પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડને બ્લડ કેન્સર, કપિલ દેવે મદદ માટે લંબાવ્યો હાથ

Anshuman Gaekwad : દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવે બીસીસીઆઈને અંશુમન ગાયકવાડને આર્થિક મદદ કરવા ખાસ અપીલ કરી, પોતાનું પેન્શન પણ આપવાની જાહેરાત કરી

પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડને બ્લડ કેન્સર, કપિલ દેવે મદદ માટે લંબાવ્યો હાથ

Cricket News : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અંશુમન ગાયકવાડની તબિયત ગંભીર હોવાની માહિતી સામે આવી છે. તેમને વડોદરાની ગોરવા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અંશુમન ગાયકવાડ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા લંડનમાં સારવાર કરાવી હતી. ત્યારે દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને અંશુમન ગાયકવાડને મદદ કરવા ખાસ અપીલ કરી છે. 

71 વર્ષીય પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડ બ્લડ કેન્સરની ગંભીર બીમારીથી પીડિત છે. ગાયકવાડ છેલ્લા એક વર્ષથી કેન્સર જેવી ખતરનાક બિમારીથી પીડિત છે. આ ઉપરાંત અંશુમન ગાડકવાડને આર્થિક મદદની જરૂર છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ આ મામલે અંશુને મદદ કરવા અંગે BCCI સાથે વાત કરી છે, જેના પર BCCI ના ટ્રેઝરર આશિષ શેલારે આ બાબતે વિચાર કરવાની વાત કરી છે.

કપિલ દેવની અપીલ
આ પૂર્વ ક્રિકેટરને મદદ કરવા કપિલ દેવે અપીલ કરી છે. કપિલે કહ્યું કે, આ ખૂબ જ નિરાશાજનક છે. હું દુ:ખી છું કારણ કે હું ગાયકવાડ સાથે ઘણો રમ્યો છું અને તેમને આ સ્થિતિમાં નથી જોઈ શકતો. કોઈને પણ સમસ્યા ન થવી જોઈએ. હું જાણું છું કે બોર્ડ તેમને જોશે. અમે કોઈને દબાણ નથી કરી રહ્યા. ગાયકવાડ માટે કોઈપણ મદદ હૃદયથી આવવી જોઈએ. મેચ રમતી વખતે પણ તેમને ફાસ્ટ બોલરોના બોલથી ઈજા પહોંચી છે. હવે સમય આવી ગયો છે કે આપણે તેમની સાથે ઉભા રહીએ. મને ખાતરી છે કે અમારા ક્રિકેટ ચાહકો તેમને નિષ્ફળ નહીં થવા દેશે. તેમણે ગાયકવાડની રિકવરી માટે પ્રાર્થના કરવી જોઈએ. 

હું મારું પેન્શન આપવા તૈયાર છું
કપિલે કહ્યું કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો હું મારું પેન્શન પણ દાન કરવા તૈયાર છું. તેમણે કહ્યું કે, દુર્ભાગ્યે અમારી પાસે કોઈ સિસ્ટમ નથી. આ જોઈને સારું લાગે છે કે, વર્તમાન ખેલાડીઓ પાસે પૈસા છે. હવે સપોર્ટ સ્ટાફને પણ સારો પગાર મળે છે. અમારા સમયમાં બોર્ડ પાસે એટલા પૈસા નહોતા. ભૂતકાળના સીનિયર ખેલાડીઓને મદદ કરવી જોઈએ પરંતુ તેઓ તેમનો સહયોગ ક્યાં મોકલશે? જો ટ્રસ્ટ બનાવવામાં આવે તો તેઓ ત્યાં પૈસા મોકલી શકે છે, પરંતુ અમારી પાસે આવી કોઈ સિસ્ટમ નથી. આવું ટ્રસ્ટ હોવું જોઈએ અને મને લાગે છે કે BCCIએ આ કરવું જોઈએ. તેઓ ભૂતકાળ અને વર્તમાન ખેલાડીઓને જુએ છે. જો પરિવાર અમને પરવાનગી આપે તો અમે અમારું પેન્શન દાનમાં આપવા તૈયાર છીએ. મને વિશ્વાસ છે કે BCCI આ મામલાને ધ્યાનમાં લેશે અને ભારતીય ટીમના કોચ રહી ચૂકેલા ગાયકવાડને આર્થિક મદદ કરશે.

અંશુમન ગાયકવાડ વિશે
અંશુમન ગાયકવાડ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. તેઓ હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચૂક્યા છે. તેઓ ઓપનીંગ બેટ્સમેન તરીકે ભારતીય ટીમમાં સામેલ થયા હતા. આ ખેલાડી એક-દિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news