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે. આ મામલે નાપડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચે ગામમાં પાણીના સ્તર નીચા જવાના કારણે સમસ્યા સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, હાલ પાણી માટે પુરવઠા યોજનાની પાઇપ લાઈનનું કામ ચાલી રહ્યું છે, જે એકાદ બે માસમાં પૂરું થઈ જશે.
Trending Photos